જૂનાગઢ, મોરબી, જામનગર જિલ્લા સહકારી દૂધ સંઘોને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા રૂ.૧૬.૮૯ કરોડની સહાય મંજૂર

જૂનાગઢ: જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વધુ સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના, કેટલફીડ ફેક્ટરીની સ્થાપના, એરીયા સ્પેસિફિક મિનરલ મિક્ષર પ્લાન્ટની સ્થાપના, સાઇલેજ બેલીંગ યુનિટ હાર્વેસ્ટર કમ ચોપર સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લા સહકારી દૂધ સંઘો માટે રૂ.૧૬.૮૯ કરોડની સહાય મંજૂર કરી છે.

જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને 2 LLPD પ્લાન્ટના નવીનીકરણ અને 2 TPD પનીર પ્લાન્ટ સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૦૬૯.૧૩ લાખની સહાય મંજૂર થઇ છે. આ પ્લાન્ટના ઓટોમેશનથી પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો આવશે અને જિલ્લાના દૂધ ઉત્પાદકોની આવકમાં વધારો થવાથી જૂનાગઢ જિલ્લાના પશુપાલકોની આવકમાં વૃધ્ધિ થશે. મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના મોર્ડન મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ૨ લાખ લીટર પ્રતિ દિનની સ્થાપના માટે પણ રાજ્ય સરકાર દ્વારા રૂ.૪૭૫.૮૯ લાખની સહાય મંજૂર થઇ છે. મયુર ડેરી-મોરબી દ્વારા આ મત્વકાંક્ષી પ્રોજેક્ટ અમલીકરણ થવાથી દૂધ સંપાદન, દૂધ પ્રોસેસીંગમાં કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને મૂલ્યવર્ધન થકી દૂધ તથા દૂધની બનાવટોની ગુણવત્તામાં વધારો થશે. જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના એસ્ટાબ્લિસમેન્ટ ઓફ 40 KL BMC બેઝ ક્લસ્ટર મિલ્ક ચિલિંગ સ્ટેશન વિથ સેન્ટ્રલ લેબોરેટરી એન્ડ ગોડાઉનની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૪૪.૦૮ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. જેનાથી દૂધના ચિલિંગ તથા સ્ટોરેજથી દૂધની ગુણવત્તામાં વધારો થશે, સાથે જ જિલ્લા તથા રાજ્યમાં સહકારી ક્ષેત્રે સંગઠિત દૂધ સંપાદનમાં પણ વધારો થશે.

તાજેતર ના લેખો