અમે આજે પણ બાળાસાહેબના હિન્દુત્વને વળગી રહ્યા છીએઃ એકનાથ શિંદે

મુંબઇઃ મહારાષ્ટ્રમાં બે દિવસથી ચાલી રહેલી રાજકીય ઊથલપાથલની વચ્ચે આ સમગ્ર પ્રકરણના કેન્દ્ર સમાન બની ગયેલા એકનાથ શિંદેએ કહ્યું હતું કે પોતે શિવસેના છોડવા માગતા નથી અને તેઓ બાળાસાહેબના હિન્દુત્વને આજે પણ વળગી રહ્યા છે અને એ જ વિચારધારાને આગળ લઈ જઈશું.

એકનાથ શિંદેનો દાવો છે કે તેમની સાથે મહારાષ્ટ્ર વિધાનસભાના 46 સભ્યો છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ એકનાથ શિંદે કોંગ્રેસ અને એનસીપી સાથેની સરકાર ઇચ્છતા નથી. તેમના મતે કોંગ્રેસ અને એનસીપીના રિમોટથી ચાલતી સરકારમાં કામ કરવું મુશ્કેલ છે.

દરમિયાન, મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિ ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. છેલ્લા અહેવાલ મુજબ કોંગ્રેસના નેતા કમલનાથે મીડિયાને માહિતી આપી હતી કે, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેથી તેમની સાથે રૂબરૂ મુલાકાત કરવાનું શક્ય નથી.

બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે એક વાગ્યે તેમના પ્રધાનમંડળની જે બેઠક બોલાવી હતી તે છેલ્લી ઘડીએ ઑનલાઇન બેઠકમાં રૂપાંતર કરી હતી.

કેબિનેટની આ બેઠક ચાલી રહી હતી તે દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉતે પત્રકારો સાથે વાતચીત કરતા એવો સંકેત આપ્યો હતો કે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ થઈ શકે છે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે એકનાથ શિંદે સહિત બધા અસંતુષ્ટ ધારાસભ્યો શિવસેનામાં પરત આવી જશે.

સંજય રાઉતે એવી પણ મોઘમ ચીમકી ઉચ્ચારી કે શિવસેનાના સૈનિકોએ હજુ આક્રોશ વ્યક્ત કર્યો નથી કેમ કે પક્ષના સિનિયર નેતાઓએ સૌને શાંત રહેવા કહ્યું છે.

મીડિયાના તાજા અહેવાલો મુજબ શિવસેનાએ હવે તેના અસંતુષ્ટ ધારાસભ્યોને ચીમકી આપવાનું પણ શરૂ કર્યું છે. કહેવાય છે કે, આ ધારાસભ્યોને પત્ર મોકલવામાં આવ્યો છે અને તેમને આજે સાંજે અર્થાત બુધવારે સાંજ સુધીમાં મુંબઈ પરત આવી જવા જણાવવામાં આવ્યું છે અને જો તેઓ પરત નહીં આવે તો તેમનું પક્ષનું સભ્યપદ છીનવી લેવામાં આવશે.

તાજેતર ના લેખો