હાઉસિંગ બોર્ડની વસાહતોમાં અનઅધિકૃત બાંધકામ દૂર કરવાનો નિર્ણય હાલ સ્થગિત

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક યાદીમાં જણાવ્યું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં બોર્ડની કે સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પરવાનગી વિના મકાનમાલિકો -મકાન ધારકો દ્વારા કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ દૂર કરવાનો, તોડી પાડવાનો ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલો નિર્ણય હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોના આવા મકાનમાલિકો -મકાન ધારકોએ કરેલી રજૂઆતનો સાનુકૂળ પ્રતિસાદ તેમણે આપ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં એવી સૂચનાઓ ગુજરાત હાઉસિંગ બોર્ડને આપી છે કે, આવા મકાનમાલિકો – મકાન ધારકો દ્વારા કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ અંગેની હવે પછીની કોઈ પણ કાર્યવાહી, સમગ્ર સ્થિતિનો અભ્યાસ અને સર્વગ્રાહી ઉચ્ચસ્તરીય સમીક્ષા કર્યા બાદ કરવાની રહેશે.