રાજ્યના તમામ ૭૦ લાખથી વધુ NFSA કાર્ડ ધારકોને પ્રથમ વખત તહેવારોમાં રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ કરાશે

ગાંધીનગરઃ રાજ્યના ગરીબ પરીવારો તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી અને દિવાળી બંને તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યના દરેક એન.એફ.એસ.એ. કાર્ડ ધારકો એટલે કે ૭૦ લાખથી વધુ કાર્ડ ધારકોના ૩.૫ કરોડ નાગરિકોને પ્રથમ વખત ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ રાહતદરે આપવા માટેનો પ્રજા હિતકારી નિર્ણય કર્યો હોવાનું પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું.

આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકાર રૂ. ૧૯૭ પ્રતિ લિટરની પડતર કિંમત સામે સરકાર દ્વારા રૂ. ૯૭ પ્રતિ લિટરની સબસીડી આપીને લાભાર્થીઓને માત્ર રૂ. ૧૦૦ પ્રતિ લિટરના રાહત ભાવથી આ તેલનું વિતરણ કરવામાં આવશે.

રાજ્યના ૭૦ લાખથી વધુ કાર્ડ ધારકો કે જેની જન સંખ્યા ૩.૫ કરોડ જેટલી થાય છે તેમને તહેવારોની ઉજવણી દરમિયાન રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ કાર્ડ દીઠ ૧ લિટર લેખે જન્માષ્ટમીના તહેવાર પહેલા શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, ગત વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો દરમ્યાન ૧ લીટર રીફાઇન્ડ કપાસિયા તેલનું રૂ.૭૦ પ્રતિ લીટરની સબસિડી ભોગવીને રૂ.૯૩/- પ્રતિ લીટરના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો