મનિષ સિસોદિયા વિરુદ્ધ હિમંત બિશ્વશર્માની પત્ની દ્વારા 100 કરોડનો બદનક્ષીનો કેસ
June 22, 2022
નવી દિલ્હીઃ આસામના મુખ્યપ્રધાન ડૉ. હિમન્તા બિસ્વ સર્માના પત્ની રિંકી ભૂયન સર્માએ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા વિરૂદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કરી દીધો છે. શ્રીમતી સર્માએ મંગળવારે ગુવાહાટીમાં કામરૂપસ્થિત સિવિલ જજ (મેટ્રો)ની કોર્ટમાં સિસોદિયા વિરુદ્ધ રૂપિયા 100 કરોડનો બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના નેતા સિસોદિયાએ ચોથી જૂને એક પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે 2020માં દેશમાં કોવિડ મહામારી ટોચ ઉપર હતી ત્યારે આસામની સરકારે પીપીઈ કિટની ખરીદીનો કોન્ટ્રેક્ટ તે સમયના આસામના આરોગ્યપ્રધાન અને હાલના મુખ્યપ્રધાન હિમન્તા સર્માના પત્નીની કંપનીને આપ્યો હતો.
આ આક્ષેપને તે સમયે જ મુખ્યપ્રધાન હિમન્તા સર્મા તેમજ તેમના પત્નીએ નકારી કાઢ્યો હતો અને સાથે જો દિલ્હીના ઉપ-મુખ્યપ્રધાન આક્ષેપ પાછો ખેંચીને માફી ન માગે તો તેમની સામે બદનક્ષીનો કેસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, થોડાં વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે એક સમયના ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન સ્વર્ગસ્થ અરુણ જેટલી વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારના બેફાન આક્ષેપ કર્યા હતા. કેજરીવાલે અરુણ જેટલી વિરુદ્ધ દિલ્હી ક્રિકેટ એસોસિયેશનમાં નાણાકીય ગેરરીતિના આક્ષેપ કર્યા હતા. તેની સામે જેટલીએ કેજરીવાલ વિરુદ્ધ રૂપિયા 10 કરોડનો બદનક્ષીનો કેસ કર્યો હતો. જોકે કેજરીવાલ આક્ષેપ પુરવાર નહીં કરી શકતા તેમણે અરુણ જેટલીની માફી માગી લીધી હતી અને છેવટે જેટલીએ કેસ પાછો ખેંચી લીધો હતો. 2018માં કેજરીવાલે આ રીતે બેફામ આક્ષેપો બાદ સામો પડકાર થતાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, પંજાબના ભૂતપૂર્વ મંત્રી બિક્રમસિંહ મજિઠિયા તેમજ તે સમયના કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલના પુત્ર અમિત સિબ્બલની પણ માફી માગી હતી.
રિંકી સર્માના વકીલ પદ્મધર નાયકે આ અંગે જણાવ્યું હતું કે તેમને આશા છે કે બુધવારે આ કેસ બોર્ડ ઉપર લેવાશે અને ત્યારબાદ અમે આગળ વધીશું.
સિસોદિયાએ આ મહિનાના પ્રારંભે કરેલા આક્ષેપના જવાબમાં મુખ્યપ્રધાન હિમન્તા બિસ્વ સર્માએ કહ્યું હતું કે, આખો દેશ કોરોના મહામારીમાં સપડાયો હતો અને આસામ પાસે પીપીઈ કિટની અછત હતી. એવા સમયે મારા પત્નીએ પહેલ કરીને આશરે 1500 પીપીઈ કિટનું સરકારને દાન કર્યું હતું જેથી લોકોના જીવન બચાવી શકાય. આ માટે મારા પત્નીએ એકપણ પૈસો લીધો નહોતો.
આસામના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, પીપીઈ કિટ સરકારને ભેટમાં આપવામાં આવી હતી અને તેમના પત્નીની કંપનીએ આ માટે કોઈ બિલ મોકલ્યું નહોતું.
સિસોદિયાએ એનએચએમ-આસામ મિશનના ડિરેક્ટર એસ. લક્ષ્મણન તરફથી જેસીબી ઈન્ડસ્ટ્રીઝને મોકલવામાં આવેલા બિલનું ટ્વિટ કરીને ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.
આ આક્ષેપના સંદર્ભમાં હિમન્તા સર્માના પત્નીએ કહ્યું હતું કે, મહામારી શરૂ થઈ તેના પ્રથમ અઠવાડિયામાં આસામમાં એકપણ પીપીઈ કિટ ઉપલબ્ધ નહોતી. આ વાતની નોંધ લઇને મેં અમારા બિઝનેસ ભાગીદારની મદદથી આશરે 1500 પીપીઈ કિટ પૂરી પાડી હતી. ત્યારપછી મેં એનએચએમને પત્ર લખીને જણાવ્યું હતું કે, આ કામગીરીને મારા સીએસઆરનો ભાગ ગણવામાં આવે.
તાજેતર ના લેખો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું
- પાવરબેંક હવાઇ યાત્રા દરમિયાન સામાનના ખાનામાં નહીં પણ સીટ પર રાખવી પડશેઃ આ દેશની એરલાઇન્સ માટે નવો નિયમ
- ગુજરાતમાં આવતા 7 દિવસમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા : હવામાન વિભાગ
- ગુજરાતમાં આજનું અને આવતીકાલનું હવામાન અને વરસાદનો વર્તારો ભારતના હવામાન વિભાગ અનુસાર
- 'શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાહસિક નેતૃત્વ, યુદ્ધ નીતિ અને કુટનીતિથી પાકિસ્તાન સતત ધ્રુંજી રહ્યું છે'
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને કરશે સમર્પિત