ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં નશીલા પદાર્થોનો રૂ. 1864 કરોડનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો

ગાંધીનગરઃ  ગુજરાત સહિત પશ્ચિમ ભારતનાં રાજ્યોમાં છેલ્લા થોડા મહિના દરમિયાન પકડાયેલા નશીલા પદાર્થોના રૂપિયા 1864 કરોડના જથ્થાનો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતના અંકલેશ્વરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) તથા ગુજરાત પોલીસ દ્વારા આ નશીલા પદાર્થોનો જથ્થો નષ્ટ કરવાની પ્રક્રિયા બાદ ગાંધીનગરમાં આ અંગે યોજાયેલી એક બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાને નશીલા પદાર્થોની દાણચોરીને રાષ્ટ્રીય સમસ્યા ગણાવી હતી અને તેને નિયંત્રણમાં લેવા માટે વિવિધ રાજ્ય સરકારોની વિવિધ એજન્સીઓ વચ્ચે યોગ્ય સંકલનની હાકલ કરી હતી.

દેશમાંથી નશીલા પદાર્થોના દૂષણને નાબુદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોના વખાણ કરીને અમિતભાઈ શાહે કહ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન 75,000 કિલો નશીલા પદાર્થો નષ્ટ કરવાના લક્ષ્યાંક સામે એનસીબીએ અત્યાર સુધીમાં 1,50,000 કિલો જથ્થો નષ્ટ કરી દીધો છે.

કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું કે, આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે 75 અઠવાડિયામાં 75,000 કિલો નશીલા પદાર્થો નષ્ટ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. 12 માર્ચ, 2021થી શરૂ થયેલો આ સમય 15 ઑગસ્ટ, 2023ના રોજ પૂરો થશે, પરંતુ નિર્ધારિત સમયગાળાના ઘણા સમય પહેલાં જ અદાલતો પાસેથી યોગ્ય આદેશો મેળવીને 1.5 લાખ કિલો નશીલા પદાર્થો નષ્ટ કરી દેવામાં આવ્યા છે.

ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યોરિટી વિષય પરની બેઠકને સંબોધતા અમિત શાહે મહારાષ્ટ્ર અને ગોવાની પોલીસને નશીલા પદાર્થોની દાણચોરી અટકાવવા માટે પ્રયાસો સઘન બનાવવા જણાવ્યું હતું. ઑનલાઇન અને ઑફલાઇન બંને મોડમાં યોજાયેલી આ બેઠકમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાનના મુખ્યપ્રધાનો, વરિષ્ઠ અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો.

ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, 2006થી 2013ના ગાળામાં દેશમાં રૂપિયા 768 કરોડની કિંમતનો 1.52 લાખ કિલો નશીલા પદાર્થોનો જથ્થો પકડવામાં આવ્યો હતો, તેની સામે 2014થી 2022 સુધીમાં રૂપિયા 20,000 કરોડની કિંમતનો 3.33 લાખ કિલો જથ્થો પકડવામાં આવ્યો છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો