બે થિયેટરના ઉદ્દઘાટન સાથે કાશ્મીર ખીણમાં 32 વર્ષ પછી ફરીથી સિનેમા થિયેટરનો પ્રારંભ

શ્રીનગરઃ  કાશ્મીર ખીણમાં 32 વર્ષના ગાળા પછી સિનેમા થિયેટરનો ફરી પ્રારંભ થયો છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ ગઈકાલે દક્ષિણ કાશ્મીરના બે જિલ્લા પુલવામાં અને શોપિયાંમાં થિયેટરોનું ઉદ્દઘાટન કર્યું હતું.

તે ઉપરાંત આવતીકાલે મંગળવારે શ્રીનગરના સૌપ્રથમ મલ્ટિપ્લેક્સ થિયેટરનો પણ પ્રારંભ થશે.

પુલવામામાં રવિવારે બહુવિધલક્ષી થિયેટરનો પ્રારંભ કરતા ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કહ્યું હતું કે, સિનેમા એ શક્તિશાળી સર્જનાત્મક માધ્યમ છે જે પ્રજાની સંસ્કૃતિ, મૂલ્યો તથા અપેક્ષાઓ વ્યક્ત કરે છે. તેનાથી જ્ઞાન તથા નવાં સંશોધન માટે દરવાજા ખૂલે છે તથા લોકોને એકબીજાની સંસ્કૃતિ વધારે સારી રીતે સમજવામાં મદદ મળે છે.

આ ક્ષણને ઐતિહાસિક ગણાવતા ઉપરાજ્યપાલ સિંહાએ આશા વ્યક્ત કરી હતી કે આ સિનેમા થિયેટરોને કારણે સ્થાનિક લોકોને રોજગારી મળવાથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક સિનેમા થિયેટર શરૂ કરવામાં આવશે.

1990ના દાયકામાં આતંકવાદ ચરમસીએ પહોંચતા કાશ્મીર ખીણમાં સિનેમા થિયેટરની પ્રવૃત્તિ બંધ પડવાની શરૂઆત થઈ હતી. આતંકવાદીઓ અને જેહાદી જૂથોની મનાઈ છતાં જે થિયેટર ચાલુ રહેતાં હતાં ત્યાં હિંસક હુમલા પણ થતા હતા. છેવટે પ્રતિબંધિત જેકેએલએફ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકી અને અલગતાવાદી સંગઠનોએ આપેલી ધમકી બાદ 1990ની પહેલી જાન્યુઆરીથી શ્રીનગર, અનંતનાગ, બારામુલ્લા, સોપોર, હંદવારા અને કુપવારામાં ચાલતાં તમામ 19 સિનેમા એક સાથે બંધ થઈ ગયા હતા.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો