તિસ્તા અને પતિ જાવેદે રમખાણ પિ઼ડીતોના નામે ઉઘરાવેલું ફંડ રોમ અને ઇસ્લામાબાદમાં શોપીંગ, સલૂન, ઘરેણાં, શરાબ વગેરે માટે વાપર્યું હતું
June 27, 2022
અમદાવાદઃ 2002ના ગુજરાત તોફાનોના પીડિતો માટે એકત્ર કરેલા ભંડોળનો પોતે ટ્રસ્ટીમંડળે નિયત કરેલા નિયમ અનુસાર જ ખર્ચ કર્યો હોવાના તીસ્તા સેતલવાડના દાવાનો માર્ચ 2014માં જ પર્દાફાશ થઈ ગયો હતો. તે સમયના એસીપી અને આઈઓ, સાયબર ક્રાઇમ સેલ, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદના કે.એન. પટેલે 14 પાનાનું વિગતવાર સોગંદનામું દાખલ કરીને સેતલવાડ તથા તેમના પતિ જાવેદ આનંદની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ સોગંદનામાને આધારે અમદાવાદ ખાતે સેસન્સ જજની કોર્ટમાં વિશેષ પબ્લિક પ્રોસિક્યુટર અજય ચોક્સીએ દલીલો રજૂ કરી હતી.
આઈ.ઓ. પટેલે સોગંદનામામાં કહ્યું હતું કે, “મેં સિટી બેંક પાસેથી ક્રેડિટકાર્ડની વિગતો માંગી હતી. જે વિગતો પ્રાપ્ત થઈ છે તે જાણીને નામદાર કોર્ટ ચોંકી જશે.” તપાસ દરમિયાન તીસ્તા સેતલવાડના સિટી બેંકના ત્રણ ક્રેડિટકાર્ડ નં. 5520938031023006, 5520938045202125 અને 5498520510664506 હતા. આ ત્રણ કાર્ડ પૈકી બે ક્રેડિટકાર્ડ સમય જતા બંધ કરાવી દેવામાં આવ્યા હતા અને જૂન 2012માં જારી ક્રેડિટકાર્ડ નં. 5498520510664506 હજુ સુધી (2014) ચાલુ છે. આ ક્રિડિટકાર્ડ દ્વારા કરવામાં આવેલા ખર્ચ પેટે કુલ રૂપિયા 14.20 લાખની ચૂકવણી સિટીઝન ફૉર જસ્ટિસ એન્ડ પીસ (સીજેપી)ના એફસીઆરએ તથા સેવિંગ્સ ખાતાંઓમાંથી કરવામાં આવી હતી. તીસ્તા અને જાવેદ બંને આ સંગઠનના મુખ્ય ટ્રસ્ટીઓ હતાં. આ સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે, એવું લાગે છે કે, દર વર્ષે ક્રેડિટકાર્ડ ઈરાદાપૂર્વક બદલવામાં આવ્યાં હશે જેથી આવકવેરા સત્તાવાળાઓની તપાસમાંથી બચી શકાય.
એ સોગંદનામામાં આઈ.ઓ.એ કહ્યું હતું કે, સિટી બેંકના કાર્ડની વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે જે કોઈ ખર્ચ કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણ અંગત પ્રકારનો હતો અને તેને આરોપી નં. 1, તીસ્તા સેતલવાડ દ્વારા પરચૂરણ ખર્ચમાં ખપાવી દેવામાં આવ્યો હતો. સિટી બેંક તરફથી મળેલી વિગતો અનુસાર મોટાભાગની રકમ શોપિંગ, મનોરંજન, વિદેશી સામાનની ખરીદી, સ્થાનિક જરૂરિયાતો તથા અન્ય સંલગ્ન બાબતો પાછળ ખર્ચાઈ હતી જે સંપૂર્ણપણે અંગત હોવાનું સ્પષ્ટ થાય છે. મોટાભાગની રકમ મોંઘા ભાવના બ્રાન્ડેડ જૂતાં, વૈભવી સલૂનોમાં હેર સ્ટાઈલિંગ, મોંઘા સ્ટોર્સમાંથી કપડાં – જેમાં રોમ અને ઈસ્લામાબાદના સ્ટોર્સનો પણ સમાવેશ થાય છે, વિવિધ ઑનલાઇન સ્ટોરમાંથી ખરીદી, અમેરિકી ડૉલરમાં ખરીદવામાં આવેલી ગૂગલ સ્પેસ, ઈલેક્ટ્રોનિક સાધનો ઉપરાંત વૈભવી રેસ્ટોરાંમાં ખાણી-પીણી, મ્યુઝિક સિસ્ટમ, ઘરેણાં, ઘડિયાળ, સૂટકેસ, સ્વાસ્થ્યનાં સાધનો, ગિફ્ટ આર્ટિકલ્સ વગેરે પાછળ ખર્ચવામાં આવી હતી.
સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે, તીસ્તાએ સીજેપીના ખાતામાંથી સેંકડો અમેરિકી ડૉલર/કેનેડિયન ડૉલર/પાઉન્ડ સ્ટર્લિંગ સ્કોલેસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ, અમેરિકી કૉલેજ, ઑક્સફર્ડ કૉલેજમાં કૉલેજ બોર્ડ એન્ટ્રન્સ તથા બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન પાછળ ખર્ચ્યા હતા.
તેમાં જણાવ્યા અનુસાર ક્રેડિટકાર્ડ દ્વારા ચૂકવણીની તપાસ કરતાં ચોંકાવનારી વાત જાણવા મળી હતી કે, આરોપી નં. 1 દ્વારા સીજેપીના ખાતામાંથી શરાબની ખરીદી, પીવીઆર સિનેમામાં મૂવી ટિકિટની ખરીદી તેમજ ગ્રોસરીની નિયમિત ખરીદી કરવામાં આવી હતી. શોપિંગ માટે કુવૈતી દીનાર, અમેરિકી ડૉલર, કેનેડિયન ડૉલર, યુરો, પાઉન્ડ સ્ટર્લિંગ તેમજ પાકિસ્તાની રૂપિયામાં ચૂકવણી થઈ હોવાનું સ્પષ્ટ દેખાય છે.
તીસ્તા અને જાવેદ દ્વારા સંપૂર્ણ અંગત ઉપયોગ માટે કરવામાં આવેલા આ બધા ખર્ચ માટે એ બંને દ્વારા વારંવાર દાવો કરવામાં આવે છે તેમ સબરંગ ટ્રસ્ટ તથા સીજેપીના ટ્રસ્ટીમંડળોએ બહાલી આપી હશે કે કેમ તે તપાસનો વિષય છે, તેમ જણાવી તે સમયે પોલીસે કહ્યું હતું કે, આ બંને ટ્રસ્ટના એકાઉન્ટનું ઑડિટિંગ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે શા માટે એ વાતની નોંધ ન લીધી કે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મળેલા ભંડોળને તેના નિર્ધારિત હેતુ સિવાય બીજા કામો માટે ઉપયોગમાં લે છે, એ વાતની પણ તપાસ કરવામાં આવશે.
આ સોગંદનામામાં પોલીસે બે ટ્રસ્ટને મળેલા ભંડોળ અને તેમાંથી વ્યક્તિગત ખાતાંઓમાં ટ્રાન્સફર કરવામાં આવેલી રકમનો સારાંશ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. તદઅસાર સબરંગ ટ્રસ્ટને રૂ. 1,33,44,248નું ભંડોળ મળ્યું હતું. સીજેપીને વિદેશી ભંડોળ રૂ. 1,15,64,687 તથા સ્થાનિક સ્તરેથી રૂ. 4,66,83,642 – એમ બધું મળી કુલ 7.16 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું હતું. તેમાંથી આ પ્રમાણે રકમ ટ્રાન્સફર કરવામાં આવીઃ
1. તીસ્તા સેતલવાડ – રૂ. 32,09,524
2. જાવેદ આનંદ – રૂ. 20,62,675
3. સબરંગ કોમ્યુનિકેશન પ્રા. લિ. – રૂ. 1,20,14,356
4. તમારા સેતલવાડ – રૂ. 1,38,270
5. રોકડા કાઢ્યા – રૂ. 75,28,000
6. સીજેપીમાંથી તીસ્તાના ક્રેડિટકાર્ડની ચૂકવણી – રૂ. 14,20,000
7. સબરંગ ટ્રસ્ટમાંથી જાવેદ આનંદના ક્રેડિટકાર્ડનું પેમેન્ટ – રૂ. 2,97,924
કુલ – રૂપિયા 2.67 કરોડ.
તીસ્તા અને તેમના પતિએ તોફાનોના પીડિતોને નાણાકીય અને કાનૂની મદદ કરવાના નામે તથા તેમના પુનઃવસન માટે વચન આપીને પીડિતોને જુદી જુદી જગ્યાએ રજૂ કર્યા હતા, તેમની સાથે ફોટા પડાવ્યા હતા અને એ બધાનો ઉપયોગ કરીને દાન મેળવ્યા હતા. આરોપીઓએ ભંડોળમાંથી ગુલબર્ગ સોસાયટીમાં એક સંગ્રહાલય બનાવવાની ખોટી જાહેરાત કરી હતી. પરંતુ આરોપીઓએ પીડિતો માટે એકત્ર થયેલા ભંડોળનો અંગત હેતુ માટે કરીને અપરાધ કર્યો હોવાની એફઆઈઆર તે સમયે દાખલ થઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે, જાહેર હેતુ માટે એકત્ર કરેલા ભંડોળનો ઉપયોગ શોપિંગ, મનોરંજન તથા સંપૂર્ણપણે વ્યક્તિગત કહી શકાય એવા હેતુ માટે કરી ન શકાય.
2014માં જામીન અરજીનો વિરોધ કરતા પોલીસે ત્યારે કહ્યું હતું કે, જંગી ભંડોળનો અંગત હેતુ માટે ઉપયોગ કરનાર આરોપી નંબર 1 અને 2 વિરુદ્ધ પ્રથમદર્શી પુરાવા છે અને તેથી તેમની કસ્ટોડિયલ પૂછપરછ આવશ્યક છે.
તે સમયે પણ આ બંને આરોપીઓ પૂછપરછમાં સહકાર નહોતા આપતા એવી રજૂઆત પોલીસે અદાલતમાં કરી હતી.
તાજેતર ના લેખો
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- વલસાડ પોલીસનો મિશન ‘મિલાપ’: માત્ર ૧૦ મહિનામાં ૪૦૦ લાપતા/અપહ્યુપ્ત વ્યક્તિઓને તેમના પરિવારો સાથે મિલન
- સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય; ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ થકી અંદાજિત કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ
- દૂરબીનથી ઓપરેશન કરીને ફેફસામાં ફસાયેલા મકાઈના દાણાને બહાર કાઢીને બાળકને બચાવી લેવાયું