ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પ્રથમ વખત ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સ્વાગત કરાયું
October 21, 2022
અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે આજે પ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. વિદ્યાપીઠ દ્વારા રાજ્યપાલશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ગૂજરાત વિદ્યાપીઠ સંચાલક મંડળનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિશ્વશાંતિ માટે ગાંધી જીવન-દર્શનને જન-જન સુધી પહોંચાડવું આજે અત્યંત જરૂરી છે.
રાજ્યપાલશ્રીએ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે આજે વિદ્યાપીઠની પ્રથમ મુલાકાત સમયે મહાત્મા ગાંધી દ્વારા વર્ષ 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં સેવક તરીકે જોડાઈને સેવા કરવાનો અવસર મળવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એકતાના સૂત્રથી બંધાઈને પરિવારભાવ સાથે મહાત્મા ગાંધીજીના ચિંતનને સાકાર કરવા સૌ સાથે મળીને શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠ ગાંધી જીવનદર્શનને પામવાનું – શીખવાનું પરમ તીર્થ છે. તેમણે જણાવ્યું હતું કે, વ્યક્તિગતરૂપે તેઓ જીવનમાં બે મહાપુરુષોથી પ્રભાવિત છે. એક મહર્ષિ દયાનંદ સરસ્વતી અને બીજા મહાત્મા ગાંધીજી, જેમણે ગુજરાતની પાવન ધરતી પર જન્મ લઈ વિશ્વકલ્યાણ માટે સ્વાર્પણ કર્યું હતું.
આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પસંદગી બદલ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે મહાત્મા ગાંધીજી જીવનપર્યંત રહ્યા, ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ, શ્રી નારાયણભાઈ દેસાઈથી લઈને શ્રી ઈલાબહેન ભટ્ટ જેવા મહાન વ્યક્તિઓ અને ચિંતકોએ ગાંધીવિચારને જન જન સુધી પહોંચાડવા ભગીરથ પુરુષાર્થ કર્યો, એ પદ પર કાર્ય કરીને ગૂજરાત વિદ્યાપીઠની આ પરંપરાને વધુ મજબૂતીથી આગળ ધપાવીશું.
નવનિયુક્ત કુલપતિએ ગાંધી જીવન-દર્શનને સર્વકાલીન ગણાવી ઉમેર્યું હતું કે સૃષ્ટિની રચનાથી લઈને સૃષ્ટિના અસ્તિત્વ સુધી આ સિદ્ધાંતો વિના દુનિયાને ચાલવાનું નથી. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય વગેરે જેવા ગાંધીજીના આદર્શોથી જ વિશ્વશાંતિની સ્થાપના થઈ શકે. તેમણે જણાવ્યું હતું કે મન, વચન અને કર્મ દ્વારા ગાંધીજીના આદર્શોને આત્મસાત્ કરીને રાષ્ટ્રનિર્માણ માટે કાર્યકર્તાઓ તૈયાર કરવાના ધ્યેયને સિદ્ધ કરવા સૌ પુરુષાર્થ કરીએ.
રાજ્યપાલે મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના સિદ્ધાંતને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પાયારૂપ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીના સપનાના ગ્રામોદય દ્વારા જ ભારત દેશ વિશ્વમાં અગ્રેસર બની શકશે. તેમણે ખાદી માત્ર વસ્ત્ર નહિ, પરંતુ જીવન-દર્શન છે, એમ જણાવી ઉમેર્યું હતું કે પાંચમા ધોરણમાં અભ્યાસ પછી તેમણે ખાદીનાં વસ્ત્રો સિવાય કોઈ અન્ય વસ્ત્રો પહેર્યાં નથી. ગાંધી જીવન-દર્શનને આત્મસાત કરીને તેમણે અપનાવેલા પ્રાકૃતિક કૃષિ અને પ્રાકૃતિક ચિકિત્સાના સ્વાનુભવને રજૂ કર્યા હતા.
રાજ્યપાલશ્રીએ ગાંધીજીના આદર્શો અનુસાર કાર્યકર્તાઓના ઘડતર માટેના ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેયને સાકાર કરવા સૌ સાથે મળીને પુરુષાર્થ કરીએ એમ જણાવી કુલપતિ પદે પોતાની પસંદગી કરવા બદલ સંચાલક મંડળનો હાર્દિક આભાર માન્યો હતો. તેમણે વિદ્યાપીઠના ગ્રંથાલય, ઉદ્યોગભવન, આદિવાસી સંશોધન કેન્દ્ર, બાઇબલ ખંડ, મૌન ખંડ વગેરે સંકુલોની મુલાકાત લઈ ઝીણવટભરી માહિતી મેળવી હતી.
આ પ્રસંગે વિદ્યાપીઠના કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખિમાણીએ રાજ્યપાલશ્રીને ગૂજરાત વિદ્યાપીઠ વતી સ્વાગત કરી આવકાર્યા હતા, જ્યારે કાર્યકારી કુલસચિવ ડૉ. નિખિલ ભટ્ટે આભાર વ્યક્ત કર્યો હતો.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે