તપસ્યામાં કમી રહી ગઇ! રાજ્યસભાની ટિકીટ ન મળતા કોંગ્રેસી નેતાઓએ જાહેરમાં નારાજગી વ્યકત કરી

નવી દિલ્હીઃ રાજ્યસભાની આગામી ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા છેલ્લા બે દિવસથી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સપાટી ઉપર આવી ગયો છે અને વરિષ્ઠ નેતાઓ પોતાને ટિકિટ નહીં મળવા બદલ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા તથા મહિલા કોંગ્રેસના જનરલ સેક્રેટરી નગમા – બંનેએ પોતાને ટિકિટ નહીં મળવા બદલ પોતપોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે.

રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ રવિવારે સાંજે જ “शायद मेरी तपस्या में कुछ कमी रह गई” એવા સાવ ટૂંકા વાક્ય દ્વારા ટવીટ પર નારાજગી વ્યક્ત કરી હતી. પવન ખેડાના ટ્વિટને રિટ્વિટ કરીને મોડી રાત્રે નગમાએ લખ્યું, “हमारी भी १८ साल की तपस्या कम पड़ गई इमरान भाई के आगे।” નગમાએ અન્ય ટ્વિટમાં પોતાની નારાજગી વ્યક્ત કરતાં લખ્યું કે, હું 18 વર્ષ પહેલાં કોંગ્રેસમાં જોડાઈ ત્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ સ્વયં મને રાજ્યસભામાં મોકલવાનું આશ્વાસન આપ્યું હતું. 18 વર્ષમાં મને તક મળી, પરંતુ પક્ષે મહારાષ્ટ્રમાં ઇમરાન પ્રતાપગઢીને ટિકિટ આપી છે.

એ જ પ્રમાણે કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં પણ અસંતોષ અને નારાજગી સ્પષ્ટ દેખાઈ રહ્યા. રાજસ્થાન કોંગ્રેસના નેતા રાજ્યસભા ચૂંટણી માટે પસંદ થયેલા ઉમેદવારોની યાદી સામે પ્રશ્ન કરી રહ્યા છે કે શા માટે રાજ્યના કોઈ સ્થાનિક નેતાને રાજ્યસભા માટે ટિકિટ આપવામાં આવી નથી? રાજસ્થાનના મુખ્યમંત્રીના સલાહકાર અને ધારાસભ્ય સંયમ લોઢાએ આ અંગે ટવીટ પર જાહેરમાં પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો.

રાજ્યસભાની ચૂંટણી 10 જૂને યોજાવાની છે. સંસદના આ ઉપલા ગૃહની કુલ 57 સાંસદોની મુદત પૂર્ણ થઈ રહી છે અને તેથી 57 બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં 11 બેઠકો માટે, મહારાષ્ટ્ર તથા તમિલનાડુમાં છ-છ બેઠક માટે, બિહારમાં પાંચ બેઠક માટે, આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા રાજસ્થાનમાં ચાર-ચાર બેઠક માટે, મધ્યપ્રદેશ તથા ઓડિશામાં ત્રણ-ત્રણ બેઠક માટે, પંજાબ, છત્તીસગઢ, તેલંગણા, હરિયાણા, ઝારખંડ તથા ઉત્તરાખંડમાં બે-બે બેઠકો માટે ચૂંટણી યોજાશે.

કેન્દ્ર સરકારના મંત્રીઓ મખ્તાર અબ્બાસ નકવી અને જદયુના આરપી સિંઘના નામ રાજ્યસભાના ઉમેદવારોની યાદીમાં નહીં હોવાથી તેમને મંત્રી તરીકે પડતા મૂકાય અને કેન્દ્રીય મંત્રીમંડળમાં સાધારણ ફેરફાર થાય તેવી પણ શક્યતાઓ આજની સ્થિતિએ વ્યક્ત થઇ રહી છે.

🗃️ This story is from our archives and may contain outdated information.