ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રપતિ મૂર્મુના હસ્તે સુપર સ્પેશિયાલીટી, ટ્રોમા સેન્ટર, રેન બસેરાનું ખાતમુહૂર્ત
October 01, 2022
— રૂ.૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી ૬૦૦ બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ૨૫૫ બેડનાં ટ્રોમા સેન્ટરની સુવિધા રહેશે : રેન બસેરા ખાતે દર્દીઓના સગાઓ માટે ૪૪૮ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે
— એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ થઈ શકે તેવી કાર્ડીઓલોજી વિભાગમાં કેથલેબ તૈયાર કરાશે
— હૃદયને લગતી તમામ બીમારીઓનું નિદાન અને સારવાર ઉપરાંત કિડની સંબંધિત બીમારી માટે નેફ્રોલોજી વોર્ડ, યુરોલોજી વોર્ડ અને હિમો ડાયાલીસીસ વોર્ડ પણ બનાવવામાં આવશે
ગાંધીનગરઃ જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગરમાં દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુજીના હસ્તે આગામી તા. ૩જી ઓક્ટોબરના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે મંજૂરી મળતા નવી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાના બિલ્ડીંગનું આશરે રૂ.૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. નવી ૬૦૦ બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ૨૫૫ બેડનાં ટ્રોમા સેન્ટરની સુવિધા રહેશે. એટલું જ નહિ, રેન બસેરા ખાતે દર્દીઓના સગાઓ માટે ૪૪૮ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે કાર્ડીઓલોજી વિભાગમાં કેથલેબ, જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ કરવામાં આવશે તેમજ અદ્યતન મોડ્યૂલર કાર્ડિયાક ઓપેરશન થિએટર અને આઈ.સી.યુ જેમાં હૃદયને લગતી તમામ બીમારીઓનું નિદાન અને સારવાર પુરી પાડવામાં આવશે. કિડની સંબંધિત બીમારી માટે નેફ્રોલોજી વોર્ડ, યુરોલોજી વોર્ડ અને હિમો ડાયાલીસીસ વોર્ડ બનાવવામાં આવશે. તેમાં કિડનીને લગતી તમામ પ્રકારની બીમારીઓનું નિદાન તેમજ સારવાર પુરી પાડવામાં આવશે. તે ઉપરાંત બર્ન્સ વિભાગમાં પ્લાસ્ટિક રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી જેવી ઉચ્ચ કક્ષાની સુવિધા આપવામાં આવશે. તેમજ શ્વાસના સંદર્ભિત બીમારીઓની પણ ઘનિષ્ટ અને ઉચ્ચ પ્રકારની સારવાર અપાશે. ટ્રોમા સેન્ટર ખાતે તમામ પ્રકારની તાત્કાલિક સેવાઓ પુરી પાડવામાં આવશે.
રેન બસેરામાં હોસ્પિટલમાં દાખલ કરેલા તમામ દર્દીઓના સગાઓ માટે રહેવા તથા જમવાની પુરતી સગવડ માટેનું સેન્ટર ઉભુ કરવામાં આવશે. આ હોસ્પિટલ વેન્ટીલેટેડ, નેચરલ કુલીંગ, પુરતા પ્રમાણમાં નેચરલ લાઈટીંગ વાળી બનાવવામાં આવનાર છે. જેથી મીનીમમ ઇલેક્ટ્રિસીટીની જરૂરિયાત રહેશે, તેમજ હોસ્પિટલના પ્લાનિંગ કરતી વખતે ગ્રીન બિલ્ડીંગના કન્સેપ્ટ આધારિત બાંધકામ અંગેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે.
એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર બનવાથી માત્ર ગાંધીનગર જિલ્લાનું જ નહિ પરંતુ આજુબાજુમાં વસતા જિલ્લાઓના નાગરિકોને પણ ઉચ્ચ સ્તરની આરોગ્ય તેમજ તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ગુજરાતમાં આવતા 7 દિવસમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા : હવામાન વિભાગ
- ગુજરાતમાં આજનું અને આવતીકાલનું હવામાન અને વરસાદનો વર્તારો ભારતના હવામાન વિભાગ અનુસાર
- 'શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાહસિક નેતૃત્વ, યુદ્ધ નીતિ અને કુટનીતિથી પાકિસ્તાન સતત ધ્રુંજી રહ્યું છે'
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને કરશે સમર્પિત
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક