ભારતના વિજ્ઞાનીઓ તેમજ વૈજ્ઞાનિક સિદ્ધિઓને સેલિબ્રેટ કરવા વડાપ્રધાનની હાકલ

અમદાવાદઃ 21મી સદીના ભારતમાં વિજ્ઞાન એ ઊર્જા જેવું છે જેમાં દરેક ક્ષેત્ર, દરેક રાજ્યના વિકાસને ગતિ આપવાનું સામર્થ્ય ધરાવે છે તેમ જણાવી સાયન્સ સિટી, અમદાવાદ ખાતે બે દિવસના સંમેલનનું ઉદ્દઘાટન કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, આજે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેમાં ભારતના વિજ્ઞાન અને તેની સાથે જોડાયેલા લોકોની ભૂમિકા અગત્યની છું. તેમાં નીતિ નિર્માતા, આપણા સૌની જવાબદારી વધી જાય છે.

આ આયોજન તમને સૌને નવી ક્ષમતા આપશે તેમ જણાવી વડાપ્રધાને આ સંદર્ભનો ભગવત્ ગીતાનો શ્લોક ટાંક્યો હતો કે, ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात्। અર્થાત જ્ઞાન જ્યારે વિજ્ઞાન સાથે જોડાય છે ત્યારે સંસારની તમામ સમસ્યાઓમાંથી મુક્તિનો રસ્તો આપોઆપ ખૂલી જાય છે.

નરેન્દ્રભાઈએ કહ્યું કે, આજનું નવું ભારત જય જવાન, જય વિજ્ઞાન સાથે જય અનુસંધાન સાથે આગળ વધી રહ્યું છે. ઈતિહાસની એ શિખ કેન્દ્ર અને રાજ્ય બંને માટે ભવિષ્યનો માર્ગ બનાવવામાં સહાયક થશે. પાછળની સદીના પ્રારંભિક દસકાઓને યાદ કરીએ તો જોવા મળે છે કે દુનિયામાં કેવી રીતે તબાહી અને ત્રાસદીનો દોર ચાલતો હતો. તેમાં પણ ત્યારે પણ વિજ્ઞાનીઓ તો મહાન સંશોધનમાં લાગેલા હતા. આઈન્સ્ટાઈનથી લઇને અનેક વિજ્ઞાનીઓ તેમના પ્રયોગોથી દુનિયાને ચોંકાવી રહ્યા હતા. તો અહીં ભારતમાં પણ સીવી રમન, સત્યેન્દ્ર બોઝ, એસ ચંદ્રશેખર જેવા અનેક વિજ્ઞાની નવી નવી શોધ કરી રહ્યા હતા.

ભારતીય વિજ્ઞાનીઓને યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોને કહ્યું કે, તમને આગ્રહ કરું છું કે આપણે આપણા દેશના વિજ્ઞાનીઓની ઉપબ્ધીઓનું જોરશોરથી મહિમામંડન કરવું જોઇએ. તેમણે જણાવ્યું કે, જ્યારે આપણે કલાને સેલિબ્રેટ કરીએ ત્યારે નવા કલાકારોને પ્રોત્સાહિત કરીએ છીએ. જ્યારે રમતોને સેલિબ્રેટ કરીએ ત્યારે નવા ખેલાડીઓને જન્મ આપીએ છીએ, તેમને પ્રોત્સાહિત કરીએ છીએ. એ જ રીતે વિજ્ઞાનને સેલિબ્રેટ કરીશું ત્યારે નવા વિજ્ઞાનીઓને જન્મ આપી શકીશું, યુવાન વિજ્ઞાનીઓને પ્રોત્સાહન મળી શકશે.

આપણા વિજ્ઞાનીઓ તેમનાં સંશોધનો દ્વારા આપણે આવી તક આપે છે તેમ જણાવી વડાપ્રધાને કોરોના વેક્સિન તૈયાર કરવામાં ભારતના વિજ્ઞાનીઓની સફળતાને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, આજે ભારત પોતાની વેક્સિન તૈયાર કરી શક્યું છે, 200 કરોડ કરતાં વધુ ડોઝ લગાવી શક્યા છીએ તે આપણા વિજ્ઞાનીઓની તાકાત જ છે. ભારતના વિજ્ઞાનીઓની દરેક નાની-મોટી ઉપલબ્ધીને સેલિબ્રેટ કરવાથી દેશમાં વિજ્ઞાન પ્રત્યે જે રુઝાન પેદા થશે તે આ અમૃતકાળમાં દેશને ઘણો મોટો લાભ કરાવશે. અમારી સરકાર વિજ્ઞાન આધારિત સોચ સાથે આગળ વધી રહી છે. 2014 પછી વિજ્ઞાન-ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણ ઘણું વધ્યું છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ભારત ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સમાં 46માં સ્થાને છે. 2015 આપણો દેશ 81મા નંબરે હતો. પણ આપણે અહીં રોકાવાનું નથી. હજુ આગળ વધવાનું છે. આજે ભારતમાં રેકોર્ડ માત્રામાં પેટન્ટ થઈ રહ્યા છે, નવા નવા સંશોધન થઈ રહ્યા છે. આજની કોન્ક્લવેમાં મોટી સંખ્યામાં સ્ટાર્ટઅપ આવ્યા છે એ જ બતાવે છે કે આપણા દેશમાં કેટલી પ્રતિભા પડી છે. આજનો યુવાન ઝડપથી ટેકનોલોજીને અપનાવે છે. આપણે એ યુવાનોને પૂરી ક્ષમતાથી પ્રોત્સાહન આપવાનું છે. રિસર્ચ અને ઈનોવેશનમાં નવા ક્ષેત્ર બની રહ્યા છે, નવા ક્ષેત્ર ખૂલી રહ્યા છે. સંશોધનના નવા અનેક અભિયાન પર ઝડપથી કામ થઈ રહ્યું છે.

નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને માતૃભાષામાં શિક્ષણ મળે તેના પર ભાર આપવામાં આવ્યો છે અને મને વિશ્વાસ છે કે તેને પરિણામે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક સંશોધન માટે નવી તકો ઉપલબ્ધ થશે. ભારતને સંશોધન અને ઈનોવેશનનું હબ બનાવવા માટે આપણે સૌએ એક સાથે મળીને અનેક મોરચે કામ કરવાનું છે. આજે સમયની માંગ છે કે દરેક રાજ્ય પોતાના સ્થાનિક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને સ્થાનિક સમાધાન માટે ઈનોવેશન ઉપર જોર આપે એ જરૂરી છે.

શહેરોમાં જે કચરો નીકળે છે તેના યોગ્ય ઉપયોગ માટે પણ ઘણી સંભાવનાઓ રહેલી છે. આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડાયેલી બાબતો અંગે વધારેમાં વધારે સહકાર અને સંવાદ કરવો પડશે, જેનાથી વિજ્ઞાનને પ્રોત્સાહન મળશે. વૈજ્ઞાનિક સંશોધનોમાં રાજ્યોને મદદ કરવા કેન્દ્ર સતત તત્પર છે. રાજ્યોમાં રાષ્ટ્રીય સ્તરની અનેક સંસ્થાઓ હોય છે, નેશનલ લેબોરેટરી પણ હોય છે, તેમના સામર્થ્યનો લાભ રાજ્યોએ ઉઠાવવો જોઇએ. આપણે આપણા વિજ્ઞાન સાથે જોડાયેલી સંસ્થાઓને કુંઠિત સ્થિતિમાંથી બહાર કાઢવી પડશે. દરેક સંસ્થાઓનો મહત્તમ ઉપયોગ એટલો જ આવશ્યક છે. આ માટે સૌએ પ્રયાસ કરવો જોઇએ.

કેટલાક રાજ્યોમાં વિજ્ઞાન મેળા થાય છે, પરંતુ એ પણ સાચું છે કે ઘણા લોકો તેમાં ભાગ લેતા નથી. આપણે વધુમાં વધુમાં શાળાઓને તેમાં સામેલ કરવી જોઇએ. પોતાના રાજ્યો ઉપરાંત અન્ય રાજ્યોના વિજ્ઞાન અભ્યાસક્રમ ઉપર પણ ધ્યાન રાખવું જોઇએ. બીજા રાજ્યોમાં જે સારું હોય તે અપનાવવું જોઇએ.

ભારતનું રિસર્ચ અને ઈનોવેશનનું ઈકોસિસ્ટમ સક્ષમ હોય તે દિશામાં આપણે વિચારવું જોઇએ અને આ કોન્કલેવ નવા વિચારો અને સમાધાનો સાથે બહાર આવશે તેવી આશા રાખું છું. આપણે એ જોવું પડશે કે આગામી સમયમાં આપણી સમક્ષ જે તકો છે તે ગુમાવવી ન જોઇએ. આગામી 25 વર્ષમાં એક નવા ભારતને ઉન્નત સ્તરે લઈ જવાનું છે, તેમ જણાવી વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે, તમે આ મંથનમાંથી જે અમૃત કાઢશો તેનાથી તમારા રાજ્યોમાં તેનો લાભ આપી શકશો.

આ અગાઉ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી દેશમાં આ પ્રકારના આ પ્રથમ સંમેલનનું આયોજન શક્ય બન્યું છે. મને એ જણાવતા ગર્વ થાય છે કે વિક્ષાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે ટોચના રાજ્યોમાં સ્થાન પામ્યું છે.

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના અનેક ઐતિહાસિક નિર્ણયને કારણે આજે ટેકનોલોજી ઘરે ઘરે પહોંચી શકી છે. તેમના પ્રયાસોને કારણે જ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારત આજે અગ્રીમ હરોળમાં કામગીરી કરી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના પ્રોત્સાહન અને માર્ગદર્શનને કારણે જ દેશમાં આજે સ્ટાર્ટઅપની સંખ્યા 75,000 સુધી પહોંચી શકી છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો