ગુજરાતમાં ૫૮ લાખથી વધુ લાભાર્થીઓને PMJAY-MA હેઠળ નિ:શુલ્ક સારવાર અપાઈ: દર્દીઓને રૂ.૧૧,૫૯૦ કરોડથી વધુની બચત થઈ
December 06, 2023
ગાંધીનગર: ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય- મુખ્યમત્રી અમૃતમ’ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧.૯૯ કરોડથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ થકી આવરી લેવાયા છે.
ગુજરાતમાં આ યોજના અંતર્ગત ૫૮ લાખથી વધુ દર્દીઓએ નિશુલ્ક સારવાર મેળવી છે પરિણામે, દર્દીઓની રૂ.૧૧,૫૯૦ કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. વિશ્વના સૌથી મોટા આરોગ્ય વીમા કવચ “પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના” PMJAY અને ગુજરાતની “મુખ્યમત્રી અમૃતમ” MA યોજનાનું સંકલન PMJAY-MA અંતર્ગત ૨,૪૯૫ એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં ૨,૪૭૧ નિયત કરેલ પ્રોસીજરો માટે કેશલેસ સારવાર પૂરી પાડવામાં આવે છે તેમ, આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
સપ્ટેમ્બર ૨૦૨૧થી અત્યાર સુધીમાં ૧.૩૭ કરોડથી વધુ લાભાર્થીઓને નવા આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત PMJAY-MA યોજના હેઠળ સૌથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવા માટે ભારત સરકાર તરફથી ગુજરાતને ‘આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર ૨૦૨૨’ પણ પ્રાપ્ત થયો છે.
તાજેતરમાં ભારત સરકાર તરફથી વર્ષ ૨૦૨૨૨૩ દરમ્યાન ગુજરાતને બેસ્ટ પ્રેક્ટીસ માટે “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર ૨૦૨૩” એવોર્ડ પણ એનાયત કરેલ છે. હાલમાં રાજ્યની ૧,૭૦૯ સરકારી, ૭૬૮ ખાનગી અને ભારત સરકારની ૧૮ એમ કુલ ૨,૪૯૫ હોસ્પિટલ સંલગ્ન છે. જેમાં અંદાજીત દૈનિક ૩,૫૦૯ પ્રિ-ઓથ કેસ સારવાર માટે મુકવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં કોઇ પણ ગેરરીતી ન થાય તે માટે ‘સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ’ (SAFU)ની રચના કરવામાં આવી છે જયારે આ યુનિટ દ્વારા હોસ્પિટલોનું સતત મોનીટરીંગ પણ કરવામાં આવે છે તેમ, વધુમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પોસાય તેવી આરોગ્ય સારવાર મળે અને તબીબી સેવા પાછળ થતાં ખર્ચમાં ઘટાડો કરવા માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સપ્ટેમ્બર ૨૦૧૨માં ‘મા અમૃતમ યોજનાનો પ્રારંભ કર્યો હતો. વર્ષ ૨૦૧૪માં આ યોજનાને વિસ્તારીને રૂ. ૪ લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આ યોજનાને મળેલ સફળતા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૮માં રાષ્ટ્રસ્તરે ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના’ AB PMJAY સમગ્ર દેશમાં અમલી કરેલ છે. જે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. આ યોજના હેઠળ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો ઉપર મફત તબીબી સેવાઓ ઉપરાંત, ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો પણ ખાનગી હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મેળવી રહ્યા છે.
‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ સાથે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૯માં ‘મુખ્યમંત્રી અમૃતમ’ MA અને ‘મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય’ MAV યોજનાને સંકલિત કરી આ યોજનાઓના તમામ લાભાર્થીઓ “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-માં” આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત “આયુષ્માન કાર્ડ” આપવામાં આવે છે. જેમાં નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત ઓપરેશનો માટે રૂ. ૧૦ લાખનું વિનામૂલ્યે આરોગ્યકવચ આપવામાં આવે છે. આ યોજનાની મદદથી લાભાર્થીઓ જરૂરિયાતના સમયે સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદયની સારવાર, કેન્સર જેવી અતિગંભીર બિમારીઓ માટે પોતાના રહેઠાણની આસપાસ પસંદગીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે.
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’