ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો વડાપ્રધાન શિલાન્યાસ કરશે

— CNG પોર્ટ ₹4024 કરોડના રોકાણ સાથે ક્લિન એનર્જીથી ઊર્જાની માંગને પહોંચી વળશે

— પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને APPL કન્ટેનરનું ઉદ્દઘાટન પણ કરશે

— ભાવનગર ખાતે સ્થિત ₹100 કરોડનું પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર 20 એકરમાં ફેલાયેલું છે

— વાઇબ્રન્ટ ગુજરાત 2019 દરમિયાન GMB સાથે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા

ગાંધીનગર:     વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર, 2022ના રોજ ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2019 દરમિયાન, ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં CNG ટર્મિનલ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ડિસેમ્બર 2019માં, કન્સોર્ટિયમે ભાવનગર પોર્ટની ઉત્તર બાજુએ CNG ટર્મિનલ અને અન્ય ટર્મિનલના વિકાસ માટે GMB (ગુજરાત મેરિટાઇમ બોર્ડ)ને પ્રોજેક્ટ પ્રપોઝલ રજૂ કરી હતી. ગુજરાત સરકારે પ્રોજેક્ટની દરખાસ્ત સ્વીકારી અને GMBએ સપ્ટેમ્બર 2020માં ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ (BPIPL)ના નામે એક લેટર ઑફ ઈન્ટેન્ટ (LOI) જારી કર્યો હતો, જે કન્સોર્ટિયમ દ્વારા રચવામાં આવેલું સ્પેશીયલ પર્પઝ વેહિકલ છે.

CNG ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટની વિશેષતાઓઃ

આ બંદર ₹4024 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને તેમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત આ પોર્ટ ભાવનગર જિલ્લાની ભાવિ જરૂરિયાતો અને આગામી પ્રોજેક્ટસ્ જેમ કે વાહન સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન, અન્ય મેગા પ્રોજેક્ટ્સ અને ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન માટેની જરૂરિયાતોને પણ પૂરી કરશે.

આ બંદરમાં અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ, મલ્ટીપર્પસ ટર્મિનલ અને લિક્વિડ ટર્મિનલ પણ હશે, જે હાલના રોડવે અને રેલવે નેટવર્કને સૌથી મોટા ઔદ્યોગિક ઝોન, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર અને દેશના ઉત્તરીય અંતરિયાળ વિસ્તારો સાથે જોડતી સીધી ડોર-સ્ટેપ કનેક્ટિવિટી પૂરી પાડશે.

આ બંદર ઓછા આંતરિક અંતરની મુસાફરીમાં વધુ કાર્ગો વોલ્યુમ હેન્ડલિંગ સાથે ઘણા આર્થિક લાભો અને ખર્ચમાં પણ બચત કરી આપશે. આ બંદર 1100 જેટલા લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરવામાં મદદ કરશે અને આનુષંગિક પોર્ટ સંબંધિત સેવાઓની તકોમાં પણ વધારો કરશે.

તદુપરાંત, CNG ઇમ્પોર્ટ ટર્મિનલ ક્લીન એનર્જીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ઊર્જાનો વધારાનો વૈકલ્પિક સ્ત્રોત પૂરો પાડશે. પ્રમોટર્સ દ્વારા UAEના રાસ અલ ખાઈમાહ સ્થિત RAK ગેસ સાથે સીએનજીના પુરવઠા અને સીએનજી નિકાસ ટર્મિનલના વિકાસ માટે પહેલેથી જ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. CNG ની સપ્લાય મિકેનિઝમ એકવાર કાર્યરત થઈ જાય તો તે ક્રાંતિકારી વાત હશે, જે ભારતને નાના પાયાના અને વણવપરાયેલા ગેસના જથ્થાનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવશે.

પોર્ટનું બાંધકામ લગભગ વર્ષ 2023ના પ્રથમ 6 મહિનાની અંદર શરૂ થઈ થશે અને 2026માં આ બંદર કાર્યરત થઈ જશે.

આ સાથે જ, વડાપ્રધાન ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (રિજિયોનલ સાયન્સ સેન્ટર – RSC)નું પણ ઉદ્દઘાટન કરશે, જે 20 એકરમાં ફેલાયેલું છે અને 100 કરોડના ખર્ચે બનેલું છે. પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (RSC) ભાવનગર દાસ નાળા, નારી ગામ, અમદાવાદ હાઈવે, પાસે આવેલું છે.

રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિશેષતાઓઃ

થીમ-આધારિત વિવિધ ગેલરી:

ભાવનગર અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની આસપાસના વિસ્તારમાં વિજ્ઞાન અને એન્જિનિયરિંગના વિકાસને ધ્યાનમાં રાખીને, રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય જનતા અને મુલાકાતીઓ માટે નવીન પ્રદર્શનો સાથે કેટલીક થીમ-આધારિત ગેલરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મરિન એક્વેટિક ગેલરી:

• ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોથી પ્રેરિત, મરીન એક્વેટિક્સ ગેલરી દરિયાઈ જળચર પ્રજાતિઓ અને દરિયાઈ જીવનના વૈજ્ઞાનિક અભ્યાસના ખ્યાલો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

• મુલાકાતીઓ અહીં જળચર સૃષ્ટી અને દરીયાઈ ઇકો-સિસ્ટમ વિશે જાણી શકે છે.

ઓટોમોબાઈલ ગેલરી:

• આ ગેલરી IC એન્જિનથી લઈને એરોપ્લેન અને હાઈડ્રો મોબિલિટી સુધી, ઓટોમોબાઈલ અને ઓટોમોબાઈલ વિજ્ઞાનની વિશાળતાને આવરી લે છે

• ગેલરીમાં વર્કશોપની જગ્યાઓ પણ છે જ્યાં વિદ્યાર્થીઓ ઓટોમોબાઈલ સાથે સંકળાયેલા ઘટકો પર હાથ અજમાવી શકે છે.

નોબલ પ્રાઈઝ ગેલરી- ફિઝિયોલોજી અને મેડિસિન:

• ફિઝિયોલોજી અને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓને સમર્પિત ખાસ ગેલરી

• આ ગેલરી તમામ 224 નોબેલ પારિતોષિકના વિજેતાઓને સમર્પિત છે જેમના યોગદાનથી આ ક્ષેત્ર આગળ વધ્યું છે અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આ વિજેતાઓના યોગદાન વિશે જાણીને, આ ગેલરી વિદ્યાર્થીઓમાં ફિઝિયોલોજી અને મેડિસિન ક્ષેત્રે રસ પેદા કરશે.

ઇલેક્ટ્રો મિકેનિક્સ ગેલરી:

• આ ગેલરી વીજળી અને ચુંબકત્વ અને તેના આંતરપ્રક્રિયા પાછળના વિજ્ઞાનની વિભાવનાઓને દર્શાવવાની નવીન રીતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

• મુલાકાતીઓ હોલ ઑફ ટેસ્લા, મેગલેવ અને બુલેટ ટ્રેન વર્કિંગ ડેમોન્સ્ટ્રેશન મોડલથી મંત્રમુગ્ધ થઈ જશે, જે આ ગેલરીની કેટલીક મુખ્ય વિશેષતાઓ છે.

બાયોલોજી સાયન્સિસ ગેલરી:

• બાયોલોજી ગેલરી જીવવિજ્ઞાનની વ્યાપકતાઓને આવરી લે છે, જેમાં સામાન્ય જૈવિક વિભાવનાઓ અને સ્પિશિસ સ્પેસિફિક હેબિટાટ બાયોલોજીને આવરી લેવામાં આવ્યું છે.

• આ ગેલરીમાં ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો, સ્કેલ કરેલા મોડેલ્સ અને ઇન્ફોગ્રાફિક્સ હશે, જે યુવાન દિમાગમાં જીવવિજ્ઞાનના ખ્યાલોનો સુંદર રીતે સંચાર કરશે.

આવી થીમ-ગેલરીઓ ઉપરાંત, એનિમેટ્રોનિક ડાયનોસોર, વિજ્ઞાન થીમ આધારિત ટોય ટ્રેન, નેચર એક્સપ્લોરેશન ટુર, મોશન સિમ્યુલેટર્સ, પોર્ટેબલ સોલાર ઓબ્ઝર્વેટરી અને અન્ય આવા આઉટ-ડોર ઇન્સ્ટોલેશન્સ થકી ભાવનગરનું આ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ માટે સંશોધન અને એક્સપ્લોરેશન માટે એક ક્રિએટિવ પ્લેટફોર્મ પૂરું પાડશે.

વડાપ્રધાન APPL કન્ટેનર (AAWADKRUPA PLASTOMECH PVT. LTD) નું પણ ઉદ્દઘાટન કરશે. વડાપ્રધાનની ‘મેક ઈન ઈન્ડિયા’ની જાહેરાત બાદ, ભારત સરકારે ભાવનગર ખાતે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબની સ્થાપના કરી હતી. પ્રથમ પ્રોટોટાઇપ કન્ટેનર 2019માં બનાવવામાં આવ્યું હતું.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો