AIMIM સાથે અધિકારીઓની ઉપસ્થિતિમાં સીવેજ પ્લાન્ટ અંગે મુલાકાત થઈ હતીઃ મેયર કિરીટ પરમાર

અમદાવાદઃ  ઓવૈસીની AIMIM પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત કોઈ પાર્ટીની ઑફિસમાં થઈ નહોતી અને એ મુલાકાત રાજકીય નહોતી તેવી સ્પષ્ટતા અમદાવાદના મેયર કિરીટભાઈ પરમારે કરી છે. શહેરના મેયરની આ સ્પષ્ટતા સાથે આમ આદમી પાર્ટી દ્વારા સતત ફેક ન્યૂઝ ફેલાવવાની ગતિવિધિનો વધુ એક વખત પર્દાફાશ થયો છે.

આમ આદમી પાર્ટીના કાર્યકરો ગઇકાલથી સતત એક ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે કે, શહેરના મેયર સહિત ભાજપના નેતાઓએ ઓવૈસીની AIMIM પાર્ટીના કાર્યકરો સાથે AIMIM ની ઑફિસમાં ગુપ્ત મુલાકાત કરી. આવો અપપ્રચાર ફેલાવીને આમ આદમી પાર્ટીવાળા એવો પણ અપપ્રચાર ચલાવી રહ્યા છે કે, ભાજપે મુસ્લિમવાદી પાર્ટી AIMIM સાથે સાંઠગાંઠ કરી છે. આવો અપપ્રચાર ફેલાવવામાં ગુજરાત આપ-ના પ્રમુખ ઈટાલિયા તો ઠીક, છેક દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન સિસોદિયા પણ પાછળ રહ્યા નહોતા.

જોકે, આપ-નો આ અપપ્રચાર વાયરલ થતા તેનો જવાબ આપતા મેયર ઉપરાંત સ્થાઈ સમિતિના ચેરમેન હિતેશભાઈ બારોટ સહિત ભાજપના અગ્રણીઓએ કહ્યું કે, આ કોઈ રાજકીય મુલાકાત હતી જ નહીં. મેયર કિરીટભાઈ પરમારે જણાવ્યું કે, AIMIMના સાબીર કાબલીવાલા સાથે રાજકીય બેઠક થઈ નથી. વાસ્તવમાં બહેરામપુરામાં 165 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી પ્લાન્ટ) ની મુલાકાતે મહાપાલિકાના અધિકારીઓ તેમજ પ્રભારી ધર્મેન્દ્ર શાહ ગયા હતા. ત્યાં AIMIMના હોદ્દેદારો ઉપરાંત છીપા સમાજના આગેવાનો પણ આવ્યા હતા અને બધા સાથે એસટીપીની ઑફિસમાં વાતચીત થઈ હતી.

મેયરે કહ્યું કે આ બેઠકની તસવીરો જોશો તો ખ્યાલ આવશે કે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયર તેમજ અધિકારીઓ પણ દેખાય છે. તો પછી આ મુલાકાત ગુપ્ત અથવા રાજકીય કેવી રીતે હોઈ શકે.

આ અંગે સ્થાયી સમિતિના ચેરમેન હિતેશભાઈ બારોટે કહ્યું કે, બહેરામપુરામાં એસટીપી પ્લાન્ટના સંદર્ભમાં મેયર અને પ્રભારી ઉપરાંત અધિકારીઓએ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તેના વિશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ખોટી રીતે રજૂઆત કરવામાં આવી રહી છે.

AIMIMના કાબલીવાલાએ પણ કહ્યું કે, મેયર તથા અન્ય લોકો સાથેની તેમની મુલાકાત એસટીપી પ્લાન્ટ સંદર્ભે જ હતી, કોઈ રાજકીય મુલાકાત નહીં.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો