થરાદમાં વડાપ્રધાનના હસ્તે જળ વ્યવસ્થાપનના 8034 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
October 31, 2022
— ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાનો સંકલ્પ
— મોરબી દુર્ઘટનાથી વ્યથિત બનેલા વડાપ્રધાનશ્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા રોડ શો અને સ્વાગત સહિતના કાર્યક્રમો રદ કર્યા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતેથી રૂ.8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરી હતી. મોરબીની દુર્ઘટનાથી વ્યથિત બનેલા વડાપ્રધાનશ્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા રોડ શો અને સ્વાગત સહિતના કાર્યક્રમો રદ કરી પ્રજા કલ્યાણના વિકાસ કામોનું સાદગીપૂર્ણ રીતે ખાતમૂર્હત કર્યુ હતું.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, ગુજરાત આજે શોકમાં ડૂબેલુ છે. દેશવાસીઓ પણ ખૂબ દુઃખી છે. મોરબીમાં બનેલી દુર્ઘટનામાં પોતાના પરિવારજનો, સ્વજનો, નાના ભૂલકાં ગુમાવ્યા છે એ પિડીત પરિવારજનો સાથે આપણી સૌની સંવેદનાઓ છે. મા અંબાની ધરતી પરથી લોકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, રાહત અને બચાવ કામમાં કોઈ કસર રાખવામાં નહિ આવે. ભૂપેન્દ્રભાઇ અને એમની સરકારના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ રાહત બચાવમાં જોડાયેલા છે. પ્રધાનમંત્રીશ્રીએ ભાવુકતા સાથે કહ્યું કે, પોતે દુવિધામાં હતા કે, થરાદ જવું કે નહીં પરંતુ લોક કલ્યાણના કામો હોઈ અને સેવાધર્મના સંસ્કારોથી બંધાયેલા હોઈ મન મજબૂત કરીને આવ્યો છું.
થરાદ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત માટે પાણી કેટલું મહત્વનું છે એમ જણાવતા વડાપ્રધાનશ્રીએ જળ પ્રકલ્પના આ 8000 કરોડના વિકાસકામોથી ઉત્તર ગુજરાતના 6 જિલ્લા અને 1000 કરતા વધારે ગામોમાં 2 લાખ હેકટર કરતા વધુ જમીનને સિંચાઇની સુવિધાનો લાભ મળવાનો છે. ગુજરાતની ખમીરવંતી પ્રજા મુસીબતોનો સામનો કરી પરસેવો પાડી પરિણામ મેળવવાનો પ્રયત્ન કરે છે, બનાસકાંઠા જિલ્લો એનું જીવંત સાક્ષી છે એમ ઉમેરી ખેતી, પશુપાલન, ડેરી, બાગાયત, સિંચાઇ સહિતની વિવિધ યોજનાથી બનાસકાંઠાનો વિકાસ થઈ રહ્યો હોવાનું જણાવી ખેડૂતોને સમૃદ્ધ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી હોવાનું ઉમેર્યુ હતું. “કિસાન સન્માન નિધિ” “વનધન યોજના” ખેડૂતોને બેન્ક લોન સહિતની યોજનાઓથી ખેડૂતોની આર્થિક સધ્ધરતા વધે એવા પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે એમ જણાવી ખાતરના ભાવોની અસમાનતાથી મૂંઝવણમાં રહેતા ખેડૂતોની મૂંઝવણના અંત માટે તેમજ ખેડૂતોનો પાક પીળો ન પડી જાય એ માટે હવેથી ફર્ટિલાઈઝર ભારત ના નામે આપવામાં આવશે અને ખાતરની જે બોરી 2000 રૂપિયાથી વધુ કિંમતની છે એ 260 રૂપિયામાં ખેડૂતોને આપવામાં આવશે એમ કહ્યું હતું. બનાસકાંઠા પશુપાલન આધારિત જિલ્લો છે ત્યારે દૂધની સાથે સાથે પશુઓના ગોબરમાંથી પણ ખેડૂતો પશુપાલકો કમાઈ કરી શકે એ માટે “ગોબર ધન” યોજના અમલી બનાવવામાં આવશે એમ જણાવી સાત્વિક ખાતર અને પ્રાકૃતિક ખેતી પર ભાર મુકવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
બનાસકાંઠાના નડાબેટમાં સીમા દર્શનથી સરહદના ગામોને કેવી રીતે જીવંત કરી શકાય એનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.” વાઇબ્રન્ટ બોર્ડર વિલેજ” યોજનાથી આવા ગામોને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનો સંકલ્પ વ્યક્ત કરતા જિલ્લવાસીઓને ભુજના” શહીદ સ્મૃતિ વન”ની એકવાર મુલાકાત કરી ભૂકંપમાં માર્યા ગયેલા શહીદો પરિવારજનોને સાંત્વના પાઠવવા સંવેદના સાથે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીશ્રીએ ઉત્તર ગુજરાત પ્રત્યે વિશેષ સંવેદના હોવાનું જણાવવાની સાથે બનાસકાંઠાને વંદન કરવાનું મન થાય છે એમ જણાવી ટપક સિંચાઈ અને સૂક્ષ્મ સિંચાઈમાં બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે જેનું ગૌરવ હોવાનું જણાવ્યું હતું. બનાસકાંઠા વિકાસની નવી ગાથા લખી રહ્યું છે એમ જણાવતાં જિલ્લાના ઊંચાઈવાળા ભૌગોલિક વિસ્તાર એવા વાવ, સૂઇગામ, કાંકરેજ સહિતના વિસ્તારમાં માં નર્મદા મૈયાના નીર પહોંચાડવામાં આવશે, મુક્તેશ્વર ડેમ અને કરમાવત જેવા તળાવો ભરવામાં આવશે જેથી આ વિસ્તારોની પાણીની સમસ્યા કાયમી દૂર થશે એવું ભારપૂર્વક તેમણે જણાવ્યું હતું.
પહેલાં ગુજરાતમાં સાઇકલ પણ બનતી ન હતી હવે વિમાન બને છે, ગુજરાતના વિકાસને રોકાવા ન દેતા એમ જણાવતાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ થકી ભારતના વિકાસ માટે ગુજરાતને વિકસીત કરવા આહવાન કર્યું હતું.
પ્રધાનમંત્રીશ્રીએ આ પ્રસંગે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે કોંગ્રેસે અખબારોમાં જાહેરાત આપે છે પણ સરદાર સાહેબનો ફોટો નહિ, સરદાર સાહેબનું નામ નહિ, તમે સરદાર સાહેબને તો જોડો પછી દેશ જોડવાનું કામ કરજો એમ જણાવતાં ગુજરાત સરદાર સાહેબનું આવું અપમાન કયારેય સહન નહિ કરે એમ જણાવી સરદાર પટેલના રસ્તે, સરદાર પટેલના આશીર્વાદથી ગુજરાતને વિકાસની દિશામાં આગળ લઈ જવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે, આજે વડાપ્રધાનશ્રીએ ૮૦૦૦ કરોડથી વધુ રકમની પાણીની યોજનાઓ ભેટ આપીને ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાની દિશામાં સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું કે ૧૯૯૦ના દાયકામાં ભૂગર્ભ જળ ઉંડા હતા જે આજે ૬ થી ૮ ફૂટ જેટલાં પાણીના તળ ઉંચા આવ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં બે દાયકા પહેલાં ૩ લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી હતી આજે ૧૩ લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે. શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપનના લીધે આજે રાજ્યમાં ૭૨ લાખ હેક્ટરમાં વિસ્તારમાં સિંચાઇ થાય છે. સૂકા ભઠ્ઠ બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય આ સરકારે કર્યુ છે. તેમણે કહ્યું કે, આજે જે પાણી યોજનાઓની ભેટ વડાપ્રધાનશ્રીએ આપી છે તેનાં થકી ગુજરાત આત્મનિર્ભર બનશે અને આત્મનિર્ભર ગુજરાત થકી જ આત્મનિર્ભર ભારતનું નિર્માણ થશે.
ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો
કસરા–દાંતીવાડા પાઇપલાઈન
- નર્મદા મુખ્ય નહેરમાંથી કસરા (તા. હારીજ, જી. પાટણ) થી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન.
- બનાસકાંઠાના 74 અને પાટણના 32 ગામોના કુલ 7500 હેક્ટર વિસ્તારને લાભ મળશે – અંદાજીત લાભાર્થી – 4200 ખેડૂત.
- અંદાજિત ખર્ચ રૂ. 1566 કરોડ
ડીંડરોલ – મુક્તેશ્વર પાઇપલાઈન
- ડીંડરોલ (તા. સિધ્ધ્પુર, જી. પાટણ) થી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન.
- બનાસકાંઠાના 25 અને પાટણના 5 ગામોના કુલ 3000 હેક્ટર વિસ્તારમાં લાભ – કુલ અંદાજીત લાભાર્થી 1700 ખેડૂત
- અંદાજિત ખર્ચ રૂ. 191 કરોડ
સુઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરી
- બનાસકાંઠામાં 22 ગામોના પિયત વિસ્તારને સિંચાઇ સુવિધા પુરી પાડવા માટે નવી ડિસ્ટ્રિબ્યુટરી બનાવવાની યોજના.
- ડિસ્ટ્રિબ્યુટરીની લંબાઈ 34 કિમી.
- 14700 હેક્ટર વિસ્તારમાં ફાયદો – અંદાજીત લાભાર્થી 7500 ખેડૂત.
- અંદાજિત ખર્ચ: રૂ. 88 કરોડ
કાંકરેજ દિયોદર અને પાટણ માટે પાણી પુરવઠાની યોજના
- અહીં સંગ્રહ ક્ષમતા વધારવાના કાર્યો કરવામાં આવશે.
- 100 ગામડાઓને ફાયદો મળશે – અંદાજીત લાભાર્થી 3.02 લાખ
- અંદાજિત ખર્ચ : રૂ. 13 કરોડ
રૂ. 6000 કરોડથી વધુના ખર્ચે અન્ય વિકાસકાર્યોની જાહેરાત
સુજલામ સુફલામ નહેર સુધારણાના કામો
- કડાણા બંધથી બનાસકાંઠા જિલ્લાના રાહ ગામ સુધી 332 કિમી લાંબી નહરેનું નિર્માણ કરવામાં આવશે. 2000 ક્યુસેક સુધીની વહનક્ષમતાના લીધે પાણીને સરળતાથી દૂર સુધી પહોંચાડી શકાશે.
- નહેર તેમજ સ્ટ્રકચર્સ સુધારણા નો અંદાજીત ખર્ચ : રૂ. 1500 કરોડ.
- લાભ : 1111 તળાવો અને 3.7 લાખ એકર વિસ્તાર, 661 ગામો– અંદાજીત લાભાર્થી 1.25 લાખ ખેડૂત.
અટલ ભૂજલ યોજના તથા ભૂગર્ભ રિચાર્જ અને વેસ્ટ વોટર રીયુઝ ની કામગીરી
- 6 જિલ્લાના 2000 ગામડાઓમાં વેસ્ટ વોટર રિયુઝ, ચેકડેમ ઉંડા તેમજ રિપેર કરવાની કામગીરી, તળાવો, ટ્યૂબવેલ વગેરેના કામો 6 જિલ્લાના 2000 ગામડાઓમાં શરૂ કરવામાં આવશે. તેનાથી 50,000 હેક્ટર વિસ્તારોને પરોક્ષ લાભ મળશે.
- કુલ રૂ. 1100 કરોડના કામો, ફાયદો પ્રાપ્ત કરનાર વિસ્તાર – 1,10,000 હેક્ટર, અંદાજીત લાભાર્થી -65,000 ખેડૂત.
સાબરમતી નદી પર 4 નવા બેરેજ નું બાંધકામ
- 14000 હેક્ટર વિસ્તારને ફાયદો– અંદાજીત લાભાર્થી 10,000 ખેડૂત.
- મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જીલ્લાના 5 તાલુકાના 39 ગામોને લાભ.
- અંદાજિત ખર્ચ : રૂ. 1૦૦૦ કરોડ.
ધરોઇ, વાત્રક ,મેશ્વો અને હાથમતી જળાશય આધારીત ઉદ્વવહન સિંચાઈ યોજનાઓ
- વાત્રક જળાશયમાંથી ઉદ્વહન દ્વારા માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાના તળાવો ભરવાની કામગીરી.
- 7 તાલુકાના 182 તળાવોમાં કામગીરી થશે, અંદાજિત કિંમત રૂ. 700 કરોડ.
- 6150 હેક્ટર વિસ્તારને સિંચાઈ નો લાભ મળશે – કુલ લાભાર્થી 11,000 ખેડૂત.
હયાત અને નવીન પાઈપ લાઈન દ્વારા તળાવ જોડાણના કામો
- અંદાજિત કિંમત રૂ. 625 કરોડ.
- ધાનેરા, દિયોદર અને ચાણસ્મા તાલુકાના 99 તળાવોને ફાયદો થશે.
- 10,000 હેક્ટર વિસ્તારને લાભ–અંદાજીત લાભાર્થી –5000 ખેડૂત
મોઢેરા મોટીદાઉ પાઈપલાઈનને મુક્તેશ્વર – કર્માવત તળાવ સુધી લંબાવવાની કામગીરી
- મહેસાણાના 33 અને બનાસકાંઠા જિલ્લાના 64 ગામોના કુલ 6000 હેક્ટર વિસ્તારને ફાયદો થશે – અંદાજીત લાભાર્થી – 4૦૦૦ ખેડૂત.
- મુખ્ય પાઈપલાઈનની લંબાઈ 65 કિ.મી.,વહન ક્ષમતા 200 ક્યુસેક.
- અંદાજિત ખર્ચ રૂ. 550 કરોડ.
ખારી રૂપેણ પુષ્પાવતી અને અન્ય નદી પરના મોટા ચેકડેમની કામગીરી
- ખારી નદી પર કુલ 3, પુષ્પાવતી નદી પર કુલ 13, રૂપેણ નદી પર કુલ 18, મેશ્વો નદી પર 12 અને દાતા અને અમીરગઢ તાલુકામાં 10 મોટા ચેકડેમની કામગીરી– કુલ 56 ચેકડેમ.
- કુલ કિંમત – રૂ. 430 કરોડ
- 5૦૦૦ હેક્ટર વિસ્તારને ફાયદો થશે – કુલ અંદાજીત લાભાર્થી 9૦૦૦ ખેડૂત.
બાલારામ નાની સિંચાઈ યોજનાથી મલાણા અને અન્ય ૩૧ ગામના તળાવો ભરવાની યોજના
- કુલ કિંમત – રૂ.145 કરોડ.
- 3400 હેક્ટર વિસ્તારને ફાયદો –અંદાજીત લાભાર્થી- 4500 ખેડૂત.
સાંતલપુર તાલુકાના ૧૧ ગામો માટેની પાઈપલાઈન યોજના
- અંદાજિત રકમ રૂ. 126 કરોડ, 83૦૦ હેક્ટર વિસ્તારને ફાયદો.
- 11 ગામના અંદાજીત 45૦૦ ખેડૂતોને લાભ મળશે.
તાજેતર ના લેખો
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર