Andar Bahar Gujarat (By Japan K Pathak)
Japan Pathak’s blog
16 December 2014
પોતે લીધેલા કેટલાક બોલ્ડ રાજકીય નિર્ણયોના સંદર્ભમાં જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે તેમના આત્મવિશ્વાસનો રાઝ શું છે, ત્યારે અમિત શાહે કહ્યું કે રાઝ એ છે કે પોતે લૂટયન્સ(દિલ્હીનો એક મોટો ઝોન કે જેમાં ઘણાબધા નકલી લોકો રહે છે, જે ભારતની બદહાલીનું મોટું કારણ છે) કે મિડિયાના મૂડને આધારે નિર્ણયો નથી કરતા.
અમિત શાહનો આ ઇન્ટર્વ્યૂ જોયાના અઠવાડિયા અઠવાડિયામાં જ અમદાવાદમાં લગ્ન સમારંભમાં લ્યૂટન્સથી આવેલા પત્રકાર જનાબા મળ્યા.
—
દિલ્હીમાં શું ચાલે છે એવા સાથી પત્રકાર દ્વારા પૂછાયેલા ત્રણ શબ્દોના પ્રશ્નનો જવાબ લુટન્સ જનાબાએ પંદરથી વીસ મિનીટ સુધી ફુલસ્ટોપ વગર આપ્યો. મોદી અને ભાજપ પરત્વેનો અણગમો સ્પષ્ટ થતો હતો:
-દિલ્હીના દસ ટોચના પત્રકારોમાંથી સાત તો એમ કહે છે કે મોદીનું ગુજરાત મોડેલ દિલ્હીમાં સફળ નહીં થાય.
-દિલ્હીમાં જેશીક્રષ્ણ કહો એ સારું ન લાગે. ગુજરાતમાં સહજ છે. પરંતુ દિલ્હીમાં ખરાબ માનવામાં આવે છે.
-રાજ્યસભામાં તો મોદીની બહુમતિ છે નહીં. સંસદના બેઉ ગૃહો ભેગા કરીને સંયુક્ત સત્ર કરી કાયદા પસાર કરવાનું કહેતા હતા, પરંતુ દિલ્હીમાં આવું બધું સરળતાથી શક્ય હોતું નથી. નહીં થઇ શકે.
-લોકસભામાં ભલે ભાજપની 282 બેઠકો હોય અને કોંગ્રેસની સોથી પણ ઓછી, પરંતુ મિડિયામાં બેઉને એક સરખું વેઇટેજ મળે છે. આ કાંઇ ગુજરાત નથી કે પત્રકારો સિદ્ધાર્થ પટેલને મળે જ નહીં કારણકે તે સત્તામાં નથી અને કોઇ સમાચાર આપી શકવાના નથી. આ તો દિલ્હી છે કે જ્યાં પત્રકારો અમિત શાહ નહીં મળે તો સિદ્ધાર્થ પટેલને મળીને સમાચાર લઇ લેશે. સંસદની બહાર જે પત્રકારો ઉભા છે એ તો ભાજપ અને કોંગ્રેસ બેઉને સરખું કવરેજ આપે છે. ભાજપની બહુમતિ આમાં કામે લાગતી નથી.
-મોદીએ અમેરિકા પ્રવાસમાં અંબાણીને, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અદાણીને અને રશિયન પ્રમુખ આવ્યા તો એસ્સારના રૃઇયાને ફાયદો કરાવ્યો.
-તંત્રીઓની બેઠકમાં એક તંત્રીએ મોદીને સાફ સાફ કહી દીધું કે તમે અદાણી અને અંબાણી સાથે ફોટામાં દેખાઓ છો. મોદીએ સામે કહ્યું કે શું આપ માનો છે કે રાહુલ ગાંધી અદાણી અને અંબાણીને નહીં મળતા હોય તમે તેના ફોટા ક્યારેય નહીં જુઓ. મારે કશું છુપાવવાનું નથી.
-25 ડિસેમ્બરે ક્રિસમસના દિવસે ગુડ ગવર્નન્સ ડે મનાવવાનું કનીંગ પગલું દિલ્હીમાં ટીકાપાત્ર થયું છે.
-અરૃણ જેટલીને એક્ઝીક્યુટીવ જોબ તરીકે માહિતી અને પ્રસારણ મંત્રાલય આપ્યું છે તે જેટલીને ખુદને ગમ્યું નથી. ક્યાં નાણા મંત્રાલય અને ક્યાં માહિતી અને પ્રસારણ મંત્રાલય?
—-
ઓહો હો આ લુટન્સ જનાબા મોદી સરકારના રેફરન્સમાં જેટલું મોઢું બગાડતા હતા એટલો મને વધારે આનંદ આવતો હતો. આખરે તો મારા જેવા અનેક એ ઇચ્છતા જ હતા કે મોદી લુટયન્સ ભાંગીને ભુક્કો કરે.અસલ ભારતથી વિમુખ અને સરકાર આશ્રિત લુટયન્સની પ્રજા જો મોદી સરકારથી આટલી બધી બળતી હોય અને નારાજ હોય તો તે મારા જેવા સરેરાશ માણસ માટે અતિશય આનંદની વાત છે. મોદીની આ સફળતા છે.
મોદી આવ્યા છે ત્યારથી સરકારી ફંકશનોમાં નોન-વેજ અને દારુ બંધ થઇ ગયા છે. લુટન્સ ફેમ પત્રકારોનું વડાપ્રધાન સાથે મફતમાં વિદેશ ઉડવાનું બંધ થઇ ગયું છે. વાયા વાયા મળતા સાલિયાણા અને કવર બંધ થઇ ગયા છે. જ્યાં સરકાર પક્ષે કિંમત કોડીની થઇ ગઇ છે, તો બીજા પણ લુટયન્સ પત્રકારો-સ્યૂડો ઇન્ટેલેક્ચ્યુઅલ્સને ડિવેલ્યૂડ નજરે જોતા થઇ ગયા છે.
મને તો લુટયન્સની પ્રજા મોદી સરકારની ટીકા કર્યા કરે એમાં સરકારનું સારું ભવિષ્ય દેખાય છે.
_______________________________________________________________________
7 December 2014

પોલીટીકલ અફેર્સમાં રસ પડવાના શરૃઆતના વર્ષોમાં મને અને ગુજરાતમાં બીજા પણ ઘણાને હંમેશા એ પ્રશ્ન થતો હતો કે પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીઓનું શાસન દાયકાઓ સુધી ટકી રહ્યું છે તેનું રહસ્ય શું છે! મને યાદ છે કે અમે યુવા મનો જ્યારે પણ કોઇ બંગાળથી આવે ત્યારે તેમને આ પ્રશ્ન પૂછતા હતા. પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીઓનું વર્ષો સુધી ટકી રહેવું એ એક પ્રકારે આખા ભારતમાં રાજકીય બાબતોમાં રસ લેનારાઓ માટે કૂતૂહલનો વિષય બન્યો હતો.
જમણેરી વિચારધારામાં ઓળઘોળ એવા રાજ્યના નાગરિક તરીકે અમે સદા આશ્ચર્ય વ્યક્ત કરતા કે બંગાળમાં એક ને બીજી ચૂંટણીઓની હારમાળામાં વિજય તિલક કેમ સદા સામ્યવાદીઓના લલાટે જ થાય છે?આની રેસિપી શું? અમને આ કૂતૂહલના જવાબમાં જુદી જુદી વાતો જાણવા મળતી હતી પરંતુ દરેક જવાબમાં એક સરખો સૂર એ હતો કે બંગાળ બહારનાઓને ભલે આશ્ચર્ય થતું હોય પરંતુ તમે બંગાળની અંદર રહેતા હોવ તો સામ્યવાદીઓનું જીતવું સહજ લાગે છે.
વિદ્યાર્થી વય હોવાથી હું બંગાળ જઇને અંદરની વાત જાણવા જાત તપાસ કરી શકું તેમ ન હતું. ઇન્ટરનેટ કે મોબાઇલનો યુગ શરૃ થયો ન હતો. ઘાટ એવો હતો કે અંદરની વાત અંદરના જ જાણે, ને બહારના માથુ ખંજવાળે.
2002ના રમખાણો પૂરા થઇ ગયા અને પછી જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી ફરી મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા ત્યારે ગુજરાત બહાર ગુજરાત વિશે એક મોટા વર્ગ દ્વારા આ જ રીતે આશ્ચર્ય મિશ્ચિત પ્રશ્ન પૂછવામાં આવતો હતો. ગુજરાતમાં કોમવાદી હિંદુઓ કેમ શાસનમાં ટકી રહ્યા છે?!
ટીવી અને અખબારી મિડિયા દ્વારા સાગમટે ગુજરાત બહાર ગુજરાતનું ચિત્ર એવું પ્રસ્તુત થયું હતું કે બહારના ઘણા લોકો ગુજરાતી હિંદુઓને હત્યારા, લૂંટ કરનારા, ડાર્ક સેફ્રોન કોમી, રમખાણ કરનારી પ્રજા તરીકે ઓળખવા લાગ્યા હતા, તો મુસ્લિમો જાણે ગુજરાતમાં બાપડા બિચારા હોય તેવું પણ ચિત્ર પ્રસ્તુત કરાતું હતુ. મોદીને તો જલ્લાદ તરીકે જ ચીતરી કઢાયા હતા. ગુજરાત બહારનાઓ ગુજરાતના રમખાણોની ચર્ચા કરતા થાકતા ન હતા, મોદી વિશે પ્રશ્નો ઉપસ્થિત કરતા હતા, અને બીજી તરફ ગુજરાતની અંદર હિંદુઓ અને મુસ્લિમો પહેલાની માફક જ પૂર્વવત સામાન્ય રીતે જિંદગી ગુજારતા હતા. જે અહીં દરેક કોમી રમખાણ પછી નિયમિત રીતે થાય છે. મોદી પણ ભારે બહુમતિ સાથે મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આપણે અંદરના લોકો અંદરની વાત જાણીએ, અને બહારના માથુ ખંજવાળે.
દરેક પ્રજાનું એક બહારથી દેખાતું ચિત્ર હોય છે અને બીજું અંદરનું ચિત્ર હોય છે. અા અંદરના ચિત્રનીય અંદર પ્રજાની રૃહ હોય છે. પ્રજાને સમજવા, જીતવા આ રૃૃહ ભેદવી જરૃરી હોય છે.
તાળા પર મજબૂત હથોડાના બળવાન ઘા થાય છે, અને તાળુ નથી ખુલતું. પછી એક નાની, પાતળી, નાજુક ચાવી એ જ તાળાને કોઇ જ બળપ્રયોગ વગર એક ક્ષણમાં ખોલી કાઢે છે. હથોડો ચાવીને પૂછે છે કે હું આટલો બળવાન અને મેં બળ વાપર્યું, સતત વાપર્યું, પરંતુ હું આ તાળાને ન ખોલી શક્યો અને તુ આટલી નાની,નાજુક,નમણી,તે બળ પણ ન વાપર્યું,ને તાળાને પળવારમાં ખોલી કાઢયું! આનો ભેદ શું? અને ચાવી જવાબ આપે છે કે હું તાળાની રૃહ સુધી પહોંચી ગઇ. મેં તેના અંતર્મનમાં કળા કરી, અને તે ખૂલી ગયું.
ભાજપના પ્રમુખ અમિત શાહે વણખેડાયેલા રાજ્યોમાં ભાજપનો ઉદય સિધ્ધ કરવો છે. મમતા પર હથોડાથી ઘા ભલે થતા, પરંતુ પ્રજાની રૃહ ઓળખાશે, તેના અનુસારની ચાવી બનાવાશે, અને ઉચિત કળથી તે ચાવી ફેરવી દેવાશે તો જ ધાર્યું પરિણામ આવશે.
અમદાવાદમાં જ મોટા થયેલા અને રહેતા, પરંતુ કોલકતાની આઇઆઇએમમાં રહીને-ભણીને આવેલા મારા મિત્રએ બંગાળના ચિત્રને બે-એક વર્ષ પૂરતું અંદરથી જોયું છે. મમતા કેમ જીતે છે તેવા મારા પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે મમતાની આભા એવી ઉપસી છે કે બંગાળના હિત માટે, હક માટે અને વિકાસ માટે મર્દાની બાઇ છે. બંગાળીઓને આ આભાના પ્રભાવમાં પ્રસ્તુત સંજોગોમાં તેની પસંદગી યોગ્ય લાગે છે, બંગાળી નેતૃત્વનો બીજો કોઇ વિકલ્પ નથી તેવી એક સમજ છે. મમતા પોતાના વિશે બનેલી આ આભાની જાળવણી અને મજબૂતી કાજે કેટલાક પગલા ભરી પણ ચૂકી છે.
આપણે બહારથી ધારીએ કે મમતા વિકાસ વિરોધી છે પરંતુ કોલકતાથી આવેલા મિત્ર પાસેથી જાણેલું અંદરનુ વાતાવરણ મેં ઉપરના ફકરામાં વર્ણવ્યું(હું બંગાળની રૃહ જાણવાના પ્રયત્નમાં આવતા વર્ષે બંગાળ જવાની ઇચ્છા રાખું છું).
કોલકતા અને બંગાળ વચ્ચે એ નાતો છે કં કોલકતાને શરદી થાય તો બંગાળને છીંક આવે. ભાજપ બંગાળ પર કબજો જમાવવા માટે આગામી વર્ષના જૂન પહેલા આવનારી કોલકતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પર મોટો મદાર રાખે છે. અમદાવાદમાં 1987મા જયેન્દ્ર પંડિત ભાજપના આ શહેરના પ્રથમ મેયર બન્યા તેમની પાછળ પાછળ આખું ગુજરાત ભાજપે ગતિથી કબજે કર્યું હતું. કોલકતાની ચૂંટણીને કોઇ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ કરતા ઓછું મહત્વ આપવું જોઇએ નહીં. ઝારખંડ, કશ્મીર, દિલ્હી, પછી કોલકતા, અને પછી બિહાર.
હથોડોય મારો, ને ચાવીય લગાવો.
_______________________________________________________________________________________
4 December 2014

જગ્યા એની એ જ રહે છે, પ્રજા એની એજ રહે છે, પરંતુ તેને અંદરથી જુઓ અને બહારથી જુઓ તેમાં ફર્ક હોય છે. હું અમદાવાદમાં રહું છું અને અમદાવાદને અંદરથી જોઉું છું ત્યારે મને એક અમદાવાદ દેખાય છે. પરંતુ હું જ્યારે અમદાવાદની બહાર હોઉું અને અમદાવાદને જોઉું ત્યારે મને બીજું અમદાવાદ દેખાય છે.
હું અમદાવાદમાં હોઉું ત્યારે અમદાવાદ વિશે કૂપમંડુક હોઉું છું. હું બહાર હોઉું ત્યારે અને અમદાવાદને બહારથી જોઉું ત્યારે મને અમદાવાદની સ્થૂળ અને પ્રજાકીય ત્રુટિઓ અને ઉપલબ્ધિઓ ધ્યાને ચડે છે.
પહેલાં સ્થૂળ ઉદારહણ આપું તો, હું અમદાવાદમાં હોઉં ત્યારે હું એ જ વિચારોમાં લીમીટ થઇ જઉુંં છું કે આપણે ત્યાં બીઆરટીએસ સિસ્ટમ સરસ છે. પરંતુ હું દિલ્હીમાં જાયજેન્ટીક બંધાયેલા, સાફસૂથરા, એરકન્ડીશન્ડ, અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનના સ્ટેશનો અને પ્રોફેશનલી સંચાલિત મેટ્રો ટ્રેન જોઉુંં ત્યારે મને થાય છે કે બીઆરટીએસ અમસ્તો જ મોટો રસ્તો રોકે છે અને ટ્રાફીકને સાંકડો અને ગીચ કરે છે, જ્યારે મેટ્રો ક્યાંય રસ્તાની સરફેસમાં ભાગ પડાવ્યા વગર એ જ કામ બહેતર રીતે કરે છે. મેટ્રોની સામે બીઆરટીએસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કશ્શું જ નથી!
હું અમદાવાદમાં હોઉું ત્યારે મને થાય કે પરિમલ ગાર્ડન કેટલો સરસ છે? પરંતુ હું દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસેનો ચીલ્ડ્રન પાર્ક જોઉુંં ત્યારે મને થાય કે આખા અમદાવાદમાં નાના બાળકો માટે આટલી સુવિધા ધરાવતો આવો એકેય ચિલ્ડ્રન પાર્ક નથી!
અને શહેરને બહારથી જોવામાં પોઝીટીવીટી અને નેગેટીવીટી બેઉ વિઝન સાથે સાથે ચાલે છે. દિલ્હીમાં ખુલ્લી નાળીઓમાંથી ગટરનું ગંદુ પાણી વહે છે, પરંતુ અમદાવાદમાં બંધ ગટરો છે. મુંબઇમાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવામાં ખૂબ સમય અને પરિશ્રમ લાગે છે. અમદાવાદમાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવામાં સામાન્ય સંજોગોમાં વીસ-પચ્ચીસ કે ત્રીસ મિનીટથી વધારે સમય લાગતો નથી.
આપણા શહેરને બહારથી જોવાની મજા હોય છે, અને બીજા પણ જેમણે આપણા શહેરને બહારથી જોયું હોય તેમના ઝીણા અવલોકનો જાણવાની પણ મજા હોય છે.
સાઉદી અરબથી આવેલા પરિચિત કહે છે કે સાઉદીમાં બંગલાઓની દિવાલો અત્યંત ઉંચી હોય છે, અમદાવાદમાં નીચી હોય છે. પાકિસ્તાનથી આવેલા ખાતૂનને મળવાનું થયું તો તેમણે કહ્યું કે તેઓ અહીં દુપટ્ટા ઓઢીને ટુ-વ્હીલર હંકારતી છોકરીઓની દોડાદોડ જોઇને આશ્ચર્ય પામી ગયા. તેઓ કહે છે કે પાકિસ્તાનમાં આવું શક્ય જ નથી, આની કલ્પના પણ નથી થઇ શકતી. સ્લોવેકીયાથી આવેલા ગેસ્ટને હું જાતે ગાઇડ બનીને અમદાવાદના કોટ વિસ્તારમાં હેરિટેજ વોક પર લઇ ગયો. એક શેરીમાં બહુ બધા કૂતરા હતા. સ્લોવેકીયન ગેસ્ટને પ્રશ્ન થયો કે આ શાકાહારી વિસ્તારમાં આ કૂતરા ખાતા શું હશે? તેમના સ્લોવેકીયાના અનુભવે તેઓ એ માની જ ન શકતા હતા કે કૂતરા માંસાહાર સિવાય કશું બીજું ખાય. જ્યારે મેં કહ્યું કે આ કૂતરા રોટલી ખાય છે ત્યારે તેમણે આ વાત માનવાની જ ના પાડી કે ઘઉંમાંથી બનેલી રોટલી કૂતરા ખાઇ શકે. મેં કહ્યું રોટલી તો ઠીક, ટામેટા પણ ખાઇ જાય છે અહીંના કૂતરા. પછી શાકવાળીઓ પાસેથી ટામેટા ખરીદીને કૂતરાને ખવડાવ્યા. કૂતરાને ટામેટા ખાતા જોઇ, સ્લોવેકીયન ગેસ્ટને જિંદગીનું સૌથી મોટું આશ્ચર્ય થયું હોય તેમ તેમની આંખો પહોળી થઇ ગઇ અને એકધારા ફોટા પાડતા રહ્યા, આશ્રર્ય વ્યક્ત કરતા રહ્યા.
અને સ્થૂલ અવલોકનો પરથી પ્રજાકીય અવલોકનો પર આવીએ તો, પાક્કા ગુજરાતી પરંતુ હમણા દિલ્હી વસી ગયેલા મિત્રે દિલ્હીની મારી છેલ્લી મુલાકાત દરમિયાન વાતચીતમાં કહ્યું કે દિલ્હીના બુકસ્ટોરમાં જે પ્રકારના-ઉચ્ચ સ્તરના પુસ્તકો મળે છે તે સ્તરના પુસ્તકો અમદાવાદના બુક સ્ટોરમાં નથી મળતા, અને એ બાબત બેઉ શહેરના બુક સ્ટોરના મુલાકાતીઓની પસંદગીના, અને એ રીતે પ્રજાના ઇન્ટેલેક્ચુઇઝમ(બૌદ્ધિકપણા)ના તફાવતને પ્રતિબિંબિત કરે છે(હું દિલ્હીના કેટલાક ઉત્કૃષ્ઠ પુસ્તક સ્ટોરોની મુલાકાત લઇ ચૂક્યો છું એટલે આ વાત સાથે સહમત થાઉું છું.અમદાવાદના બુક સ્ટોર્સમાં ચલતી પ્રકારના પુસ્તકોનું મોટું કલેક્શન હોય છે જયારે દિલ્હીમાં બેઠતી-સોચતી-વિચારતી પ્રકારના પુસ્તકોનું. પરંતુ મિત્રની વાતમાં મારો ઉમેરો એ હતો કે અમદાવાદીઓ, અને સમગ્રતયા ગુજરાતીઓ ઇન્ટેલેક્ચ્યુઇઝમની સરખામણીમાં કોમનસેન્સ-સામાન્યસમજના શાણપણને વધુ મહત્વનું માને છે.તેઓ ઇન્ટેલેક્ચ્યુઇઝમની ચ્યુઇંગ-ગમ નથી ચાવતા પરંતુ કોમન સેન્સના હલેસાથી પોતાની નાવડી પાર ઉતારી દે છે. છેવટે તો કહેવાતા ઇન્ટેલેક્ચ્યુઇઝમની જ દુહાઇ છે કે દિલ્હી અસ્થિર સરકાર ચૂંટી કાઢીને અનિશ્ચિતતામાં અટવાઇ જાય છે, અને એની સામે ગુજરાત પોતાની કોમનસેન્સથી-સૂઝબૂઝથી સતત સ્થિર સરકાર ચૂંટે છે. ઇન્ટેલેક્ચ્યુલીઝમની જ દુહાઇ છે કે જેનાથી બંગાળ સામ્યવાદીઓ-જેહાદીઓને ચૂંટી ચૂંટીને બરબાદ થઇ ગયું, અને કોમનસેન્સનો તકાજો છે કે જેનાથી ગુજરાત પાણી અને પ્રગતિવાળાઓને ચૂંટીને આબાદ થતું ગયું.)
અમદાવાદમાં થોડું રહી ચૂકેલ મુંબઇ સ્થિત મિત્ર કહે છે અમદાવાદના ટાગોર-ટાઉન-ઠાકોરભાઇ-યુનિવર્સિટી કન્વેન્શલ હોલમાં થતા કાર્યક્રમો મુંબઇના નરીમાન પોઇન્ટ પર આવેલા એનસીપીએમાં યોજાતા કાર્યક્રમોના સ્તરના-વિવિધતાપૂર્ણ નથી હોતા. મેં આ વાતની ખાતરી જાતે એનસીપીએમાં એકથી વધુ વાર જઇને કરી, અને એનસીપીએની વેબસાઇટ પણ નિયમિત ફંફોળી અને સંમત થયો(ટાગોર હોલના કાર્યક્રમો અપડેટ થતા હોય અને ઓનલાઇન ટિકીટ ખરીદી શકાતી હોય તેવી તો વેબસાઇટ પણ નથી, એ આપણા સાંસ્કૃતિક અેંગેજમેન્ટ અંગેના પછાતપણા પરનું ટેનોલોજીકલ ટોપીંગ છે. આપણા બંધ દિમાગ, પ્રજાકીય આળસુપણા અને નવી શરૃઆતો અંગેની નીરસતાનો નમૂનો).
એક અમદાવાદી તરીકે ગાંધીનગરને હું બહારથી જોતો હોઉં છું અને એટલે જ્યારે જ્યારે હું ત્યાં જઉં ત્યારે મને તે હોસ્પિટલ સિટી અથવા મોટી સરકારી વસાહત લાગે છે. એ જ રીતે મુંબઇગરા કે દિલ્હીવાસી મિત્રો અમદાવાદને બહારથી જુએ છે અને ત્યારે તેમના નિરીક્ષણો સાંભળવાનો મને અતિ-આનંદ આવે છે. હું પોતે પણ અમદાવાદથી બહાર જઇને આવા નિરીક્ષણો કરું છું અને દિમાગની બારીઓ ઉઘાડતો રહું છું. દિમાગ ખૂલે, દિશાઓ ખૂલે એનાથી વધુ મોટો આંતરિક આનંદ બીજો હોતો નથી.
જે રીતે હું મારા શહેરને, મારી પ્રજાને અંદરથી અને બહારથી જોઇને પ્લસ-માઇનસના નિષ્કર્ષો કાઢવાનો રોમાંચ અનુભવું છું એ રીતે મારી જાતને અંદરથી અને બહારથી જોઇને નિખાલસપણે તેનું આકલન કરી શકું તો?
વેલ, એ રાતની ઉંઘ હરામ કરવાનો ધંધો છે, અને કરવા યોગ્ય બીજો કોઇ ધંધો ન હોય તો કરવાનો ધંધો છે 🙂
પણ આ અંદરથી અને બહારથીવાળી વાતનું રાજકારણને લગતું અનુસંધાન પણ છે. તે હવે પછી લખીશ.
___________________________________________________________________________________________
1 December 2014

આરએસએસમાંથી ભાજપમાં સીધા જ ઉંચી પાયરીએ મૂકાયેલા રામ માધવે ગઇ કાલે રાત્રે સામ્યવાદીઓની કોઇ જૂની રેલીની આકાશી તસવીર ટવીટ કરીને તેને અમિત શાહની કોલકતા રેલીની તસવીર કહી દીધી. રામ માધવ તો ટવીટ કરીને ઉંઘી ગયા હશે પરંતુ સવારે જાગીને ભૂલનો અહેસાસ થયો ત્યાં સુધીમાં તો ટવીટર પર રમખાણ મચી ગઇ. કોંગ્રેસી ટવીટર હેન્ડલો રામ માધવની ટવીટને ટાંકીને ભાજપ જૂઠ્ઠાઓની ટોળી છે તેમ સાબિત કરવા, મોકાનો લાભ લઇ ચૂકયા હતા.સવારે રામ માધવે ટવીટ હટાવી અને કહ્યું કે તેમને તો કોઇ વિશ્વાસુએ આ ફોટો અમિત શાહની રેલીનો છે તેમ કહી મોકલ્યો હતો જે તેમણે ટવીટ કર્યો હતો.
એ જ સાંજે ભાજપના સાંસદ અને નેતા તરૃણ વિજયે નરેન્દ્ર મોદીને આસામના સ્ટેડિયમની સભાની તસવીર એમ કહીને ટવીટ કરી હતી કે તે અમિત શાહની કોલકતા રેલીની તસવીર છે. આ ટવીટ તરૃણ વિજયના ડિસ્કનેક્શનની અને ઘટનાક્રમો પરથી પકડ ગુમાવી હોવાની ચાડી ખાતી હતી.
ઇમેઇલો પર અને એસએમએસ પર વર્ષોથી એક તિકડમ ચાલે છે કે ભારતના રાષ્ટ્રગીતને યુનેસ્કોએ વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્રગીત કહીને નવાજ્યું છે. આ તિકડમમાં કોઇ પણ કોમનસેન્સ ધરાવતી વ્યક્તિને વિશ્વાસ ન પડે. પરંતુ તેમ છતા આ તિકડમ પુષ્કળ ફોરવર્ડ થયું. જોવાની વાત એ છે કે ભાજના પ્રવક્તા મીનાક્ષી લેખીએ કેટલાક મહિના પહેલા એક રાત્રે આ તિકડમ સાચું માનીને ટવીટ કરી દીધું. પછી તેઓ તો ઉંઘી ગયા. પરંતુ સવાર સુધીમાં તો કોંગ્રેસ અને આપવાળાઓએ ટવીટોનો મારો ચલાવીને મીનાક્ષી લેખીની ભારે ફજેતી કરી. મીનાક્ષી મેડમ સવારે જાગ્યા ને ટવીટ કાઢી, સ્પષ્ટીકરણ આપ્યું. પરંતુ એક વર્ગમાં થોડીક આબરુ ગુમાવી.
ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડમાં કહ્યું કે દસ વર્ષ પછી દેશના કોઇ વડાપ્રધાન તે રાજ્યની મુલાકાતે આવ્યા છે. વાસ્તવમાં મનમોહનસિંઘે વડાપ્રધાન તરીકે 2008માં આ રાજ્યની મુલાકાત લીધી હતી. એટલે દસ નહીં પણ સાત વર્ષો થાય. આ મુદ્દે કોંગ્રેસી ટવીટર હેન્ડલો આજે વડાપ્રધાન પર ગાજ્યા છે.
કિસ્સા હળવા છે અને વાત નાની નાની છે, પરંતુ જેમ જેમ વ્યક્તિ ઉંચે ચડે તેમ તેમ લોકો તેમની પાસેથી ચોકસાઇનો આગ્રહ ખૂબ વધુ રાખતા હોય છે.
રસ્તે ચાલતો સરેરાશ માણસ ગાળ બોલી જાય તો તે સહજ વાત હોઇ શકે છે, પરંતુ મોરારી બાપુ જો ગાળ તો ઠીક, આકરા શબ્દ પણ બોલે તો પણ તેમની ભારે ટીકા થઇ શકે છે. કારણકે તેમણે એક સ્થાન પ્રાપ્ત કર્યું છે.એટલે લોકોની અપેક્ષાઓ ઉંચી હોય છે.
વર્ષો પહેલા ગુજરાત સરકારે પ્રભાકર ખમાર લિખિતિ સરદાર પટેલ પરનું એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું અને તે પુસ્તકમાં અઢળખ હકીકતદોષ હતા. તે વખતે મેં ગુજરાત સમાચારમાં તેના વિશે લેખ લખ્યો હતો અને તેનું ક્રિએટીવ હેડિંગ એવું બનાવ્યું હતું કે – ચોકસાઇ અને કસાઇમાં માત્ર એક અક્ષરનો ફર્ક હોય છે. આખા લેખમાં મેં ખમારના પુસ્તકમાં મોજૂદ હકીકતદોષો શોધી શોધીને વર્ણવ્યા હતા. પરંતુ બીજા માટે આવું લખ્યા પછી પણ હું પોતે શત પ્રતિશત ચોકસાઇનું પાલન કરી શકતો નથી. પ્રયત્ન તો ચોકસાઇ રાખવાનો કરું જ છું. પરંતુ પામર મનુષ્યની માફક ભૂલો કરું છું. અલબત્ત પછી ધ્યાન પડે તો સુધારી લઉુંં છું. કારણકે વેબ માધ્યમમાં આની અનૂકૂળતા હોય છે.
મને એવું સમજાય છે કે સો વાક્યો બોલનાર એકાદ વાક્યની ભૂલ કરે છે, એ ગુણોત્તરમાં હજાર વાક્યો બોલનાર દસ વાક્યોની અને દસ હજાર વાક્યો બોલનાર સો વાક્યોની ભૂલ કરે છે. અને બોલનાર જો મોટી વ્યક્તિ હોય તો સો વાક્યોની ભૂલ વિરોધીઓ બિલોરી કાચ લઇને લોકોને મોટી કરીને બતાવે છે.
આ તર્ક અનુસાર, જેઓને ખૂબ બોલવાનું થાય છે, ભાષણો આપવાના થાય છે, લખવાનું થાય છે તેમના ક્યારેક ક્યારેક નો-બોલ પડી જાય તો તે માફીને પાત્ર હોય છે.
અને લોકો ખૂબ જ ઉદાર છે, આવી ભૂલોને ભૂલ નથી ગણતા. માફ કરી દે છે, ક્ષણવારમાં ભૂલી જાય છે અને આગળ વધે છે.
પણ એટલે લોકોને ટેકન ફોર ગ્રાન્ટેડ ન ગણી શકાય. ચોકસાઇ માટે હંમેશા સાબદા તો રહેવું જ પડે.
લખવામાં જ્યારે હું ચોકસાઇ ચૂક્યો હોઉં અને કોઇક હકીકતદોષ પરત્વે મારું ધ્યાન દોરે ત્યારે હું સૌથી વધુ ડિસ્ટર્બ હોઉં છું. હું ફાયરબ્રિગેડની ઝડપે કોમ્પ્યુટર પર પહોંચી જઉું છું અને ચીંધેલી ભૂલ સુધારું ત્યારે જ મને જપ વળે છે. હું મારી જાતને સૌથી વધુ ત્યારે ધિક્કારું છું કે જ્યારે ખોટી હકીકત મારાથી પબ્લીશ થઇ જાય. હું અનપબ્લીશ કે એડિટ તો કરી દઉં છું પરંતુ ગીલ્ટ ફીલીંગ લાંબો સમય ચાલ્યા કરે છે. સારું છે કે આવું જવલ્લેજ થાય છે. જ્યારે છાપામાં પત્રકાર હતો ત્યારે તો છપાઇ ગયેલું એડિટ નહતું થઇ શકતું(વિચાર કરો કે મારા પર ગીલ્ટના માર્યે શું વીતતી હશે)! વેબ જર્નાલીઝમમાં આની સગવડ છે એ સારું છે.
______________________________________________________
30 November 2014

ગુજરાતનું હાલનું પોલીટીકલ મોડેલ કમાલનું છે. અહીં શાસનમાં પણ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો છે અને વિપક્ષના નેતા પણ સંઘના સ્વયંસેવક છે.
પણ આથી પણ આગળ, સંઘના ગુજરાત મોડેલની એ અજાયબી છે કે બિનરાજકીય/પ્રજાકીય સંગઠનો પર પણ સંઘનું વર્ચસ્વ છે.
હવે માનો કે ખેડૂતોને કપાસના અને મગફળીના તેમને જોઇતા ભાવ નથી મળતા અને તેમણે રેલી કાઢવી છે, આવેદનપત્ર આપવા છે, આંદોલનની ઘોષણા કરવી છે. તો તેઓ આ માટે વિપક્ષ એવા કોંગ્રેસ પાસે નથી જતા. કોંગ્રેસ તો તેમને વૈચારિક-સૈદ્ધાન્તિક દ્રષ્ટિએ સ્વીકાર્ય જ નથી અને તેઓ જાણે છે કે કોંગ્રેસ પાસે જવાથી તો ભાજપ સરકાર નહીં જ માને. તેમને ભરોસો છે ભારતીય કિસાન સંઘ પર. અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘનું આ એકમ ખેડૂતોનું નેતૃત્વ લે છે, રેલીઓ નીકળે છે, આવેદન પત્રો અપાય છે અને આંદોલનની ચીમકીઓ ઉચ્ચારાય છે.
ગત અઠવાડિયે મારી ડેસ્ક પર અમરેલીથી ખબરપત્રીએ ખેડૂતોની કપાસના ભાવ મુદ્દે યોજાયેલી કૂચના ફોટોગ્રાફ મોકલ્યા તો પહેલા તો હું ચમક્યો કે કોંગ્રેસવાળા વળી આટલા ખેડૂતોને ભેગા શીદ કરી શક્યા! પછી માલૂમ પડયું કે ખેડૂતો તો ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
જો વાત કપાસ અને મગફળીના ભાવોની કરીએ તો જ્યારે ચીન પુષ્કળ પ્રમાણમાં ગુજરાતના ખેડૂતોનો કપાસ ખરીદતું હતું ત્યારે ખેડૂતોને તેના શ્રેષ્ઠ ભાવ મળ્યા હતા. એક તરફ ગુજરાતમાં બીટી કોટનના બિયારણને મળેલી મંજૂરીને કારણે ઉત્પાદન વધ્યું હતું, બીજી તરફ ચોમાસા પણ સારા જતા હતા, અને પાછું ચીન કપાસની ખરીદી ધમધોકાર કરતું હતું. આમ ત્રણે તરફથી ખેડૂતોને નસીબ યારી આપતું હતું.
પછી બે વર્ષ એવા ગયા કે ચીન ઉંચો ભાવ આપતું હોવાથી કપાસ ત્યાં જતું રહે અને ઘરઆંગણાના ટેક્ષટાઇલ ઉદ્યોગકારોએ ચીનની સરખામણીમાં ઉંચા ભાવ આપી કપાસ ખરીદવો પડે. ટેક્ષટાઇલ લોબીના દિલ્હીની આંટાફેરા પછી ભારત સરકારે કપાસની નિકાસ પર નિયંત્રણો અને પ્રતિબંધો લાદ્યા.
આ પત્યું ત્યાં આ વખતે નવી મોકાણ સર્જાઇ છે. આ મોકાણ વૈશ્વિક છે એટલેકે તે આપણા દેશના કાબૂમાં નથી. ચીને હવે પોતાની નીતિ બદલી છે. અમેરિકા અને ભારતમાંથી કપાસની મોટાપાયે થતી ખરીદી બંધ કરી છે. ચીને સ્થાનિક ખેડૂતોને પુષ્કળ પ્રોત્સાહન આપીને, સબસીડી આપીને કપાસના સ્થાનિક ઉત્પાદન પર જોર આપ્યું છે. બીજી તરફ ચીન પાસે અગાઉ ખરીદેલા કપાસનો સ્ટોક પણ પડયો છે.
ચીન નામનો કપાસનો આ મોટો ખરીદદાર આ વખતે વિશ્વના બજારમાં ફરક્યો ન હોવાથી, બજાર સુસ્ત છે, નિકાસ બંધ છે. માત્ર ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો નહીં, અમેરિકાના ખેડૂતો પણ આ વખતે ભાવની બાબતમાં ચિંતામાં મૂકાયા છે.
આપણો વ્યાપાર કે ખેતી વિશ્વના બજાર સાથે જોડાયેલા હોય ત્યારે તેના સારા-માઠા બેઉ પ્રકારના પરિણામો મળી શકે છે. કપાસના ખેડૂતોને અગાઉ સારા પરિણામો મળ્યા, હવે ખરાબ પરિણામ મળી રહ્યા છે(હીરા ઉદ્યોગ કે જેના આધારે ગુજરાતના કેટલાક શહેર અને નગર ધમધમે છે અને પુષ્કળ રોજગાર આપે છે તે પણ વૈશ્વિક રીતે જોડાયેલો છે. તેનો હાલ ફાયદો મળી રહ્યો છે પરંતુ ભવિષ્યમાં કપરા વર્ષો પણ આવી શકે. વૈકલ્પિક વ્યવસ્થા હોવી જોઇશે).
ખેડૂતો માટે ચિંતાની વાત એ છે કે અગાઉ કપાસના સારા ભાવ હોવાથી, કપાસનો પાક ઉગાડવા માટે વપરાતી જરૃરી ચીજોના ભાવ ઉત્પાદકોએ વધારી દીધા હતા, એટલેકે ઇનપુટ કોસ્ટ વધી ગઇ હતી. તો આ વર્ષે ખેડૂતોએ ઇનપુટ કોસ્ટનો વધારો પણ સહન કર્યો અને ઉપરથી તૈયાર પાકના ભાવ ન મળ્યા તેથી બેવડો માર પડયો છે.
આવા સંજોગોમાં ભારત સરકારે કપાસની ટેકાના ભાવે ખરીદી તો શરૃ કરી છે, પરંતુ ખેડૂતો આ ભાવથી ખુશ નથી. તેમણે પેલા ચીનની ખરીદીવાળા સારા વર્ષ જેવા ભાવ સરકાર પાસેથી જોઇએ છે, જે સરકાર પક્ષે વ્યવહારૃ નથી.
જો કે ખેડૂતોની એ દલીલ સરકાર પક્ષે વિચારણા પ્રેરે તેવી છે કે ઇનપુટ કોસ્ટ કરતા તો વધુ ભાવ મળવા જોઇએ અને તે માટે સરકારે ટેકાના ભાવ ઉંચા લઇ જવા જોઇએ.
અહીં એક મણ કપાસ ઉગાડવાની ઇનપુટ કોસ્ટ(રૃપિયામાં) પર એક નજર કરી લઇએ(આંકડામાં થોડા ફેરફાર હોઇ શકે છે, કારણકે ખેડૂતો થોડું વધારીને કહેતા હોય છે).
– ઉનાળુ ખેડાણ, રાપ, ટ્રેક્ટર – Rs. 47
-દેશી ખાતર ભરાઇ ભાડું – Rs. 41
-ડીએપી – Rs. 52
-બિયારણ – Rs. 51
-વાવણી ખર્ચ – Rs. 16
-આંતરખેડ ખર્ચ ટ્રેક્ટર દ્વારા – Rs. 51
-નિંદામણ – Rs. 25
-પીયતની મજૂરી – Rs. 53
-યુરીયા – Rs. 35
-ખાતર નાખવાની મજૂરી – Rs. 6
-નિંદામણ નાશક દવાનો ખર્ચ – Rs. 16
-જંતુનાશક રાસાયણિક દવાનો ખર્ચ – Rs. 77
-દવા છંટકાવની મજૂરી – Rs. 22
-વીજ ખર્ચ – Rs. 22
-કપાસ ઉતારવા વીણવાની મજૂરી – Rs. 150
-ખેત ઓજારનો ખર્ચ – Rs. 16
-યાર્ડ સુધી પહોંચાડવાનો ખર્ચ – Rs. 15
-વાડીવાળા ખેડૂત (ભાગીયા) ખર્ચ – Rs. 65
એટેલેકે એક મણ કપાસ પકવવાનો ખર્ચ Rs. 760 જેની સામે ભાવ Rs. 800 જેટલો મળે છે.
ગયા ચોમાસે વરસાદ પૂરતો ન હોવાથી ખેડૂતો મોટાપાયે મગફળીમાંથી કપાસ તરફ વળ્યા હતા તેથી સામાન્ય કરતા વધુ ખેડૂતોને આવરી લેતો આ પ્રશ્ન બન્યો છે.
જો કિસાન સંઘની રજૂઆતો અને આંદોલન ચાલ્યું, તો રાજકીય કારણસર ભારત સરકારે ટેકાનો ભાવ વધારવાની ફરજ પડશે એ નક્કી છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે ગુજરાતમાં અને કેન્દ્રમાં બેઉ ઠેકાણે હવે ભાજપની સરકાર છે.
પણ આ તો થાગડથીગડ વાત થઇ. આનો ચિરંજીવી ઉપાય પણ શોધવો ઘટે.
જે રીતે ઉદ્યોગો માટે એક પછી એક નીતિઓ બહાર પડે છે તે રીતે શું ખેડૂતો માટે પાક દીઠ નીતિઓ ન હોઇ શકે?
ટેકાના ભાવ અંગે એક સ્પષ્ટ અને સર્વસ્વીકાર્ય કાયમી નીતિ ન હોઇ શકે?
નિકાસ થવા દેવી કે નહીં, ક્યારે કયા માપમાં થવા દેવી, ન થવા દેવી તે અંગેની સ્પષ્ટ નિતી ન હોઇ શકે?
આ વર્ષે ચીનના કિસ્સામાં તો અમેરિકા જેવા જાગૃત દેશના કપાસના ખેડૂતો પણ ઉંઘતા ઝડપાયા છે પરંતુ બજારોની આંતરરાષ્ટ્રિય ચાલ અંગે છેક ખેડૂતના સ્તરે વાવણી પહેલા, દરમિયાન અને પછી માહિતી અને સમજ પહોંચતી રહે, પહોંચે તેવું તંત્ર ન હોઇ શકે?
આ પક્ષના નાણા મંત્રી હોય કે પેલા પક્ષના, બજેટ પહેલા તેઓ સીઆઇઆઇ અને ફીક્કીમાં જઇને ઉદ્યોગપતિઓને મળે છે પરંતુ ખેડૂતોને કેમ નહીં?
ખેડૂત આગેવાનોને કેમ સરકાર ત્યારે જ મળે છે કે જ્યારે તેઓ આંદોલન કરે છે?
આ પ્રશ્નોના ઉકેલ પણ લાવવા પડશે.
નોંધઃ કપાસના ટેકાના ભાવ પાછલા નવ વર્ષમાં બમણા થયા છે. ખેડૂતો 1250નો મણ દીઠ ભાવ માંગે છે, સરકાર 800ની આસપાસ ભાવ આપે છે. ટેકાના ભાવ નક્કી કરતી વખતે સરકાર ઇનપુટ કોસ્ટ અને બીજા પરિબળોને ધ્યાનમાં લે છે અને તે માટે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝીસ નામનું તંત્ર કામ કરે છે. વધુ વિગતો દેશગુજરાતના આ લેખમાંથી મળી રહેશે.
_________________________________________________________________________________
29 November 2014

ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ભોળા આદિવાસીઓની ચાલતી વટાળ પ્રવૃત્તિ સામે આક્રોશ તો તેમને પણ હ??%