સ્વ. મદનદાસ દેવીને અંજલિ આપતો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિશેષ લેખ

– નરેન્દ્રભાઇ મોદી

કેટલાક દિવસો પહેલાં જ્યારે આપણે શ્રી મદનદાસ દેવીજીને ગુમાવ્યા, ત્યારે મારા સહિત લાખો કાર્યકર્તાઓ એટલા દુ:ખી થયા કે શબ્દોમાં ન વર્ણવી શકાય. મદનદાસજી જેટલું પ્રભાવશાળી વ્યક્તિત્વ હવે આપણી વચ્ચે નથી રહ્યું એવા વિચાર સામે ઝઝૂમવું એ જ એક પડકારજનક વાસ્તવિકતા છે. તેમ છતાં, આપણને એ જ્ઞાનથી દિલાસો મળે છે કે તેમનો પ્રભાવ જીવંત રહેશે. તેમના ઉપદેશો અને સિદ્ધાંતો આગળની યાત્રામાં પ્રેરણા અને માર્ગદર્શનની દીવાદાંડી તરીકે સેવા આપતા રહેશે.

મને વર્ષોથી મદનદાસજી સાથે નજીકથી કામ કરવાનો લહાવો મળ્યો હતો. મેં તેમની સાદગી અને મૃદુભાષી સ્વભાવને ખૂબ જ નજીકથી જોયો. તેઓ એક ઉત્કૃષ્ટ સંગઠનાત્મક વ્યક્તિ હતા અને મેં પણ એ સંગઠનમાં કામ કરવામાં સારો એવો સમય ગાળ્યો હતો. તેથી, તે સ્વાભાવિક છે કે સંગઠનાત્મક વિકાસ અને કાર્યકરોની વૃદ્ધિને લગતાં પાસાંઓ અમારી વાતચીતમાં નિયમિતપણે આવે. આવી જ એક વાતચીત દરમિયાન, મેં તેમને પૂછ્યું કે આપ મૂળ ક્યાંના? તેમણે મને કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના સોલાપુર પાસેનાં એક ગામના પણ તેમના પૂર્વજો ગુજરાતના હતા. પરંતુ તેઓ કયાં સ્થળેથી આવ્યા હતા તેની તેમને ખબર નહોતી. મેં તેમને કહ્યું કે અમારે દેવી અટકવાળા એક શિક્ષક હતા અને તે શિક્ષક વિસનગરના હતા. ત્યાર બાદ તેમણે વિસનગર અને વડનગરની મુલાકાત પણ લીધી હતી. અમારી વાતચીત પણ ગુજરાતીમાં જ થઈ.

મદનદાસજીની અનેક વિશેષતાઓમાંની એક વિશેષતા એ હતી કે તેઓ શબ્દોથી આગળ વધીને તે શબ્દો પાછળની ભાવનાઓને સમજવાની ક્ષમતા ધરાવતા હતા. મૃદુભાષી અને હંમેશાં હસતાં રહેતા, તેઓ કલાકો સુધી ચાલેલી ચર્ચાઓનો સારાંશ પણ માત્ર થોડાં વાક્યોમાં આપી શકતા હતા.

મદનદાસજીની જીવનયાત્રા ખૂબ જ વિશિષ્ટ છે જે સ્વને બાજુ પર મૂકીને સામૂહિકને પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે પ્રાપ્ત કરી શકાય છે. તાલીમ દ્વારા તેઓ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેઓ આરામદાયક જીવન જીવી શક્યા હોત, પરંતુ તેમનું આહ્વાન બીજે ક્યાંક હતું – મનને ઘડવામાં અને ભારતના વિકાસ માટે કામ કરવામાં.

મદનદાસજીને ભારતના યુવાનો પર અતૂટ વિશ્વાસ હતો. તેઓ સમગ્ર ભારતના યુવાનો સાથે જોડાઈ શકતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને મજબૂત બનાવવામાં તેઓએ પોતાની જાતને લીન કરી દીધી તેમાં કોઈ નવાઈ નથી. આ યાત્રામાં તેમના પર એક મુખ્ય પ્રભાવ યશવંતરાવ કેલકરજી હતા. તેઓ તેમનાથી ખૂબ જ પ્રેરિત હતા અને ઘણી વાર તેમના વિશે વાત કરતા. મદનદાસજીએ હંમેશાં એબીવીપીનાં કાર્યમાં વધુ કન્યા વિદ્યાર્થીઓને સામેલ કરવાં અને તેમને સમાજ કલ્યાણમાં યોગદાન આપવા માટે એક મંચ સાથે સશક્ત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેઓ અવારનવાર કહેતા કે જ્યારે વિદ્યાર્થિનીઓ કોઈ પણ સામૂહિક પ્રયાસમાં સામેલ થાય છે, ત્યારે તે પ્રયાસ હંમેશાં વધુ સંવેદનશીલ રહે છે. મદનદાસજી માટે વિદ્યાર્થીઓ પ્રત્યેનો સ્નેહ એ બધી બાબતોથી પર હતો. તેઓ હંમેશાં વિદ્યાર્થીઓની વચ્ચે જ રહેતા, પરંતુ, જળમાં કમળની જેમ, તેઓ ક્યારેય પોતાને યુનિવર્સિટીનાં રાજકારણમાં સંડોવતા નહીં.

હું એવા ઘણા નેતાઓ વિશે વિચારી શકું છું કે જેમનો તેમનાં જાહેર જીવનમાં થયેલો ઉદય, તેમના યુવાનીના દિવસોમાં મદનદાસજી તરફથી મળેલાં માર્ગદર્શનને આભારી છે. પરંતુ તેના વિશે મોટા મોટા દાવા કરવા તે તેમના સ્વભાવમાં ક્યારેય નહોતું.

આજકાલ, લોકોનું વ્યવસ્થાપન, પ્રતિભા વ્યવસ્થાપન અને કૌશલ્ય વ્યવસ્થાપનના ખ્યાલો અત્યંત લોકપ્રિય છે. મદનદાસજી લોકોને સમજવામાં અને તેમની પ્રતિભાને સંગઠનાત્મક લક્ષ્યો પર કામે લગાડવામાં નિષ્ણાત હતા. તેઓ ખાસ હતા કારણ કે તેઓ લોકોની ક્ષમતાઓને સમજતા અને તેના આધારે કામ સોંપતા. તેઓ એ તર્ક સાથે ક્યારેય સંમત ન થતા કે લોકોને તેમની આવશ્યકતાઓ અનુસાર ઘડવામાં આવે. એટલે જ જો કોઈ યુવાન કાર્યકર્તાને કોઈ નવો વિચાર આવ્યો હોય, તો મદનદાસજી દેખીતી રીતે જ પૂર્વચકાસણી કરનાર હતા. આ જ કારણ છે કે તેમની સાથે કામ કરનારા ઘણા લોકો પોતપોતાની શક્તિના આધારે છાપ છોડવા માટે સ્વ-પ્રેરિત હતા. તેથી, તેમની નેતાગીરી હેઠળ સંગઠનોનો મોટા પાયે વિકાસ થયો અને તેઓ વ્યાપ અને કાર્યક્ષેત્રમાં મોટાં બનતાં ગયાં તેમ છતાં, તેમ તેમ તેઓ સુગ્રથિત અને અસરકારક રહ્યા.

કહેવાની જરૂર નથી કે મદનદાસજીનું પ્રવાસોનું સમયપત્રક ખીચોખીચ ભરેલું રહેતું. તેમની ફરજો ઉપરાંત, જ્યારે લોકોને મળવાની વાત આવે ત્યારે તેઓ પસંદગીયુક્ત હતા અને મીટિંગ માટે હંમેશાં સારી રીતે તૈયાર રહેતા હતા. તેમના કાર્યક્રમો હંમેશાં સરળ રહેતા અને કોઈ પણ કાર્યકાર્તા પર ક્યારેય બોજારૂપ નહોતા. આ લક્ષણ ખૂબ જ અંત સુધી તેના માટે અભિન્ન રહ્યું. તેમણે લાંબી બીમારીઓનો સામનો કર્યો હતો, પરંતુ જ્યારે હું તેમને તેના વિશે પૂછતો, ત્યારે બહુ વાર પૂછયા પછી જ તેના વિશે વાત કરતા. શારીરિક પીડા હોવા છતાં તેઓ ખુશ રહેતા. બીમારીમાં પણ તેઓ સતત વિચારતા રહેતા હતા કે તેઓ દેશ અને સમાજ માટે શું કરી શકે છે.

મદનદાસજીનો એક તેજસ્વી શૈક્ષણિક રેકોર્ડ હતો અને તેણે તેમની કામ કરવાની ચીવટાઇભરી રીતને પણ ઘડી. એક ઉત્સાહી વાચક, જ્યારે પણ તેઓ કંઈક સારું વાંચતા, ત્યારે તેઓ તે ક્ષેત્રમાં કામ કરતી સંબંધિત વ્યક્તિને મોકલી દેતા. મને ઘણી વાર આવી વસ્તુઓ મળવાનું સૌભાગ્ય મળ્યું. તેમને અર્થશાસ્ત્ર અને નીતિની બાબતોની સારી સમજ હતી. તેમણે એક એવા ભારતની કલ્પના કરી હતી જ્યાં કોઈ પણ વ્યક્તિ બીજા પર નિર્ભર ન હોય અને જ્યાં દરેક વ્યક્તિ પોતાના પગ પર ઊભી રહી શકે અને સ્વ-સુધારણા અને વિકાસ માટેની તકો દ્વારા સશક્ત બને. મદનદાસજીએ એક એવા ભારતની પરિકલ્પના કરી હતી, જ્યાં આત્મનિર્ભરતા એ દરેક નાગરિક માટે માત્ર એક લક્ષ્ય જ નહીં, પરંતુ એક જીવંત વાસ્તવિકતા હોય, જેમાં એક એવો સમાજ હોય, જેનાં મૂળ પારસ્પરિક સન્માન, સશક્તિકરણ અને સહિયારી સમૃદ્ધિના સિદ્ધાંતોમાં રહેલાં હોય. હવે, જેમ જેમ ભારત વિવિધ ક્ષેત્રોમાં વધુને વધુ આત્મનિર્ભર બનતું જાય છે, તેમ તેમ તેમનાથી વધુ ખુશ કોઈ નહીં હોય.

આજે જ્યારે આપણી લોકશાહી જીવંત છે, યુવાનો આત્મવિશ્વાસથી ભરપૂર છે, સમાજ આશાવાદી છે, દેશ આશા અને આશાવાદથી ભરેલો છે, ત્યારે શ્રી મદનદાસ દેવીજી જેવા લોકોને યાદ કરવા જરૂરી છે, જેમણે પોતાનું સંપૂર્ણ જીવન સેવામાં અને રાષ્ટ્રને આ દિશામાં અગ્રેસર કરવા માટે સમર્પિત કરી દીધું હતું.

તાજેતર ના લેખો