દેશપોથી: સેમીકોન 2023ની સાંજે અશ્વિની વૈષ્ણવનું ફાઇન કમ્યુનિકેશન
July 30, 2023
દેશપોથી
કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગાંધીનગરમાં સેમીકોન 2023 પછી ગુજરાતી ચેનલોના પત્રકારો સાથે વાત કરવાનું પસંદ કર્યું. જો તમામને એક સાથે પત્રકાર પરિષદ કરીને સંબોધ્યા હોત તો પૂરું કવરેજ ન મળત પરંતુ પ્રત્યેક ચેનલને પાંચથી દસ મિનીટ માટે અલગ અલગ મુલાકાત આપી જેના કારણે તમામ ચેનલે તે મુલાકાત એક્સ્લુઝીવના મથાળા હેઠળ પૂરી બતાવી. વૈષ્ણવે મુલાકાતો એક ફાઇન કમ્યુનિકેટરની માફક આપી. સરળ હિંદીમાં સેમીકન્ડક્ટર ચીપ વિષે એટલું તો સરસ સમજાવ્યું કે ભારે વખાણ પામ્યા. વૈષ્ણવે હાથમાં સેમીકન્ડક્ટરની વેફર લઇને સમજાવ્યું કે આમાંથી જ ચીપ બને છે. એક નાનકડી ચીપ, લગભગ આંગળીના એક વેઢા જેટલી તેમાં ક્યારેક એંશી કિલોમીટર લાંબુ વાયરીંગ હોઇ શકે છે, જે નરી આંખે દેખાચું નથી. આવી ચીપ મોબાઇલ ફોન, ટીવીથી લઇને કાર, ટ્રેન, વિમાન તમામ ઠેકાણે વપરાય છે. જેમ કે એક વંદે ભારત ટ્રેનમાં ત્રીસ હજાર સેમીકન્ડક્ટર ચીપ વપરાય છે. નખની કિનારીથી પણ લાખો ગણું નાનું સર્કીટ વાયરીંગ ચીપમાં હોય છે. એક દસ માળ ઉંચું બિલ્ડીંગ હોય તો તેમાં ગટરની પાઇપલાઇનથી માંડીને પાણીની પાઇપલાઇન, વરસાદી પાઇપલાઇન, વીજળીનું નેટવર્ક, પ્લમ્બીંગ, અલગ અલગ રુમ્સ, લીફ્ટ આવું બધું નીચેથી ઉપર સુધી અને આડું અવળું પથરાયેલું હોય. આવું જ અઘરું આર્કિટેક્ચર ચીપમાં પણ વિવિધ સ્તરોમાં હોય છે, તે વાત અશ્વિની વૈષ્ણવે ખૂબ સરળતાથી એક ફાઇન કમ્યુનિકેટરની માફક સમજાવી. ગુજરાતમાં સેમીકન્ડક્ટરનું એકમ સ્થપાય તેમાં રાજ્યને ફાયદો શું એના જવાબમાં તેમણે રોજગારી, સાંલગ્નિક એકમોનું આવવાનું અને રાજ્યને કરવેરામાં પણ ઉમેરો થવાનું જણાવ્યું.
મહાત્મા મંદિરમાં ઠઠારાબંધ ઉપક્રમ યોજાય પરંતુ તેનું લોક-લીન્કેજીંગ (લોકો સાથેનો સંપર્કસેેતુ) ન થાય તો અર્ધી જ બરકત આવે. સેમીકોન અંગ્રેજી ભાષામાં યોજાયેલો કાર્યક્રમ હતો અને કેન્દ્રિય મંત્રીએ તેનો નિચોડ અત્યંત સરળ રીતે હિંદીમાં તમામ ઉપસ્થિત ગુજરાતી સમાચાર ચેનલોને કુલ કલાકેક જેટલો સમય ફાળવીને આપ્યો. આ વિચાર માત્ર, કે આખી વાતનું સરળીકરણ કરીએ અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પરિશ્રમ કરીએ તથા તેના કન્ટેન્ટમાં જાણકારીનું તત્વ સહુથી ઉપર રાખીએ (ઇન્ફર્મેશન ડ્રીવન) તે અત્યંત પ્રશંસનીય હતું. વૈષ્ણવ વિવિધ કાર્યક્રમોમાં ભાષણ આપવાના સ્થાને પ્રેઝન્ટેશન આપવા માટે પણ જાણીતા છે. ભાષણમાં વિઝયુઅલ બોરડમ હોય છે અને માત્ર શ્રવણેન્દ્રિય બોલાયેલા ભાષણને ગ્રહે છે, જ્યારે પ્રેઝન્ટેશનમાં મલ્ટીમિડિયાની મોકળાશ, વિઝયુઅલ બોરડમને બ્રેક કરે છે અને તે આંખો અને કાન બેઉનું એટેન્શન માંગે છે.
Watch: Union Minister Ashwini Vaishnaw explains how a semiconductor works@AshwiniVaishnaw @YashJain88 #SemiconIndia2023 pic.twitter.com/Uh0J0YjCZB
— CNBC-TV18 (@CNBCTV18News) July 28, 2023
અશ્વિની જોધપુર, રાજસ્થાનના છે અને ત્યાંની એમબીએમ ઇજનેરી કોલેજમાંથી ઇલેક્ટ્રોનીસ્કસ એન્ડ કમ્યુનિકેશન્સ ક્ષેત્રે ગોલ્ડ મેડાલીસ્ટ છે. તેમણે પછી એમ ટેક આઇઆઇટી કાનપુરથી કર્યું અને એમબીએ વ્હોર્ટન સ્કૂલ ઓફ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનીયામાંથી કર્યું. તેઓ પછી અત્યંત સ્પર્ધાવાળી યુપીએસસીની પરીક્ષામાં ઉતીર્ણ થઇ સનદી અધિકારી બન્યા. અટલ બિહારી વાજયેપીના વડાપ્રધાન કાર્યાલયમાં ઉપસચિવ અને અટલજી ભૂતપૂર્વ વડાપ્રધાન બની ગયા ત્યારે તેમના અંગત સચિવ રહી ચૂકેલા અશ્વિની પોતાની એજ્યુકેશન લોનના પૈસા ચકવવા સનદી સેવા છોડીને જીઇ અને સિમેન્સ જેવા કંપનીઓમાં ઉંચા પદે જોડાયા અને બાદમાં પોતાનો ઓટો લોજીસ્ટીક અને ઓટો કમ્પોનન્ટનો ધંધો પણ શરુ કર્યો. તેઓ બીજુ જનતા દળના ટેકાથી ઓરિસ્સાથી રાજ્યસભાના સાંસદ 2019માં બન્યા. ઓરિસ્સામાં તેઓ વર્ષો સુધી સનદી અધિકારી તરીકે રહ્યા હતા. 2021માં તેમનો કેન્દ્રિય મંત્રીમંડળમાં સમાવેશ થયો.
ભારતના મંત્રી મંડળમાં માત્ર એ જ લોકોને સમાવવાની મર્યાદા નથી હોતી કે જે ચૂંટાઇને આવ્યા છે. લાયક વ્યક્તિઓને રાજ્યસભામાંથી ચૂંટી લાવીને પણ મંત્રીમંડળમાં ઉમેરી શકાય છે. ભારત સરકાર પાસે આની મોકળાશ છે કારણકે કેન્દ્રમાં રાજ્યસભા છે. જે રાજ્યોમાં વિધાન પરિષદ છે ત્યાં પણ એની મોકળાશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસ જયશંકર અને અશ્વિની વૈષ્ણવ જેવાને મંત્રીમંડળમાં સમાવીને મોકળાશનો સુચારુ ઉપયોગ કર્યા છે. જયશંકરને ગુજરાતમાંથી તો અશ્લિનીને ઓરિસ્સામાંથી રાજ્યસભામાં ચૂંટી લવાયા છે.
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’