સ્માર્ટ ક્લાસનો પ્રારંભ નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ 2012માં ગુજરાતની સ્કૂલમાં કર્યો હતો

ગાંધીનગરઃ ગુજરાતમાં પહેલી સ્માર્ટ સ્કૂલનો પ્રારંભ આજથી દસ વર્ષ પહેલાં એટલે કે છેક 2012માં થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે શિક્ષક દિવસ નિમિત્તે પીએમ શ્રી યોજના હેઠળ દેશની 14,500 શાળાઓને અપગ્રેડ કરીને મોડલ સ્કૂલ બનાવવાની જે જાહેરાત કરી હતી તેને પગલે દેશમાં ફરી સ્માર્ટ સ્કૂલ અને આદર્શ સ્કૂલોની ચર્ચા શરૂ થઈ છે.

સ્માર્ટ સ્કૂલ કે મોડલ સ્કૂલનો વિચાર નવો નથી. ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ જિલ્લાના વટામણ ગામે 2012માં ગુજરાતન આવા સૌપ્રથમ સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કર્યું હતું.

નરેન્દ્રભાઈ ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી ઉપર ભાર મૂક્યો હતો. દર વર્ષે વેકેશન પછી સ્કૂલો શરૂ થાય ત્યારે સ્વયં નરેન્દ્ર મોદી સહિત તેમનું આખું પ્રધાનમંડળ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જાતે હાજર રહીને બાળકોને સ્કૂલમાં પ્રવેશ કરાવતા અને તેમાં કન્યા કેળવણી ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવતું.

2012માં શાળા પ્રવેશોત્સવના આવા જ એક કાર્યક્રમમાં વટામણ ગામે પ્રથમ સ્માર્ટ સ્કૂલ શરૂ કરતાં નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે, હવે જમાનો બદલાયો છે. જૂના જમાનાની સ્લેટ, જૂના જમાનાના બ્લેકબોર્ડ, જૂના જમાનાના ચૉક, પેન – આ બધાનો જમાનો બદલાઈ રહ્યો છે. હવે પેનની જગ્યા પેનડ્રાઇવે લઈ લીધી છે. યુગ બદલાતો જાય છે. અને યુગ બદલાતો જાય છે ત્યારે આપણી નવી પેઢીને પણ આધુનિક ટેકનોલોજીનો લાભ મળવો જોઇએ. આજે શિક્ષણમાં સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ સ્કૂલ એવી એક કલ્પના શરૂ થઈ છે. ટેકનોલોજીથી, સરળતાથી બાળકો ભણી શકે એના માટેની આખી વ્યવસ્થા તૈયાર થઈ છે. સુખી પરિવારનાં બાળકો આધુનિક શાળામાં ભણવા જાય છે. હજુ ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં પણ ખાનગી શાળાઓમાં પણ આવી આધુનિકતા આવી નથી. થોડી શરૂઆત થઈ છે. ભાઈઓ-બહેનો, જો ખાનગી શાળામાં શરૂઆત થતી હોય તો સરકારી શાળામાં કેમ નહીં? અને આજે વટામણમાં આ રાજ્યની પહેલી પ્રાથમિક શાળા છે જ્યાં આજે મેં સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કર્યું છે. બાળકોને પણ મજા આવશે.

નરેન્દ્રભાઈ તેમના દસ વર્ષ જૂના આ મિશનને હવે રાષ્ટ્રીય સ્તરે લાગુ કરી રહ્યા છે. જેના માટે પીએમ-શ્રી યોજના શરૂ કરવામાં આવી છે. તેના અંતર્ગત દેશની 14,500 શાળાઓનું આધુનિકીકરણ કરવામાં આવશે. વડાપ્રધાને આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, પીએમ શ્રી સ્કૂલો આધુનિક હશે, પરિવર્તનકારી હશે તથા સર્વગ્રાહી શિક્ષણને આવરી લેશે. તેમાં સંશોધન આધારિત શિક્ષણ વ્યવસ્થા ઉપર ભાર મૂકવામાં આવશે. તેમાં આધુનિક માળખાકીય ટેકનોલોજી, સ્માર્ટ ક્લાસરૂમ, રમતગમત વગેરે બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે, તેમ વડાપ્રધાને કહ્યું હતું.

દેશ ગુજરાત