સુરતના વરાછામાં ઈટાલિયાનું જાતિવાદી કાર્ડ ન ચાલ્યું, સમર્થનમાં રેલી યોજવાનો પ્રયાસ ફ્લોપ

સુરતઃ  હિન્દુત્વ, મંદિરો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમના માતા હીરાબા વગેરે વિશે અત્યંત ઘૃણાસ્પદ, અપમાનજનક અને અસભ્ય ભાષા બોલીને ફસાયેલા ગોપાલ ઈટાલિયાએ જાતિવાદી કાર્ડ રમવાનો પ્રયાસ કર્યો છે. જોકે તેના આ પ્રયાસને ઘોર નિષ્ફળતા મળી છે.

ઈટાલિયાએ મહિલાઓ વિરોધી કરેલાં નિવેદનનો જવાબ આપવા રાષ્ટ્રીય મહિલા પંચ દ્વારા દિલ્હી બોલાવવામાં આવ્યા ત્યારે દિલ્હીના આમ આદમી પાર્ટીના કાર્યકરોનું ટોળું મહિલા પંચની ઑફિસે પહોંચ્યું જેને કારણે મહિલા પંચે ફરિયાદ કરતાં પોલીસે ઈટાલિયાની અટકાયત કરી હતી. આ ઘટનાક્રમ દરમિયાન ગુરુવારે ઈટાલિયા ઉપર ચારે તરફથી ફિટકાર વરસતાં કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પક્ષના ગુજરાતના પ્રમુખના સમર્થનમાં સુરતના વરાછા વિસ્તારમાં રેલી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં પક્ષના લોકો જ સામેલ થયા નહોતા અને રેલીનો પ્રયાસ સદંતર નિષ્ફળ નિવડ્યો હતો.

ઈટાલિયાના સમર્થનમાં સુરતના વરાછામાં આમ આદમી પાર્ટીએ સરઘસ કાઢવાનું આયોજન કર્યું હતું પરંતુ પક્ષના કાર્યકરો જ ન આવતાં સરઘસ શરૂ થઈ શક્યું નહોતું. એકાદ કલાકના વિલંબ બાદ ઘણા પ્રયાસો કર્યા પછી થોડા લોકો ભેગા થતા કેજરીવાલની પાર્ટીએ સરઘસ કાઢ્યું હતું.

અગત્યનો મુદ્દો એ છે કે સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા આપ- પાર્ટીના નગરસેવકો પોતે જ વરાછાની રેલીમાં ઉપસ્થિત રહ્યા નહોતા.

છેલ્લા થોડા દિવસથી ઈટાલિયાના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જે અપમાનજનક અને ઘૃણા ફેલાવનાર હોવાનું ભાજપે કહ્યું હતું. ઈટાલિયાએ એક વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 100 વર્ષની ઉંમરના માતા હીરાબાને “નાટકબાજ” કહ્યા જેને પગલે આખા દેશમાં લોકો ઈટાલિયા વિરુદ્ધ રોષે ભરાયા હતા. અન્ય એક વીડિયોમાં તેણે મંદિરોમાં મહિલાઓનું શોષણ થતું હોવાનું નિવેદન પણ કર્યું હતું, જ્યારે બીજા વીડિયોમાં વડાપ્રધાન માટે અતિશય અપમાનજનક શબ્દપ્રયોગ કર્યો હતો.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો