જે લોકો પોતાને કટ્ટર ઈમાનદાર કહે છે એ પોતે સૌથી ભ્રષ્ટ છેઃ વડાપ્રધાન

શિમલાઃ  જે લોકો પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવે છે એ પોતે જ સૌથી ભ્રષ્ટ હોય છે તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે હિમાચલ પ્રદેશમાં એક સભાને સંબોધતા કહ્યું હતું.

લાંબાગાળાની સ્થિર સરકાર હોવી જોઇએ એ વાત ઉપર જોર મૂકીને વડાપ્રધાન જણાવ્યું કે, ‘આપણે એ પણ સમજવું પડશે કે અસ્થિરતાથી ફાયદો કોને થાય છે. કોંગ્રેસના વર્ષો સુધીના શાસનમાં આપણે ત્યાં એવા અનેક સ્વાર્થી તત્વ તથા એવા અનેક સમૂહ પેદા થયા, સ્થાપિત હિત ધરાવતા જૂથો પેદા થયા જેઓ ભારતને અસ્થિર રાખવા માગે છે. આવાં તત્વો હિમાચલ જેવાં રાજ્યોને અસ્થિર જોવા માગે છે, અને તેથી એ બધા સ્થિર સરકાર રહેવા જ નથી દેતા.’

‘દેશનાં નાનાં નાનાં રાજ્યો હંમેશાં આવા સ્વાર્થી જૂથોના નિશાન પર હોય છે. કેટલાક લોકો ખોટા વાયદા કરીને, અમુક સીટ જીતીને દેશને અસ્થિર કરવાની કામગીરીમાં રચ્યા રહે છે.’

‘આ સ્વાર્થી જૂથો સરકારમાં આવીને માત્ર પોતાના હિત સાચવ્યા કરે છે. આવા લોકો પોતાને કટ્ટર ઈમાનદાર કહે છે પરંતુ સૌથી મોટા ભ્રષ્ટાચારી એ લોકો જ હોય છે. એ લોકો સમાજને તોડવા માટે – દેશની એકતાને તોડવા માટે કાવતરાં કરે છે.’

‘હિમાચલે આવા દરેક સ્વાર્થી જૂથોથી પોતાને બચાવી રાખવાનું છે, આ લોકોની રમતોથી પોતાને સુરક્ષિત રાખવાનું છે.’

‘તમે જોઈ શકો છો કે કેન્દ્રમાં સ્થિર સરકાર બની તો દેશે એવા નિર્ણયો લીધા જેની રાહ દેશવાસીઓ વર્ષોથી જોઈ રહ્યા હતા. કેન્દ્રમાં જ્યારે સ્થિર સરકાર બની તો ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ નિર્ણાયક લડાઈ શરૂ થઈ. જ્યારે કેન્દ્રમાં સ્થિર સરકાર બની ત્યારે આતંકવાદ, નક્સલવાદ કાબુમાં આવ્યા. ઈશાન ભારતમાં શાંતિ સ્થપાઈ, તેથી જ સ્થિર સરકાર 21મી સદીના ભારતની જરૂરિયાત છે, અને તેમાં મોટી ભૂમિકા દેશના નાનાં રાજ્યોની પણ છે,’ તેમ વડાપ્રધાને કહ્યું હતું.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો