વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ મેટ્રો રેલ ફેઝ -૧નો પ્રારંભ કરાવ્યો

  • — 32 કિલોમીટરની વિશાળ લંબાઈ સાથેનો મેટ્રો ટ્રેક સિંગલ ટ્રીપ માટે શહેરનો સૌથી લાંબો ટ્રેક
  • — આ મેટ્રો ટ્રેક શરુ થવાથી સસ્તા દરે અને ઓછા સમયમાં જાહેર પરિવહન ઉપલબ્ધ બનશે
  • — મેટ્રો સ્ટેશન પર ઇ-રીક્ષા, બીઆરટીએસ, એએમટીએસ, બ્રોડગેજ/મીટરગેજ ટ્રેક, બુલેટ ટ્રેન અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ સાથેનું સુવ્યવસ્થિત આયોજન

થલતેજઃ   વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના દૂરદર્શન કેન્દ્ર નજીક આવેલા એઇસી ગ્રાઉન્ડ ખાતેથી ગુજરાતને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપવા ઉપરાંત અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ -૧ના લોકાર્પણ પ્રસંગે જણાવ્યુ કે, 21મી સદીના આધુનિક ભારત, અર્બન કનેક્ટિવિટી અને આત્મનિર્ભર ભારત માટે આજે ઐતિહાસિક દિવસ છે. દેશની ત્રીજી અને ગુજરાતની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આજે દેશની જનતાને ઉપલબ્ધ બની છે. વંદે ભારત ટ્રેનમાં મેં ઝડપી ગતિની મુસાફરીની ગૌરવપૂર્ણ ક્ષણોનો અહેસાસ કર્યો. દેશની આ ત્રીજી અને ગુજરાતની પહેલી વંદે ભારત ટ્રેન છે. દેશમાં આગામી સમયમાં આવી 75 વંદે ભારત ટ્રેન દોડવાની છે એવું તેમણે ઉમેર્યું હતું.

વંદે ભારતમાં મુસાફરીના અનુભવ અંગે વધુ વાત કરતાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે વંદે ભારત ટ્રેનમાં વિમાન મુસાફરી કરતાં સોમા ભાગનો જ અવાજ આવતો હોય છે, અમે શાંતિથી એકબીજા સાથે વાત કરી શકતા હતા. આને જોતાં મને લાગે છે કે સો ગણી શાંત મુસાફરીને કારણે હવાઈ જહાજમાં જનારા પણ વંદે ભારત ટ્રેનનો આગ્રહ રાખતા થઈ જશે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો અનુભવ યાદ કરીને વડાપ્રધાન શ્રીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં અમે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ અંગે ઇન્ટરનેશનલ સમિટ યોજી હતી. આજે અમદાવાદ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટનું હબ બન્યું છે ત્યારે મારા વિચારને સાકાર થતો જોઈને મને અમદાવાદ પર ગર્વ અનુભવાય છે. અમદાવાદી મિજાજને બિરદાવતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે મને આશા છે કે સૌથી વધુ આર્થિક લાભ કરે અને ઝડપી ગતિએ એક સ્થળેથી બજા સ્થળે પહોંચાડે, એવી મેટ્રોનો અમદાવાદીઓ સૌથી વધુ ઉપયોગ કરશે.

ગતિ અને કનેક્ટિવિટી આજના સમયની માગ છે, જે વંદે ભારત ટ્રેન અને મેટ્રો પૂરી પાડશે, એમ જણાવીને વડાપ્રધાન શ્રીએ ઉમેર્યું હતું કે શહેરો સતત આધુનિક બનવા જોઈએ અને સાથે સાથે ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી પણ આધુનિક અને એકબીજા માધ્યમોને સપોર્ટ કરે, એવી હોવી જોઈએ. છેલ્લાં આઠ વર્ષમાં બે ડઝનથી વધારે શહેરોમાં મેટ્રો શરૂ થઈ છે કે પછી ઝડપથી તેનું કામ ચાલી રહ્યું છે. ‘ઉડાન’ યોજના થકી આજે નાનાં શહેરોમાં પણ હવાઈ મુસાફરી શક્ય બની છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આજે ગાંધીનગરનું રેલવે સ્ટેશન વિશ્વના કોઈ પણ એરપોર્ટ કરતાં પણ ચડિયાતું છે. બે દિવસ પહેલાં જ અમદાવાદના રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાના પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી મળી ચૂકી છે. ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે, એમ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું.

શહેરોના વિકાસ પર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતાં ધ્યાન અને કરવામાં આવતાં રોકાણની વાત કરતાં વડાપ્રધાન શ્રીએ ઉમેર્યું હતું કે શહેરો જ  આવનારાં પચીસ વર્ષમાં વિકસિત ભારતના નિર્માણને સુનિશ્ચિત કરવાનાં છે. માત્ર કનેક્ટિવિટી જ નહિ, મૂળભૂત સુવિધાઓના વિકાસથી માંડીને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર પ્રયાસરત છે.

વધુમાં વડાપ્રધાન શ્રીએ જણાવ્યું હતું કે ટ્વિન સિટીનું ઉત્તમ ઉદાહરહણ અમદાવાદ-ગાંધીનગર છે. આગામી સમયમાં ગુજરાતમાં અને ભારતમાં અનેક ટ્વિન સિટીનું નિર્માણ કરવાનું આયોજન છે. આ ઉપરાંત ગ્લોબલ બિઝનેસને સપોર્ટ કરે એવા ગિફ્ટ સિટી જેવા મોડર્ન સિટીનો વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશ આજે ગિફ્ટ સિટીનો વિકાસ જોઈને પ્રશંસા કરે છે. ગિફ્ટ સિટી હજારો લોકોને રોજગારી આપનાર કેન્દ્ર બની ગયું છે.

વડાપ્રધાન શ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સામાન્ય નાગરિકની સુવિધા કેવી રીતે વધે, સીમલેસ કનેક્ટિવિટીનો લાભ તેને કઈ રીતે મળે, એને ધ્યાનમાં રાખીને મેટ્રો જેવા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે. સામાન્ય નાગરિકની જરૂરિયાતની કાળજી  સાથે દેશને નવી ઊંચાઈએ લઈ જવા માટેની વિકાસ યાત્રા ચલાવવામાં આવી રહી છે. ગરીબ લોકો પણ વંદે ભારત ટ્રેનને પસંદ કરી રહ્યા છે, કેમકે તેમાં લગેજ માટે વધારે જગ્યા હોય છે તથા ઝડપથી પહોંચાડતી હોવાથી તેમની ટિકિટ વસૂલ થઈ જતી હોય છે.

અમદાવાદ મેટ્રોની વાત કરતાં વડાપ્રધાન શ્રીએ જણાવ્યું કે 32 કિલોમીટર લાંબો મેટ્રો ટ્રેક શરૂ થયો છે, આટલો લાંબો ટ્રેક દેશમાં પહેલી વાર અમદાવાદમાં બન્યો છે, જે એક રેકોર્ડ છે. મેટ્રોના બીજા તબક્કામાં ગાંધીનગરને અમદાવાદ સાથે કનેક્ટ કરવામાં આવશે.

વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે શહેર હોય કે રેલવે, પહેલાંના સમયમાં તેના વિકાસ માટે ગંભીર પ્રયાસો થયા નહોતા. અગાઉની સરકારોમાં ચૂંટણીના નફા-નુકસાનનો વિચાર કરીને પ્રોજેક્ટ તૈયાર થતા હતા.આજની ડબલ એન્જિન સરકારે આ માનસિકતા બદલી છે. મજબૂત અને દૂરદૃષ્ટિવાળું માળખું તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આઝાદીના અમૃત કાળમાં વિકસિત ભારત માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા પ્રયાસરત છીએ, એવું તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન શ્રીએ શિક્ષણ તંત્ર અને વાલીઓને અનુરોધ કર્યો હતો કે તમારાં બાળકોને મેટ્રોની મુસાફરી કરવા લઈ જજો. તેમને મેટ્રો અને તેના નિર્માણ, ટેક્નોલોજીની વાતો સમજાવજો. દેશમાં ટેક્નોલોજીથી કેવી પ્રગતિ થઈ રહી છે. આ જોઈને તેમને પણ સફળ ઇજનેર બનવાનું, દેશ માટે કંઈક કરવાની ભાવના પેદા થશે. મેટ્રો માત્ર સફર નહીં, સફળતા માટે કામ આવવી જોઈએ, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રીએ ભાવપૂર્વક જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેન જોઈને આપણા સૌના મનમાં મા ભારતીનું ચિત્ર ઊપસવું જોઈએ. બાળકોને અહેસાસ થવો જોઈએ કે આ એમના ઉજ્જવળ ભાવિ માટે છે. એક વખત તેમને આ વાત સમજાશે, પછી કદી તેઓ આંદોલનોથી ઉશ્કેરાઈને મેટ્રો, ટ્રેન કે દેશની સંપત્તિને નુકસાન નહીં પહોંચાડે.

-: કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ :-

આ સમારંભમાં સ્વાગત પ્રવચન કરતાં કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીનો રેલવે સાથે ભાવનાત્મક સંબંધ રહ્યો છે. વડાપ્રધાનશ્રીની દૂરદૃષ્ટિ અને માર્ગદર્શનમાં ભારતીય રેલવેના દરેક પાસામાં પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાન શ્રી આગામી પચાસ વર્ષને ધ્યાનમાં રાખીને આયોજન કરે છે અને દરેક નીતિવિષયક બાબતોમાં દેશના સામાન્ય વ્યક્તિની સુવિધાનો ખ્યાલ રાખે છે. રેલવે સ્ટેશન પર બાળકો માટે અલગ સ્થાન હોવું જોઈએ, એ પણ વડાપ્રધાન શ્રીનું જ સૂચન હતું, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં કેન્દ્રીય રેલવે મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે આજે વડાપ્રધાનશ્રીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઑફ્ફ કરી. આ ઘટનાનું દેશના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન રહેવાનું છે. વડાપ્રધાન શ્રીની પ્રેરણાને કારણે જ આજે દેશને સંપૂર્ણ સ્વદેશી અત્યાધુનિક એક્સપ્રેસ ટ્રેન ઉપલબ્ધ બની છે. સારી ટેક્નોલોજી કે ટ્રેન વિદેશમાં જ બને, એવી નબળી માનસિકતાને સ્થાને વડાપ્રધાનશ્રીએ દેશના ટેક્નિશિયન્સ, ઇજનેરો પર ભરોસો મૂક્યો. સ્વદેશ નિર્મિત ટ્રેન બનાવવાનો પડકાર કપરો હતો, પરંતુ દેશના ઇજનેરો-ટેક્નિશિયનોએ વડાપ્રધાન શ્રીનો ભરોસો સાચો પાડીને વર્લ્ડ ક્લાસ ટ્રેન બનાવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

દેશના રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાના પ્રોજેક્ટ અંગે વાત કરતાં કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીએ જણાવ્યું કે રેલવે સ્ટેશનો શહેરની વચ્ચે હોય છે ત્યારે તે શહેરોને જોડનાર બનવા જોઈએ એવા વિઝન સાથે વડાપ્રધાનશ્રીએ રેલવે સ્ટેશનોને વધારે સુવિધાપૂર્ણ બનાવવા માટે ઝીણામાં ઝીણી બાબતો પર માર્ગદર્શન પૂરું પાડ્યું, જેના આધારે આજે દેશનાં અનેક રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે. રેલવે પ્લેટફોર્મ પર રૂફ પ્લાઝાનો આઇડિયા વડાપ્રધાન શ્રીએ જ આપ્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં રેલવે મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીનું વિઝન હતું કે રેલવે સ્ટેશનનું બસ, મેટ્રો, બીઆરટી વગેરે વાહનવ્યવહારનાં માધ્યમોનું જોડાણ હોવું જોઈએ. તેઓ ઇન્ટિગ્રેટેડ પ્લાનિંગનો આગ્રહ રાખતા હોય છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનશ્રીના પ્રણને સાકાર કરવા માટે આપણે સૌ પ્રતિબદ્ધ છીએ, એમ તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું.

-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે અમદાવાદના નાગરિકો માટે આનંદનો અવસર છે. નવરાત્રીના દિવસો અમદાવાદ અને સમગ્ર ગુજરાત માટે ગરબાના ઉમંગ સાથે આધુનિક પરિવહન સેવાની શરૂઆતના નવા રંગો લઈને આવ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતનું સૌભાગ્ય છે કે આવા આધુનિક વિકાસના આયામો અને વૈશ્વિક શહેરી વિકાસની દિશા આપણા લોકલાડીલા વિકાસપુરુષ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દૃષ્ટિથી મળ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિ અને વિકાસની રાજનીતિના સમન્વયથી દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો જ ઇતિહાસ રચ્યો છે.

ગામડું હોય, નગર હોય કે મહાનગર હોય, સામાન્યમાં સામાન્ય તેમજ નાનામાં નાના માનવીની જરૂરિયાતનો ખ્યાલ રાખીને વડાપ્રધાનશ્રીએ વિકાસની મુખ્ય ધારામાં ગરીબ, વંચિત, ગ્રામીણ અને મધ્યમ વર્ગ સૌને જોડવાની દિશા લીધી છે. એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગુજરાતના તેજ ગતિએ થઇ રહેલા વિકાસની વાત કરતા મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઝડપી અને પ્રગતિશીલ વિકાસ ગતિને કારણે અનેક પ્રોજેક્ટને સફળતા મળી છે. વર્ષ 2009માં શરૂ થયેલી બીઆરટીએસ આજે સફળ પરિવહન માધ્યમ બન્યું છે. જયારે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને 10 વર્ષ પૂરાં થયા છે. આમ આધુનિક વિકાસ સાથે નગર વિકાસ કઈ રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદે પૂરું પાડ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટે વિશ્વ ફલક પર સ્થાન પ્રાપ્ત કર્યું છે. દેશ વિદેશના સૌ પ્રવાસીઓ રિવરફ્રન્ટની મુલાકાતે આવી રહ્યા છે એ આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે,  કેન્દ્ર સરકારે  પ્રારંભિક તબક્કે દેશના ત્રણ રેલવે સ્ટેશના રિડેવલોપમેન્ટ કરવા માટે 10 હજાર કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે, તેમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો છે. અને આવનારા સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રી શ્રીએ વ્યક્ત કર્યો હતો

‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના પ્રયાસ’ થકી બે દાયકામાં સૌનો વિશ્વાસ પણ વધ્યો છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

-: કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી :-

આ પ્રસંગે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રીશ્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે અમદાવાદના નાગરિકોને વંદે ભારત ટ્રેન અને મેટ્રો સેવાના ઉદ્દઘાટન સાથે ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ સુવિધાઓ મળી રહી છે.  આ પરિયોજના બાદ ભારતમાં મેટ્રો કવરેજ 810 કીમી જેટલું થઈ જશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત મેટ્રો કવરેજની લંબાઈમાં ચોથા સ્થાને છે. આજે આપણે આ સ્થાન સાથે જાપાનથી આગળ નીકળી ગયા છીએ.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી 1-2 વર્ષોમાં 982 કીમીનું નિર્માણધીન મેટ્રો નેટવર્ક પણ ઉદ્ઘાટન માટે તૈયાર હશે. તેની શરૂઆત થતાં ભારત મેટ્રો નેટવર્કના વિસ્તારમાં સાઉથ કોરિયા અને અમેરિકાથી આગળ નીકળીને બીજા સ્થાને પહોંચશે.

તેમણે ઉમેર્યું હતું કે,  2014 પહેલા દેશમાં મેટ્રો નેટવર્કનો વિસ્તાર ખૂબ જ ધીમો હતો. સૌથી પહેલું મેટ્રો સ્ટેશન દિલ્હીમાં 2002 માં વાજપેયીજીના શાસનકાળમાં શરૂ કરવામાં આવેલું. ત્યારથી લઈને 2014 સુધી મેટ્રો નેટવર્ક માત્ર 248 km સુધી જ પહોંચ્યું હતું, જ્યારે 2014 પછી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મેટ્રો નેટવર્કના નિર્માણમાં ચોક્કસ દિશાના પ્રયત્નો થકી ખૂબ ટૂંકા ગાળામાં આ નેટવર્ક 810 કીમી પહોંચાડ્યું.

દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ માત્ર ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ નહિ પણ ‘ટ્રાન્સફોર્મેટીવ પ્રોજેક્ટ’ સાબિત થયો. રાષ્ટ્રીય શહેરી નીતિથી દેશમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ વડે દેશના શહેરોનો સર્વાંગી વિકાસ થશે.

રાષ્ટ્રીય શહેરી નીતિ અંતર્ગત 2004 થી 2014 સુધી 1 લાખ 57 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જ્યારે 2014 બાદ શહેરી વિકાસ માટે 16.5 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી, જે પહેલા  કરતા 10 ગણું રોકાણ છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ 2001 માં શરૂ કરેલા ડેવલપમેન્ટ મોડેલનો ફાયદો ગુજરાતના શહેરોને મળ્યો છે. આગામી દિવસોમાં અમદાવાદના આ વિકાસમાં મેટ્રોનો ખૂબ જ મહત્વનો ફાળો હશે.

ઉલ્લેખનીય છે કે,  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી ફ્લેગ ઓફ કરવાનીને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેને રાષ્ટ્રને સમર્પિત કરી છે. વડાપ્રધાન શ્રી ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનમા સવાર થઈને અમદાવાદના કાલુપુર સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ અમદાવાદના કાલુપુર સ્ટેશન પરથી અમદાવાદ મેટ્રોમાં સવાર થઈને દૂરદર્શન કેંદ્રના મેટ્રો સ્ટેશન સુધી પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં પરિવહન સુવિધાઓને સુદૃઢ બનાવવા માટે નોંધપાત્ર કામગીરી કરી છે, ત્યારે આ વંદે ભારત ટ્રેન ગુજરાતના નાગરિકો માટેની પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો કરશે. ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેનને પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નીકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નીકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓને હવે અટકાવી શકાશે. સ્વદેશી સેમી-હાઇ સ્પીડના નામથી પ્રસિદ્ધ આ ટ્રેન 0 થી 100 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપ માત્ર 52 સેકંડમાં પ્રાપ્ત કરી લે છે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ, ઉપરાંત ટચ ફ્રી સ્લાઇડિંગ ડોરની સાથે સ્વચાલિત પ્લગ દરવાજાઓ પણ લગાવવામાં આવ્યા છે.  વંદે ભારત એક્સપ્રેસે ભારતમાં મુસાફરીના એક નવા યુગની શરૂઆત કરી છે. માત્ર રૂ.100 કરોડના ખર્ચે બનનારી આ ટ્રેન સમાન સુવિધાઓ ધરાવતી આયાતી ટ્રેન કરતા લગભગ અડધા ખર્ચે બનીને તૈયાર થઈ જાય છે. માનનીય વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ટ્રેનની મુખ્ય સિસ્ટમ્સને ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 32 કિલોમીટરની વિશાળ લંબાઈ સાથેનો મેટ્રો ટ્રેક સિંગલ ટ્રીપ માટે શહેરનો સૌથી લાંબો ટ્રેક બનશે. આ સાથે જ સુવિધાસભર 23 મેટ્રો સ્ટેશનોનું પણ આ પ્રસંગે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મેટ્રો ટ્રેન શહેરના એવા વિસ્તારોમાંથી પસાર થશે, કે જ્યાં સાંકડા રસ્તાઓને કારણે જાહેર પરિવહનની જરૂરિયાત વધુ છે, તેમજ ભીડ વગેરેને કારણે મુસાફરીનો સમય વધુ લાગી જતો હોય છે. આવા વિસ્તારોમાં મુખ્યત્વે સમાજના ગરીબ પરિવાર વધુ વસતા હોય છે જેમના માટે સસ્તા દરે અને ઓછા સમયમાં જાહેર પરિવહન ઉપલબ્ધ બનશે. મલ્ટી મોડલ ઇન્ટીગ્રેશન મુજબ સાબરમતી-બોટાદ રેલવેલાઈનના ટ્રેકની સમાંતર મેટ્રો ટ્રેન ટ્રેકનું અલાઈમેન્ટ હોવાથી ઘણું ઓછું જમીન સંપાદન  કરવાની જરૂર પડી છે. મલ્ટી મોડેલ ઇન્ટીગ્રેશનને સાર્થક કરતા સાબરમતી, એ.ઈ.સી, પાલડી, કાલુપુર, ગાંધીગ્રામ, રાણીપ જેવા મેટ્રો સ્ટેશન પર ઇ-રીક્ષાની સુવિધાના આયોજન સાથે જ બીઆરટીએસ, એએમટીએસ, બ્રોડગેજ/મીટરગેજ ટ્રેક, બુલેટ ટ્રેન અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ સાથેનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો