ગુજરાતમાં લાભ પાંચમે એક જ દિવસમાં ૧૩ હજારથી વધુ યુવાઓને મળ્યા રોજગાર અવસરો

—  પંચાયત સેવાના ૧૨ સંવર્ગમાં નવનિયુકત પ૭૦૦ યુવા ઉમેદવારોને નિમણૂક પત્રો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત થયા

—  પોલીસ દળમાં નિમણુંક માટે પસંદ થયેલા કુલ ૮૪પ૩ લોકરક્ષક પી.એસ.આઇ ને પસંદગી પત્રો-સિલેક્શન લેટર અર્પણ

—  વડાપ્રધાનશ્રીએ વિડીયો સંદેશ દ્વારા યુવાશક્તિને પ્રોત્સાહિત કરી

ગાંધીનગરઃ   મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લાભ પાંચમના અવસરને રાજ્યના ૧૩ હજાર જેટલા યુવાઓ માટે રોજગાર અવસર બનાવતાં પંચાયત સેવામાં ૧ર સંવર્ગમાં નવનિયુકત પ૭૦૦ યુવાઓને નિમણૂક પત્રો અને પોલીસ દળમાં નિમણૂક માટે પસંદગી પામેલા ૮ હજાર યુવાઓને પસંદગી પત્રો અર્પણ કર્યા હતા.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ યુવાશક્તિને ટિમ ગુજરાતમાં જોડાઇને છેવાડાના અંતરિયાળ લોકોના વિકાસ અને સેવા માટે કર્તવ્યરત રહેવાની પ્રેરણા વિડીઓ સંદેશ દ્વારા આપી હતી. તેમણે એક જ દિવસમાં રાજ્યના ૧૩ હજાર જેટલા યુવાઓને રોજગારીની તકો પૂરી પાડવાના આ સફળ આયામ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાને જણાવ્યું કે, ધનતેરસના દિવસે રાષ્ટ્રવ્યાપી રોજગાર મેળા દ્વારા હજારો યુવાઓને રોજગારી પત્રો આપવાની પરિપાટીએ ગુજરાતે દેશમાં અગ્રેસર રહિને લાભ પાંચમીએ ૧૩ હજાર યુવાઓને રોજગારીની તકો આપી છે તે કાબિલેદાદ છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના અમૃતકાળમાં સરકારી સેવામાં જોડાઇ રહેલા યુવાઓને સફળ કારકીર્દીની શુભેચ્છાઓ સાથે લોકસેવાના અવસરને ઝડપી લેવા પણ પ્રેરણા આપી હતી.

પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક-પત્રો એનાયત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, યુવાશક્તિના સામર્થ્યને યોગ્ય દિશામાં વિકસાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પારદર્શક અને અસરકારક કાર્યપ્રણાલી સ્થાપી ગુજરાતના વિકાસને વેગવાન બનાવ્યો છે. વડાપ્રધાનશ્રીના જ પદચિન્હો પર ચાલતાં રાજ્ય સરકારે આજે લાભ પાંચમીના દિવસે યુવાશક્તિનું નવું માનવબળ સરકારી સેવામાં જોડયું છે.

મુખ્યમંત્રીશ્રીએ માત્ર સાત મહિનામાં ભરતી-પ્રક્રિયા પૂરી કરવા બદલ પંચાયત વિભાગની કામગીરીને બિરદાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ રોજગાર વાંછુ યુવાઓ માટે વિઝન, એક્શન અને મિશનનો ત્રિપાંખીયો અભિગમ અપનાવ્યો છે અને તેમના દિશાનિર્દશનમાં ગુજરાતમાં પંચાયતી રાજના ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી ભરતી કરીને ૧૩ હજારથી વધુ કર્મયોગીઓને તક આપવાનું આયોજન રાજય સરકારે કર્યુ છે.

પસંદગી પામનાર સૌ ઉમેદવારોને ઉજ્જવળ ભવિષ્ય માટે તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી. તમામ ઉમેદવારોને ટીમ ગુજરાત તરીકે સરકારની જનકલ્યાણ યોજનાઓના સંવાહક બની તમામ જવાબદારીઓ સુપેરે પાર પાડવાનું આહવાન તેમણે કર્યુ હતું.
ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવામાં ગુજરાત પોલીસ વિભાગનો સિંહ ફાળો છે, તેમ પોલીસ સેવામાં પસંદગી પામેલા યુવાઓને પસંદગી પત્ર વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુરક્ષા- શાંતિ વગર કોઇપણ રાજય કે શહેરનો વિકાસ કરવો ખૂબ મુશ્કેલ છે. સુરક્ષા-શાંતિ જાળવી રાખવાનું કામ પોલીસ વિભાગ કરે છે. આ વિભાગમાં જીવનની કારર્કિદીની શરૂઆત થાય તે ખૂબ આનંદની વાત છે. ગુજરાતમાં શાંતિ-સલામતીનું વાતાવરણ ઉભું કરવા માટે દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજયની શાસનઘુરા સંભાળી તે સમયથી પોલીસને પ્રોત્સાહિત કરી અને ટેકનોલોજીથી સજ્જ કરી હતી.

આજે વિશ્વની નામાંકિત કંપનીઓ ગુજરાતમાં મૂડીરોકાણ કરવા ઇચ્છા વ્યક્ત કરી છે. આની પાછળ ગુજરાત પોલીસની આથાક મહેનતથી સ્થપાયેલ શાંતિ- સલામતી અને સુરક્ષાનું વાતાવરણ છે. પોલીસનું આ ગૌરવ વઘારવાની જવાબદારી સૌ પૂરી નિષ્ઠાથી અદા કરશે, તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો. આવનારા વર્ષોમાં ગુજરાત રાજયના પોલીસ વિભાગમાં ૩૦૦ પી.એસ.આઇ અને ૯૦૦૦ એલ.આર.ડી. ની ભરતી કરવામાં આવશે, તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગમાં વિવિઘ કક્ષાએ પસંદગી પામેલા ઉમેદવારોને અભિનંદન આપી જણાવ્યું હતું કે, આ ભરતી પ્રક્રિયા માટે રચવામાં આવેલા બોર્ડના ચેરમેનશ્રીઓના નામ બોલાય છે, ત્યારે સર્વે ઉમેદવારો જે આનંદ વ્યક્ત કરી રહ્યા છે. તે વાત જ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે થઇ હોવાની વાતને સમર્થન આપે છે.

ભરતી પ્રક્રિયા દરમ્યાન અનેક લોકો તેને બદનામ કરવાની કોશિષ કરતા હોય છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, આ ભરતી પ્રક્રિયા કરવા માટેનું બળ ગુજરાતની શાસનઘુરા સંભાળનાર રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આપ્યું છે. જેની ફલશ્રૃતિ રૂપે આજે આપ સૌ મહાન ગુજરાત પોલીસના એક ભાગ બની ગયા છો. આપને રાષ્ટ્ર-સમાજ સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

ગૃહ રાજય મંત્રીશ્રીએ પોલીસ જવાનો કોરોનાકાળ, કુદરતી – માનવ સર્જિત આપત્તિઓમાં પણ પોતાની ફરજ પુરી નિષ્ઠાથી બજાવે છે, તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આજે નિમણુંક માટે પસંદગી પામેલા નવયુવાનોને ફરજ પૂર્ણ કરી ઘરે જાય ત્યારે ૧૦૦૦ વ્યક્તિ સ્વાગત કરે તેવી ફરજ અદા કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.

શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ પંચાયત સેવામાં નવનિયુકત ઉમેદવારોને અભિનંદન આપતા કહ્યું કે, ગુજરાતની વિકાસ ગાથામાં નવનિયુક્ત યુવાનોનું અમૂલ્ય યોગદાન રહેશે. યુવાનોને સરકારી સેવાઓમાં જોડવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સતત ચિંતા કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે જેના પરીણામે આ શકય બન્યું છે.
મંત્રી શ્રી મેરજાએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે પંચાયત વિભાગ હસ્તકની વિવિધ સંવર્ગની પરીક્ષા પોલીસ સુરક્ષા અને સ્ટ્રોંગ રૂમની સઘન વ્યવસ્થા સાથે સંપૂર્ણ પારદર્શી રીતે યોજી હતી. તે અંતર્ગત પાંચ હજારથી વધુ યુવાઓને આજે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આ પસંદગી પામેલા ઉમેદવારોમાં ૭૦ ટકાથી વધુ મહિલાઓ છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રાએ સમગ્ર કાર્યક્રમની રુપરેખા આપતા કહ્યું કે, પંચાયત સેવા વર્ગ – 3 ની૧૭ સંવર્ગો માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે પૈકી ૧૫ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા પુર્ણ કરવામાં આવી છે અને વિવિધ ૧૨ સંવર્ગના પસંદગી પામેલા ૫,૭૬૩ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી નરેશભાઈ શાહે ભરતીની આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શીતા સાથે સમય મર્યાદામાં પૂર્ણ કરવા બદલ પંચાયત વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પોલીસના ડી.જી.પી. શ્રી આશિષ ભાટિયાએ સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને પારદર્શિક ભરતી પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવામાં આવી છે, તેની વિસ્તૃત વાત કરી હતી. આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન આપનાર સર્વે નો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો