કેજરીવાલ દ્વારા પરાળી નાબૂદી માટેનો ખર્ચ ત્રણ લાખ, એની જાહેરાત પાછળનો ખર્ચ 7.5 કરોડ

નવી દિલ્હીઃ  અરવિંદ કેજરીવાલ તેમના દરેકે દરેક કાર્યક્રમો તેમજ યોજનાઓ અંગે ખોટું બોલવામાં સતત પકડાતા રહે છે. દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દે ફરી તેમનું જૂઠ પકડાયું છે.

એક તરફ કેજરીવાલ સરકારે પ્રદૂષણના નામે દિવાળીમાં એક દિવસ ફોડવામાં આવતા ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ફોડવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે એટલું જ નહીં પરંતુ ઉલ્લંઘન કરનારને છ મહિનાથી લઇને ત્રણ વર્ષ સુધીની કેદ અને રૂપિયા 200થી લઇને રૂપિયા 5000ના દંડ સુધીની જોગવાઈ કરી છે, પરાળીથી થતા પ્રદૂષણને અટકાવવા માટે પગલાં લેવામાં આમ આદમી પાર્ટીની દિલ્હી અને પંજાબની સરકારો સદંતર નિષ્ફળ ગઈ છે.

કેજરીવાલ દ્વારા ફટાકડા ઉપર પ્રતિબંધ લદાતા જાગેલા વિવાદને પગલે ભાજપના નેતાઓ ઉપરાંત અન્ય સામાજિક આગેવાનો આપ- પાર્ટીની સરકારની પરાળી અંગેની નીતિ બાબતે પ્રશ્ન કરી રહ્યા છે.

મેજર સુરેન્દ્ર પૂનિઆ તથા તજિન્દરપાલ સિંહ બગ્ગાએ આ સંદર્ભમાં આરટીઆઈનો એક જવાબ વાયરલ કરીને કેજરીવાલ પ્રત્યે સખત નારાજગી વ્યક્ત કરી છે.

આરટીઆઈના જવાબ મુજબ કેજરીવાલે દિલ્હીમાં પરાળીની કુદરતી નાબુદી માટે એક રસાયણના વિતરણ પાછળ એક વર્ષમાં માત્ર ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ તેની સામે આ કાર્યક્રમનો પ્રચાર કરવા માટે ટીવી અને અખબારોમાં 7.47 કરોડ કરતાં વધુ રકમની જાહેરખબરો આપી દીધી છે.

આ આરટીઆઈ મુજબ વર્ષ 2021-22માં દિલ્હીમાં 645 ખેડૂતોને પરાળી કુદરતી રીતે નષ્ટ કરવા માટે રસાયણ આપવામાં આવ્યું. એ માટે 3.4 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. એ જ આરટીઆઈમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હીમાં માત્ર દિલ્હીના ખેડૂતો દ્વારા સળગાવવામાં આવતી પરાળીને કારણે નહીં પરંતુ આસપાસના રાજ્યોના ખેડૂતોને કારણે પણ પ્રદૂષણ થાય છે અને તેથી અન્ય રાજ્યોમાં પ્રચાર-પ્રસાર કરવો જરૂરી હતો અને એ માટે વર્ષ દરમિયાન 7,47,26,088 નો (સાત કરોડ સુડતાળીસ લાખ છવ્વીસ હજાર ઈઠ્યાસી રૂપિયા) ખર્ચ કરવામાં આવ્યો.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો