મોદી સરકારે દિલ્હીને ઇલેક્ટ્રીક બસો આપીઃ કેજરીવાલે જાહેરખબર છપાવી નાખીને જશ લઇ લીધો

નવી દિલ્હીઃ ખોટું બોલવા માટે અનેક વખત રંગે હાથ પકડાઈ ગયેલા દિલ્હીના ખાતા વિનાના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે વધુ એક વખત ખુલ્લા પડ્યા છે. દિલ્હીની આપ- સરકારે આજે અખબારોમાં આખા પાનાની જાહેરાતો આપીને લખ્યું કે, 97 ઈલેક્ટ્રીક બસો આજથી દિલ્હીના માર્ગો ઉપર. આ જાહેરખબરમાં કેજરીવાલનો ફોટો છપાવવામાં આવ્યો છે અને ઈલેક્ટ્રીક બસોની વિશેષતાઓ જણાવવામાં આવી છે.

વાસ્તવમાં આ બસો કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને આપવાની ઈ-બસોની યોજનાના ભાગરૂપે છે.

કેન્દ્રની મોદી સરકાર તો એક પ્રકારે વાલી (પેરન્ટ)ની ભૂમિકામાં હોવાથી આવી નાની વાતો માટે કોઈ જાહેરાત કે વિવાદ કર્યો નથી, પરંતુ કેજરીવાલ સરકારે આખી ક્રેડિટ જાતે પોતાના નામે ચડાવી દીધી અને કેન્દ્ર સરકારનો ઉલ્લેખ પણ નથી કર્યો. પરંતુ સોશિયલ મીડિયાએ તેમજ ભાજપના પ્રવક્તાએ કેજરીવાલના અપ-પ્રચારનો તત્કાળ પર્દાફાશ કરી દીધો.

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઋષિ બાગરીએ પણ કેજરીવાલની જાહેરખબરને ટ્વિટ કરીને લખ્યું કે, આ બસો મોદી સરકાર દ્વારા એફએએમઈ-2 (ફાસ્ટર એડપ્ટેશન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઑફ ઈલેક્ટ્રીક વેહિકલ્સ ઈન ઈન્ડિયા સ્કીમ – ફેમ ઈન્ડિયા સ્કીમ) હેઠળ આપવામાં આવેલી છે.

સોશિયલ તમાશા નામના યુઝરે આક્રોશપૂર્વક લખ્યું – ક્રેડિટચોર અરવિંદ કેજરીવાલ. દિલ્હી મોડલ નહીં, કેન્દ્રની યોજના કહો. જે બસોને કેજરીવાલ આજે લીલી ઝંડી બતાવવાના છે તે કેન્દ્ર તરફથી આપવામાં આવેલી છે. પરંતુ બેશરમ આમ આદમી પાર્ટીની સરકારને જૂઓ, ક્યાંય કેન્દ્ર સરકારનું નામ પણ નથી લીધું.

આ સાથે ભાજપના નેતા અમિત માલવિયએ પણ કેન્દ્ર સરકારની ફેમ ઈન્ડિયા સ્કીમનો પરિપત્ર ટ્વિટ કરીને લખ્યું, આ બસો મોદી સરકારની ફેમ ઈન્ડિયા સ્કીમ હેઠળ નાણાકીય સહાયથી આપવામાં આવી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું આમાં કોઈ જ પ્રદાન નથી, સિવાય કે ક્રેડિટ લેવી. દિલ્હીને 300 બસો આપવાની છે જે પૈકી 150 બસો આપી દેવામાં આવી છે અને આજે બીજી 97 બસો અપાશે.

આજે આ બસોને લીલી ઝંડી બતાવતી વખતે કેજરીવાલે વધુ એક વખત એવો દાવો કર્યો કે સપ્ટેમ્બર 2022ના અંત સુધીમાં ઈ-બસોની સંખ્યા 300 થશે અને નવેમ્બર 2023 સુધીમાં આ સંખ્યા 1800 થઈ જશે. દિલ્હીના મુખ્યપ્રધાને આવા દાવાઓની વણઝાર આગળ વધારતા કહ્યું કે 2025ના અંત સુધીમાં દિલ્હીમાં કુલ 10,380 બસો પૈકી 8180 બસો ઈલેક્ટ્રીક હશે. દેશમાં સૌથી વધુ ઈ-બસો દિલ્હીમાં હશે એવું પણ તેમણે આ પ્રસંગે નિવેદન કરી નાખ્યું હતું.
પણ કેજરીવાલ ધરાર આવા દાવા કરવા માટે કુખ્યાત છે. આમ આદમી પાર્ટીના હેન્ડલ ઉપર 19 જાન્યુઆરી, 2018ના રોજ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, પ્રદૂષણ મુક્તિ માટે કેજરીવાલ સરકાર 4000 ઈલેક્ટ્રીક બસો રસ્તા પર ઉતારવાની તૈયારીમાં છે. અને આજે નિવેદન કર્યું કે દિલ્હીના માર્ગો પર હાલ 250 ઈ-બસ છે. એ જ રીતે તેમણે 17 જાન્યુઆરી, 2022ના રોજ કહ્યું હતું કે એપ્રિલ 2022 સુધીમાં 300 બસો દોડતી હશે, પણ આજે કહ્યું સપ્ટેમ્બર સુધીમાં 300 બસ આવશે. 22 જુલાઈ, 2022ના રોજ કહ્યું હતું કે એપ્રિલ સુધીમાં વધુ 2000 બસો આવી જશે, પણ આજે કહ્યું કે નવેમ્બર 2023 સુધીમાં બસોની સંખ્યા 1800 થશે.

અહીં કોરોનાકાળનો એક કિસ્સો પણ યાદ રાખવા જેવો છે. બીજા વેવ દરમિયાન દેશમાં અન્ય રાજ્યોની જેમ દિલ્હીમાં પણ કોરોના બેકાબુ બન્યો ત્યારે શું કરવું એ કશી સમજ નહીં પડતા મુંઝાઈ ગયેલી કેજરીવાલ સરકારે જવાબદારી કેન્દ્ર ઉપર ઢોળી હતી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝડપી પગલાં લઇને દિલ્હીના એક સ્ટેડિયમમાં રેકોર્ડ સમયમાં કામચલાઉ હોસ્પિટલ ઊભી કરી હતી. પરંતુ આ હોસ્પિટલ કાર્યરત થાય તે પહેલાં શરાબકાંડ અને હવાલાકાંડમાં સપડાયેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ મીડિયાને સાથે રાખીને એ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને એવો ખોટો પ્રચાર કરાવી દીધો હતો કે એ હોસ્પિટલ કેજરીવાલ સરકારે તૈયાર કરાવી છે!

દેશ ગુજરાત

🗃️ This story is from our archives and may contain outdated information.