પાવર ટાવર, ડાયવર્ઝન અને સ્પીડબ્રેકર્સ સાથે અંકલેશ્વર – કીમ એક્સપ્રેસ-વે ખુલ્લો મૂકાઇ શકે છેળો અંકલેશ્વર – સુરત એક્સપ્રેસ-વે
January 07, 2026
ગુજરાતની વાત, જપન પાઠક:
એક્સપ્રેસ-વે પર સ્પીડ-બ્રેકર્સ એટલેકે બમ્પ હોય એ નવાઇની વાત છે પરંતુ માનવામાં આવે છે કે હવે ટૂંક સમયમાં ખુલનાર વડોદરા – સુરત એક્સપ્રેસ-વે પર સ્પીડબ્રેકર્સ હશે. યુટયુબરે અંકલેશ્વરથી કીમ વચ્ચેના દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે પર ચાલી રહેલા કામનો વિડિયો યુટયુબ પર મૂક્યો છે જેમાં જોઇ શકાય છે કે આ હાઇવેની એક તરફની બાજુએ બરાબર હાઇવેને બ્લોક કરતો વીજળીનો ટાવર વચ્ચે આવે છે. આ ટાવર હટાવી શકાયો નથી. પરંતુ હાઇવે શરુ કરી દેવા માટે તેની બાજુમાં રસ્તો બનાવી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વિશેષ કરીને રાત્રે અંધારામાં સડસડાટ ગતિએ આવતા વાહનો આ ટાવર સાથે ભટકાઇ ન જાય તે માટે તેની આગળ માટીના ઢગલા, પીપડા વગેરે ગોઠવવામાં આવ્યા છે અને સાથે જ ઘણે અગાઉથી ચાર-ચાર રમ્બલ બમ્પ અને એક મોટું સ્પીડબ્રેક તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં મુખ્ય હાઇવેની એક તરફ ચાર લેન અને વત્તા એક પેવ્ડ શોલ્ડરવાળી છે એટલેકે પાંચ લેનની છે, ત્યાં ડાયવર્ઝન ત્રણ લેનનું છે. માટે અહીં ટ્રાફીક ધીમો પડશે અને માટે થોડોક જામ પણ થશે, કારણકે તીવ્રગતિવાળા એક્સપ્રેસ-વે પર સાંકડો ભાગ બોટલનેક સર્જે છે જે આપણે વડોદરા-ભરુચના જૂના હાઇવે પર સાંકડા પુલના કિસ્સામાં અનુભવ્યું છે. ડાયવર્ઝન પાસે વાહનોની ગતિમર્યાદા ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રાખવામાં આવી છે જેની સૂચના આપતા બોર્ડ વિડિયોમાં જોઇ શકાય છે. તો ઓવરટેક કરવાની મનાઇ, ધીમે હાંકવાની સૂચના વગેરે બોર્ડ પણ મૂકેલા છે. ટાવર પાસે બ્લીન્કીંગ લાઇટ પણ લગાડવામાં આવી છે.
અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ એવો તે કેવો વીજ વાયર્સને ટેકો આપતો ટાવર છે કે જે આટલા વર્ષો સુધી હટાવી ન શકાયો? કારણકે પહેલા રસ્તાનું અલાઇનમેન્ટ કાગળ પર ઉતર્યું હશે ત્યારે જ ટાવર વચ્ચે આવતો હોવાનું જણાયું હશે. હવે આખો એક્સપ્રેસવે શરુ થવાનો સમય આવી ગયો ત્યારે પણ ટાવર ત્યાં ને ત્યાં અકબંધ છે. આ ટાવરના કારણે અવરોધાતા હાઇવેની વાત માત્ર અહીં નથી, પરંતુ વડોદરા-ગોધરા રુટના દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેમાં પણ આવા ટાવર જ નડતરરુપ રહ્યા છે, અને તે રુટ પણ ખુલ્લો મૂકી શકાયો નથી. ધોલેરા એક્સપ્રેસવેમાં પણ આવું જ નડતર હતું જે દૂર કરાયું છે. જો ટાવરની ઉપસ્થિતિમાં ડાયવર્ઝન સાથે વડોદરા – સુરત એક્સપ્રેસ-વેનો અંકલેશ્વર-કીમનો તબક્કો ખુલ્લો મૂકી દેવામાં આવે તો ભવિષ્યમાં જ્યારે ટાવર ખસેડવાનું સુગમ થશે અને ટાવર ખસેડાશે ત્યારે તે સમયે એક્સપ્રેસ-વે ફરીથી કામગીરી દરમિયાન બંધ કરી દેવામાં આવશે.
મહાત્વાકાંક્ષી દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેનું પૂરા થવાનું કામ ગુજરાતમાં વિવિધ પેકેજમાં વિલંબને કારણે મોડું થયું છે. બીજી તરફ રાજકોટ -જેતપુર, વેરાવળ-ભાવનગર વગેરે હાઇવેના કામોમાં વિલંબ અને અમદાવાદ-મુંબઇ, અમદાવાદ-જેસલમેર વગેરે હાઇવેની ચોમાસામાં બગડતી સ્થિતિને કારણે લોકો પરેશાન થાય છે. મારા મિત્રો અમદાવાદથી જેસલમેર રોડ માર્ગે ગયા તો કહેતા હતા કે રાજસ્થાનની સીમા સુધી એટલેકે ગુજરાતમાં આ હાઇવે બિસ્માર છે, પરંતુ રાજસ્થાન જતા જ સરખો થઇ જાય છે. આવામાં ગડકરી કે જે અગિયાર વર્ષોથી એક જ ખાતામાં જામેલા છે તેઓ ગુજરાતમાં સબોટાજ તો નથી કરી રહ્યા ને એવો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. ફરી એક્સપ્રેસ-વે પર પાછા આવીએ તો, માહિતી અધિકાર હેઠળ આપવામાં આવેલા જવાબમાં વડોદરા – સુરત એક્સપ્રેસવે પરનું દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેનું અંકલેશ્વર – કીમ પેકેજ એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં તૈયાર થઇ જવાનું હતું, પરંતુ બેરીકેડીંગ, સાઇનેજીસ અને ખાસ તો આ પાવર ટાવરના કામકાજને કારણે તે વિલંબમાં મૂકાયું છે. જો કે એક્સપ્રેસ-વે ટાવરની બાજુમાં ડાયવર્ઝન આપીને જાન્યુઆરીમાં જ ખુલ્લો મૂકાઇ જાય તેમ લાગે છે. જ્યાં એક તરફ ટાવર છે, ત્યાં બીજી તરફની ચાર લેન અને પેવ્ડ શોલ્ડર કોઇપણ વિધ્નોથી મુક્ત છે તેથી આ એક્સપ્રેસ-વેનો ઉપયોગ તો શક્ય બનશે જ અને અમદાવાદથી સુરત સડસડાટ પહોંચાશે.
તાજેતર ના લેખો
- ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલુ LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો: ગુજરાત સરકાર
- સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બે મહત્વના ઠરાવો: ‘મુગલીસરા’ હવે ‘શ્રી તાપી પુરા’, મુખ્ય કચેરીનું નામ ‘શ્રી તાપી ભવન’
- સિવિલ હોસ્પિટલમાં નવી સુવિધાનો પ્રારંભ: હવે કોલોનિક પોલીપની ઓપન સર્જરી વગર સારવાર શક્ય
- સેમિકન્ડક્ટર ચીપ બનાવવા માટે જરૂરી સાણંદનો માઇક્રોનનો ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ
- ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમો બદલાશે, જાણો શું ફેરફાર થશે?
