સિસોદિયા સીબીઆઈ ઑફિસની બહાર આવીને કોણે મોકલાવેલી ચિઠ્ઠી વાંચતા હતા?

નવી દિલ્હીઃ  એક્સાઇઝ નીતિના કેસમાં સીબીઆઈ સોમવારે પૂછપરછ બાદ સીબીઆઈની ઑફિસમાંથી રાત્રે બહાર આવેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક ચિઠ્ઠીમાં જોઇને નિવેદન આપતા હતા.

સિસોદિયા દ્વારા કાગળમાં જોઇને આવું નિવેદન આપવા અંગે ઘણા પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યા છે. અનેક નેટિઝન્સ ઉપરાંત દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ પણ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે સીબીઆઈના અધિકારીઓએ શેની પૂછપરછ કરી, અથવા સીબીઆઈની ઑફિસમાં આખો દિવસ શું થયું એ કહેવા માટે સિસોદિયાને કાગળમાં લખેલી વાતોની શા માટે જરૂર પડી?

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કેજરીવાલે આમ આદમી પાર્ટીના નેતા આતિશીની સાથે કોઈ ચિઠ્ઠી મોકલી હતી જે સિસોદિયાને આપવામાં આવી અને સિસોદિયાએ એમાં વાંચીને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું.

સિસોદિયાએ સોમવારે રાત્રે સીબીઆઈ ઑફિસમાંથી નીકળ્યા પછી એવું નિવેદન આપ્યું હતું કે, તેમના ઉપર સીબીઆઈ દ્વારા આમ આદમી પાર્ટી છોડી દેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. સિસોદિયાએ એવો પણ દાવો કર્યો હતો કે સીબીઆઈ ઑફિસમાં તેમને એવું કહેવામાં આવ્યું કે તે આપ- પાર્ટી છોડી દે તો તેમને મુખ્યપ્રધાન બનાવવામાં આવશે.

જોકે, સીબીઆઈ દ્વારા તરત જ આવા નિરાધાર આક્ષેપોનું ખંડન કરવામાં આવ્યું હતું. એજન્સી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સીબીઆઈ ઑફિસમાં સિસોદિયાને માત્ર એક્સાઇઝ કૌભાંડ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સીબીઆઈ દ્વારા કોઈ રાજકીય બાબતમાં દખલગીરી કરવામાં આવતી નથી.

દરમિયાન, દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ મંગળવારે સવારે એક પત્રકાર પરિષદ યોજીને સિસોદિયાને પડકાર ફેંક્યો હતો કે તેમણે સીબીઆઈ ઉપર કરેલા આક્ષેપો અંગે માફી માગી લેવી જોઇએ અથવા લાઈ ડિટેક્ટર ટેસ્ટ આપવાની તૈયારી બતાવવી જોઇએ. કપિલ મિશ્રાએ સિસોદિયાને મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં નિર્ણય કરવાની મહેતલ આપી છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો