આમ આદમી પાર્ટીએ ઉમેદવારી માટે રૂ. 25 લાખ માગ્યા હોવાનો ભૂતપૂર્વ સૈનિકનો આક્ષેપ

કપરાડાઃ આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ટિકિટ આપવા માટે નાણાની માગણી થઈ હોવાનો આક્ષેપ નિવૃત્ત સૈનિક ખુશાલ વાઢુએ કર્યો છે. ખુશાલ વાઢુ થોડા સમય પહેલાં જ ભાજપ છોડીને આપ-માં જોડાયા હતા.

આ સમગ્ર ઘટના અંગે ખુશાલ વાઢુએ મીડિયાને જણાવ્યું કે, આમ આદમી પાર્ટીને સારો પક્ષ માનીને પોતે જોડાયા હતા પરંતુ જોડાયા પછી ખબર પડી કે અહીં તો ભ્રષ્ટાચાર છે.  >>> https://www.youtube.com/watch?v=abCRZO7YD0g&ab_channel=GujaratFirst
વાઢુએ કપરાડા બેઠકના આમ આદમી પાર્ટીના જાહેર થયેલા ઉમેદવાર જયેન્દ્ર ગાવિત સહિત આપ-ના પાંચ કાર્યકરો ઉપર પોતાની પાસે 25 લાખ રૂપિયા માગ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગેની ઑડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે જેમાં આમ આદમી પાર્ટીના ગાવિત સહિત પાંચ જણને પાંચ-પાંચ લાખ આપવામાં આવે તો ખુશાલ વાઢુને આમ આદમી પાર્ટીની ટિકિટ અપાવવાની વાત કરવામાં આવી છે.

વાઢુનું કહેવું છે કે પોતે ભૂતપૂર્વ સૈનિક હોવાથી ભ્રષ્ટાચારમાં માનતા નથી અને તેમની પાસે આ રીતે આપવા માટે નાણા પણ નથી.
પોતાના પર આક્ષેપ થયા બાદ મીડિયા સમક્ષ આવેલા જયેન્દ્ર ગાવિતે ઑડિયો ક્લિપ ખોટી હોવાની અને તેમાં પોતાનો અવાજ નહીં હોવાની વાત કરી હતી.

દેશ ગુજરાત