ભાજપ દૂધ સંજીવની યોજના ચલાવે છે, દૂધ આપે છે, કેજરીવાલ 850 દારુના ઠેકા ખોલે છે, દારુ પીવાની તાલીમ આપે છેઃ સ્મૃતિ ઈરાની
October 01, 2022
- — હેલો કમલ શક્તિ નામે મહિલાલક્ષી ઉપક્રમનો પ્રારંભ કરવા ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની નીતિઓની પોલ ખોલી
કોબાઃ દિલ્હીથી જે લોકો અહીં ચૂંટણી રમવા આવ્યા છે, જે જીતવાના નથી તેમ કેન્દ્રીય મહિલા અને બાળકલ્યાણ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આજે અહીં જણાવ્યું હતું. ભાજપ મહિલા મોરચાના નવા મહિલાલક્ષી ઉપક્રમ હેલો કમલ શક્તિના પ્રારંભ નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અનેક મુદ્દા અને પ્રશ્નો ઉપસ્થિત કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની નીતિઓની પોલ ખોલી નાખી હતી.
કેજરીવાલનું નામ લીધા વિના તીવ્ર ચાબખા મારતા શ્રીમતી ઈરાનીએ કહ્યું હતું કે, તમે જે સંસ્કૃતિ લઇને આવ્યા છે તે અહીં ચાલવાની નથી. તમને કહેવા માગું છું કે તમે જે કાર્ડ વેચવા અને વહેંચવાની કામગીરી કરો છો તેમ છતાં ગુજરાતીઓના હૃદયમાં મોદીજીએ જે જગ્યા બનાવી છે તે ન તો ખાલી થશે, ન ખરીદી શકાશે. આજે જે લોકો આ દુઃસાહસ કરવા આવ્યા છે, તેઓ સપનાં વેચવા-વહેંચવા આવ્યા છે, એરપોર્ટ હોય, રિક્ષા હોય, પ્રેસ સાથેની વાતચીત હોય- દરેક જગ્યાએ લોકોને ભેગા કરીને ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધ ખોટું બોલીને ચૂંટણી ન લડી શકાય, ના ચૂંટણી જીતી શકાય તેમ જણાવી કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પરંતુ એ (કેજરીવાલ) ચૂંટણી લડવા અને જીતવાની ઈચ્છાથી આવ્યા જ નથી, કેમ કે મોદીની સામે ચૂંટણી લડીને શી હાલત થાય છે એ બનારસમાં અનુભવી ચૂક્યા છે, હવે ગુજરાતમાં પછડાટ ખાવા આવ્યા છે.
2014ની ચૂંટણીમાં એ ભાઈ (કેજરીવાલ) કાશી ગયા હતા, ત્યારે કાશીના લોકોએ બતાવી દીધું કે જનપ્રિય લોકસેવક કોણ છે. હવે એ ગુજરાત આવ્યા છે, ખોટી વાતો ફેલાવવા. જે ચૂંટણીની રમત કરવા આવ્યા છે તેમને કહેવા માગું છું કે, અહીં વંદે ભારત અને મેટ્રો ટ્રેનની સુવિધા શરૂ થઈ શકે છે, અને તમે દિલ્હીમાં ડીટીસીની બસ ખરીદવામાં કૌભાંડ કરો છો.
જે સપનાના સોદાગર દિલ્હીથી આવે છે તેમને કહેવા માગું છું, ગરીબ મહિલાઓ સામે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે ઘરમાં પીવાનું સ્વચ્છ પાણી કેવી રીતે લાવવું. નર્મદાનું આંદોલન ચાલતું હતું. નરેન્દ્ર મોદીએ સંઘર્ષ કર્યો, ઉપવાસ કર્યા જેથી દરેક ઘરે પીવાનું પાણી પહોંચે અને દરેક પરિવારને જળ-સુરક્ષા આપી શકાય. દિલ્હીથી આવતા લોકોને કહેવા માગું છું કે તમે એવા લોકોને માળા પહેરાવી જે ગુજરાતીઓને પાણીથી વંચિત રાખવા માગતા હતા.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, નવરાત્રી નિમિત્તે આજે માતા પાસે કશું માગું તો એવું માગીશ કે જેમણે ગુજરાતને પાણીથી વંચિત રાખવાનું કાવતરું કર્યું હતું તેમને સજા મળે.
જળજીવન મિશન હેઠળ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં 10 કરોડ પરિવારને જીવનમાં પહેલી વખત નળ અને નળથી જળ મળ્યું છે. પણ જે લોકો દિલ્હીથી ચૂંટણી-ચૂંટણી રમવા આવ્યા છે તેમના દિલ્હીમાં 690 ઝૂંપડપટ્ટી છે, દિલ્હીમાં કેજરીવાલની સરકાર આઠ વર્ષથી છે અને એ 690 ઝૂંપડીમાં આજ સુધી ગરીબને પીવાનું પાણી પણ નથી આપ્યું.
ગુજરાતના એ લોકોને હું કહેવા માગું છું કે જે રાજકીય પક્ષ નાણાના આધારે તમને તેમની સાથે જોડવા માગે છે એમને પૂછો તો ખરા કે આ પૈસા આવ્યા ક્યાંથી?
ગુજરાતની મહિલાઓએ દિલ્હીના એ મુખ્યપ્રધાનને પૂછવું જોઈએ કે શું દિલ્હીમાં તેમણે શરાબની 850 દુકાનો ખોલવાનું પાપ કર્યું છે કે નહીં? ભાજપની સરકાર બહેનોને દૂધ આપે છે અને કેજરીવાલ દિલ્હીની મહિલાઓ માટે પિંક ઠેકો ચલાવે છે.
એવા વિશ્વાસ સાથે આજે હું અહીં આવી છું કે ગુજરાત સરકારે મહિલાઓ માટે જે કંઈ કર્યું છે તેની જાણકારી તમે બધા રાજ્યની દરેક મહિલા સુધી પહોંચાડશો. સી.આર. પાટીલે, ગોર્ધનભાઈએ, દર્શનાબેને ભારત સરકારની વિવિધ યોજનાઓ વિશે વાત કરી, પરંતુ આજે હું બે સરકાર વચ્ચે, બે રાજકીય પક્ષની કામગીરી વચ્ચે શો તફાવત છે તેના આંકડા લઇને અહીં આવી છું.
એક તરફ વંદે ભારત, મેટ્રો ટ્રેન, દૂધ સંજીવની યોજના, જળજીવન મિશન છે તો બીજી તરફ વાતો સિવાય કંઈ નથી, તેમ જણાવી સ્મૃતિ ઈરાનીએ ઉપસ્થિત મહિલાઓને કેજરીવાલનો એ વાયરલ વીડિયો જોવા જણાવ્યું જેમાં તેમને દિલ્હીની સ્કૂલ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે કેજરીવાલ બેઠક છોડીને ભાગી ગયા હતા.
અંધેરે લે કર વો ગુજરાત આયે હૈ, લેકિન વહ કાન ખોલ કર સુન લે કી ગુજરાત મેં વિકાસ કા પ્રકાશ ઇતના જ્યાદા હૈ કી ઉનકી આંખે બંદ હો જાએગી લેકિન ચૂનાવ મેં યહ બહેને કમલ કા બટન હી દબાએગી, ઔર એક બાર ફિર ગુજરાત મેં ભારતીય જનતા પાર્ટી કી સરકાર બનાયેગી.
જે વ્યક્તિ પોતાના વિધાનસભા ક્ષેત્રની સ્કૂલોને નાણા નથી આપી શક્યા, સ્કૂલની મુલાકાત નથી લીધી તેમણે દારુ કેવી રીતે પીવો તેની સ્કૂલ ખોલવાની નીતિ બનાવી હતી.
ગુજરાત ભાજપની મહિલાઓને હું એ કહેવા આવી છું કે આ લોકોએ (કેજરીવાલ સરકારે) જેટલાં કૌભાંડ કર્યા છે તેની વાત આપણે ગુજરાતમાં ઘરે ઘરે પહોંચાડવાની છે. એમણે જેટલા પાપ કર્યા છે તેની માહિતી આપણે ઘરેઘરે જઇને આપીશું.
તેમણે આક્રોશ સાથે જણાવ્યું કે, રાજકારણમાં ગમે તેટલો વિરોધ હોય એ યોગ્ય છે, પરંતુ આમ આદમી પાર્ટીએ બાના (હીરાબાના) ફોટા સાથે પણ ચેડાં કર્યા છે. બા રાજકારણમાં નથી, એમનો દીકરો પ્રધાન સેવક છે એમાં બાએ કોઈ પાપ નથી કર્યું. હું બહેનોને પૂછવા માગું છું કે હીરાબાનું અપમાન આપણે સહન કરીશું?
હું કેજરીવાલજીને કહેવા માગું છું, તમારા નેતાઓએ નરેન્દ્રભાઈની માતાને આમ આદમી પાર્ટીના ગંદા રાજકારણમાં ઢસડ્યા અને તેમનું અપમાન કર્યું. ગુજરાતી મહિલાઓ આ સહન નહીં કરે અને ઈંટનો જવાબ મર્યાદાના પથ્થરથી આપશે.
અમને ખબર છે નરેન્દ્રભાઈ કેટલા લોકપ્રિય છે, અમને ખબર છે નરેન્દ્રભાઈ કેટલા કર્મઠ છે. અમને ખબર છે નરેન્દ્રભાઈ એક પણ દિવસ ઘરે બેસી રહ્યા નથી. આ માણસ દિવસ-રાત જનતાની વચ્ચે રહીને કામ કરે છે. અને અમારા ભાઈની ઉપર કોઈ આક્ષેપ કરે, અમારા ભાઈની માતાનું કોઈ અપમાન કરે તો આપણે કઈ રીતે જવાબ આપીશું? એક એક ઘરે જઇને, ગુજરાતની એક એક બહેનને, એક એક દીકરીને આપણે જોડીને એમની સાથે વાત કરીએ. તેમને કહીએ કે અમે નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી અહીં સુધી પહોંચ્યા છીએ. વિકાસના આશીર્વાદ તમને મળે એ સંદેશો લઇને અમે ઘરે ઘરે આવ્યા છીએ.
સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીનું પણ નામ લીધા વિના તેમના પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, જે લોકો ભારત જોડો યાત્રાએ નીકળ્યા છે એ એમનો જ પક્ષ તોડે છે અને વળી એ યાત્રા દરેક જગ્યાએ લઈ જાય છે પણ ગુજરાત નથી આવવાના. પણ જ્યારે આવે ત્યારે પૂછજો કે તમે નીકળ્યા ત્યારે એ વ્યક્તિની પીઠ થપથપાવી હતી જેણે કેરળમાં ગૌમાતાની હત્યા કરી હતી, જ્યારે આવે તો પૂછજો કે તમે યાત્રા દરમિયાન એવી સભામાં બેઠા હતા જ્યાં ભારતમાતાનું અપમાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડફિયાએ પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાજપની મહિલા કાર્યકરો તેમજ નેતાઓને માર્ગદર્શન આપ્યું હતું.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- રાજ્યના શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને રાહત
- જળ રમત-ગમત, નૌકાવિહાર પુનઃ શરુ થશે; ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન નિયમો 2024ને મુખ્યમંત્રીની મંજૂરી
- સક્રિય સદસ્યતા અભિયાન પ્રવેશોત્સવ પછી ગુણોત્સવ માટેનો અવસર છે: ભરત પંડ્યા
- વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે
- નાણાકિય શિસ્ત જાળવનાર રાજ્યોને ફાયનાન્સ કમિશન તરફથી શિરપાવ મળવો જોઇએ: મુખ્યમંત્રી
- વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન સાચેઝ આગામી 28 ઓક્ટોબરે લેશે વડોદરા શહેરની મુલાકાત
- ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતી ફિલ્મોનું નિર્માણ થવું જોઈએ: મુખ્યમંત્રી