રાજ્યસભાની સોળ બેઠકોની ચૂંટણીઓમાં ભાજપની અર્ધી બેઠકો પર જીત; બાકીની અર્ધી બેઠકો બીજા પક્ષોને ફાળે

ગાંધીનગરઃ શુક્રવારે ચાર રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યમાં ભાજપ અને એક રાજ્યમાં કોંગ્રેસને સફળતા મળી હતી. કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં 16 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, તેમાંથી આઠ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીત્યા હતા જ્યારે બાકીની આઠ બેઠક પર કોંગ્રેસ સહિત અલગ અલગ પક્ષના ઉમેદવારોનો વિજય થયો હતો. શુક્રવારની ચૂંટણીના મુખ્ય વિજેતાઓમાં કેન્દ્રીય પ્રધાનો નિર્મલા સિતારમન અને પિયૂષ ગોયલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક તથા જયરામ રમેશનો સમાવેશ થાય છે.

કર્ણાટકમાં ચારમાંથી ત્રણ બેઠક ભાજપને ફાળે, જ્યારે એક બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી. કર્ણાટકમાં ભાજપ પાસે ત્રીજી બેઠક માટે પૂરતું સંખ્યાબળ નહીં હોવા છતાં જેડીએસના કોઈ ધારાસભ્યે તેમના પક્ષના ઉમેદવારને મત આપતાં ભાજપને ત્રીજી બેઠક મળી ગઈ હતી. હરિયાણામાં એક બેઠક પર ભાજપનો વિજય થયો હતો જ્યારે બીજી બેઠક ઉપર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકેનની સામે ભાજપ-સમર્થિત અપક્ષ ઉમેદવાર જીતી ગયા હતા. જોકે રાજસ્થાનમાં સત્તાધારી કોંગ્રેસને રાજ્યસભાની ત્રણ બેઠક જીતવામાં સફળતા મળી હતી. ચોથી બેઠક માટે ભાજપના ઘનશ્યામ તિવારી અને અપક્ષ ઉમેદવાર ઝી નેટવર્કના સુભાષ ચંદ્રા વચ્ચે સ્પર્ધા થઈ હતી જેમાં તિવારી જીતી ગયા હતા.

સૌથી રસપ્રદ પરિણામ મહારાષ્ટ્રમાં આવ્યું જ્યાં બે બેઠક ઉપર ભાજપનો આસાન વિજય થયો હતો જ્યારે ત્રીજી બેઠક ઉપર અપક્ષોની મદદથી ભાજપ જીતી ગયો હતો. આ સિવાય એક-એક બેઠક ઉપર શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારો વિજેતા થયા હતા.

નવાં ઉમેદવારોના વિજય સાથે હવે રાજ્યસભામાં સભ્યસંખ્યાની દૃષ્ટિએ ડીએમકે તથા આમ આદમી પાર્ટી ચોથા નંબરના સૌથી મોટા પક્ષ બની જશે. સંસદના આ ઉપલા ગૃહમાં હવે બસપના માત્ર એક સાંસદ હશે, જ્યારે શિરોમણી અકાલી દળના એકપણ સાંસદ નહીં હોય. આમ આદમી પાર્ટીના રાજ્યસભામાં હાલ ત્રણ સાંસદ છે જે જુલાઈમાં 10 થશે, કેમ કે પક્ષને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં વિજય મળ્યો હોવાથી તેનો સીધો લાભ રાજ્યસભાની બેઠક પર થશે.

સંખ્યાની દૃષ્ટિએ ભાજપને કોઈ ખાસ ફેર નહીં પડે કેમ કે પક્ષને એક તરફ આંધ્રપ્રદેશમાં ત્રણ અને ઝારખંડમાં એક બેઠક ગુમાવવી પડી છે તો તોની સામે ઉત્તરપ્રદેશમાં ત્રણ અને ઉત્તરાખંડમાં એક બેઠક મળી ગઈ છે.

રાજ્યસભામાં ચાર પદનામિત સભ્યો માટે જોગવાઈ હોય છે તે પૈકી હાલ એક જ નિયુક્તિ કરવામાં આવેલી છે અને તે છે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ. એનડીએ સરકાર બાકીની ત્રણ બેઠકો પર સંસદના ચોમાસુ સત્ર પહેલાં નિમણૂક કરે તેવી શક્યતા છે. પદનામિત સાંસદોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ન હોવાથી એ બેઠકો પર તત્કાળ નિયુક્તિ કરવામાં આવે એવું લાગતું નથી.

હાલની સ્થિતિએ રાજ્યસભામાં સાંસદોની સંખ્યાની દૃષ્ટિએ ટોચના દસ પક્ષોની સ્થિતિ આ મુજબ છેઃ ભાજપ (92 સાંસદ), કોંગ્રેસ (30), ટીએમસી (13), ડીએમકે (10), આપ (10), બીજેડી (9), વાયએસઆરસીપી (9), ટીઆરએસ (7), આરજેડી (6), સીપીએમ (5) તથા જેડી-યુ (5).

તાજેતર ના લેખો