સ્માર્ટ વીજ મીટરનું પ્રથમ રિચાર્જ ભરવાનું આવતા વીજળી ડૂલ થઇ, ગ્રાહકોનો વીજ ઓફિસે હોબાળો

વડોદરાઃ રાજ્ય સરકારે વીજ જોડાણોમાં જૂના મીટરને કાઢીને સ્માર્ટ મીટર બેસાડવાનો નિર્ણય કર્યો છે. સ્માર્ટ મીટર નાખવાનું કામ શરુ પણ થઇ ગયું છે પરંતુ વડોદરામાં આ અંગે હોબાળો થયો છે.

સ્માર્ટ મીટર મામલે વિવિધ ફરિયોદોને લઇને સોમવારે સોથી વધુ લોકો મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ(MGVCL)ની અકોટા સ્થિત ઓફિસે વિરોધ કરવા ભેગા થઇ ગયા હતા. આમાંની મોટાભાગની મુસ્લિમ મહિલાઓ હતી,પરંતુ સાથે અન્ય લોકો પણ હતા.

જમા થયેલાઓમાં એક બહેનનું કહેવું હતું કે માત્ર બાર દિવસમાં બે હજાર રુપિયાનો વીજ વપરાશ પૂરો થઇ ગયો છે અને હવે રિચાર્જ કરવાનું કહે છે. તેમનું કહેવું હતું કે બે મહિને સાતસો રુપિયાનું બીલ આવતું હતું તેના સ્થાને બાર દિવસમાં બે હજાર રુપિયાનો વપરાશ તો કઇ રીતે થઇ ગયો હોય૟ તેમનું કહેવું હતું કે જૂના પોસ્ટ પેઇડ મીટરો જ બરાબર હતા. વીજ કંપનીએ નવા બદલીને જૂના મીટર નાખી આપવા જોઇએ.

અન્ય એક યુવાન ભાઇનું કહેવું હતું કે તેમના ઘરે વીજળી જતી રહેતા તપાસ કરી તો કહેવામાં આવ્યું કે સ્માર્ટ મીટરના વપરાશકાર છો એટલે રિચાર્જ કરાવો. બે હજાર રુપિયાનું રિચાર્જ કરાવ્યું પરંતુ વીજ કનેક્શન ચાલુ ન થયું. કચેરીએ આવીને ફરિયાદ કરતા કહેવામાં આવ્યું કે પહેલું રિચાર્જ સફળ થયું નથી, હવે બીજું કરો. બીજી વખત બે હજારનું રિચાર્જ કરાવ્યું પરંતુ પહેલી વખતના બે હજાર પાછા મળ્યા નથી અને પાછું હજુ કહેવામાં આવે છે કે વીજ કનેક્શન ક્યારે ફરી ચાલુ કરાશે એ કહેવાય નહીં. આ ભાઇની ફરિયાદો યુજીવીસીએલ દ્વારા આપવામાં આવેલી મોબાઇલ એપ્લીકેશન અંગે પણ હતી. તેમનું કહેવું હતું કે મોબાઇલ એપ બરાબર છે નહીં અને તેનો હેતુ સિદ્ધ થતો નથી.

જમા થયેલા લોકોમાં બે બહેનો એવા હતા કે જેમની પાસે સાદા મોબાઇલ ફોન હતા જે સ્માર્ટ ફોન ન હોવાથી યુજીવીસીએલની મોબાઇલ એપ્લીકેશન તેમાં ચાલે જ નહીં. આવામાં રોજનો વપરાશ, રિચાર્જ જરુરી બન્યું છે તેની જાણકારી કઇ રીતે મેળવવી, તેવો પ્રશ્નો તેઓએ પત્રકારો સમક્ષ રજૂ કર્યો હતો. આ બહેનોનું કહેવું હતું કે તેઓ એફોર્ડેબલ હાઉસીંગ વસાહતમાં રહે છે અને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર નાખી ગયા છે, પરંતુ બંગલાઓ વાળાઓને ત્યાં હજુ જૂના મીટર છે. તેમનું એમ પણ કહેવું હતું કે સ્માર્ટ મીટર નાખવા આવ્યા ત્યારે કહેવામાં આવ્યું હતું કે અત્યારે નંખાવશો તો મફત છે, પણ પછી પાંચથી દસ હજારનો ખર્ચ થશે, માટે અત્યારે નખાવી જ દો.

ઘણા બધા જેઓ વિરોધ માટે જમા થયા હતા તેમને તો માલૂમ જ ન હતું કે પોસ્ટ પેઇડ મીટર કરતા આ મીટર જુદા છે અને તેમણે રિચાર્જ કરાવવાનું રહે છે, તથા વપરાશની જાણકારી માટે મોબાઇલ એપની જોગવાઇ છે. મોટાભાગનાની ફરિયાદ હતી કે આટલો મોટો તો તેમનો વપરાશ છે જ નહીં કે જેટલા નાણાની વીજળી વાપરી કાઢી હોવાનું કહેવામાં આવે છે. ઘણી મહિલાઓએ કહ્યું કે આમ અચાનક રિચાર્જ કરાવવાના પૈસા તેમની પાસે નથી. આટલું ઉંચુ બીલ જો વીજળી પેટે ભરી દઇએ તો પછી બીજા ખર્ચામાં કાપ મૂકવો પડે તેમ છે, કશું બચતું નથી, જૂના મીટરમાં વ્યવસ્થિત બીલ આવતું હતું અને તે જ બરાબર હતું. ઘણા વપરાશકારોએ તો સ્માર્ટ મીટર્સને લૂંટવાના ધંધા તરીકે પણ ખપાવ્યા હતા.

બીજી તરફ ગોધરામાં પણ સોથી વધુ લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સ્માર્ટ મીટર સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમની ફરિયાદ હતી કે ત્રણસો રુપિયા સુધીની લીમીટ આપી છે તે વધવી જોઇએ. લાઇટ બીલ 10 રુપિયા પ્રતિ યુનિટ આવે છે. સ્માર્ટ મીટરમાં વધુ બીલ આવે છે.

ગોધરાના કલેક્ટરે કહ્યું કે ધારાસભ્ય તથા એમજીવીસીએલના અધિકારીઓ સાથે આજે સ્માર્ટ મીટર બાબતે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં લોકોની ફરિયાદો પણ સાંભળવામાં આવી હતી. આ સ્કીમ નવી છે તેથી લોકોના મનમાં અનેક પ્રશ્નો છે તથા શંકાઓ છે. ધારાસભ્ય અને લોકો દ્વારા કેટલાક સજેશન પણ કરવામાં આવ્યા છે જે અંગે એમજીવીસીએલના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. અમુક સંજોગોમાં આઉટ સ્ટેન્ડીંગ બીલ કે જે સ્માર્ટ મીટર નાખ્યુ તે અગાઉના બાકી હોય તેના રુપિયા કપાયા છે, જે ગ્રાહકે ચૂકવવાના રહેતા જ હોય છે. આ સ્કીમ સારી છે અને લોકોને વપરાશ અંગે માહિતી મળી રહે છે.

ઉલ્લેખનીય છે કે પ્રત્યેક સ્માર્ટ મીટરની કિંમત 8000થી 11000 રુપિયા જેટલી છે. જો કે ગ્રાહકે તેના પેટે કશું જ ચૂકવવાનું રહેતું નથી. પ્રત્યેક મીટરનો ડેટા એમજીવીસીએલને સીધો જ મળી શકે છે. એક વખત રિચાર્જ પૂરું થાય પછી ગ્રાહકને આઠથી દસ કલાકનો સમય નવા રિચાર્જ પેટે મળે છે. જો જાહેર રજા હોય તો ચોવીસ કલાક સુધીનો સમયગાળો મળે છે. ત્યાર પછી કનેક્શન કપાઇ જાય છે. જેઓ ઓનલાઇન રિચાર્જ ન કરાવી શકે તેઓ બીલ કલેક્શન સેન્ટર પર જઇને રિચાર્જ કરાવી શકે છે. રિચાર્જ પછી કેટલો વીજ વપરાશ થયો અને હવે ક્યારે રિચાર્જ કરાવવાનું થશે, એવી માહિતી રિયલ ટાઇમ ધોરણે મોબાઇલ એપ થકી મેળવી શકાય છે. MGVCL, Smart Meters, Akota, Vadodara

તાજેતર ના લેખો