‘ડ્રગ્સ પકડાયું’ અને ‘ડ્રગ્સ પકડ્યું’ આ બંને વચ્ચેનો ભેદ સમજવો જરૂરી : ગૃહ રાજ્ય મંત્રી

ગાંધીનગરઃ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ડ્રગ્સના નામે થતી રાજનીતિ બંધ થવી જોઈએ. વિપક્ષે પહેલા તો ડ્રગ્સ પકડાયુંઅને ડ્રગ્સ પકડ્યુંઆ બંને વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. ગુજરાતની બહાદુર પોલીસ દ્વારા અનેક દિવસો સુધી પરિવારથી દૂર રહીને આંતરરાષ્ટ્રીય સીમાઓ ઉપર વોચ રાખી કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડ્યા છે. પાકિસ્તાન અને ઈરાન જેવા દેશોમાંથી ડ્રગ્સની મોટા પાયે થતી હેરાફેરીના કિસ્સાઓમાં ગુજરાત પોલીસની સતર્કતા અને કડકાઈને કારણે હવે ડ્રગ્સ માફિયાઓ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોના માર્ગો મારફતે ડ્રગ્સની હેરાફેરી કરવા મજબૂર બન્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ડ્રગ્સ મામલે અત્યંત કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ કહી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં ૧૬૦૦ કિલોમીટરની દરિયાઈ સીમા હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી સદંતર બંધ કરવા તૈયાર કરાયેલા એક્શન પ્લાનથી ડ્રગ્સ માફિયાઓએ હવે ગુજરાતમાં જ નહિ અન્ય રાજ્યોમાં પણ ડ્રગ્સ ઘુસાડવા માટે રસ્તા બદલવા પડ્યા છે. ગુજરાતની આ ડ્રગ્સ સામેની પ્રતિબદ્ધતાને કારણે વિવિધ રાજ્યોની પોલીસ અને સરકાર આ ડ્રગ્સ વિરોધી એક્શન પ્લાન સમજવા ગુજરાત આવી રહ્યા છે જે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ માટે ગૌરવની વાત છે. એટલું જ નહીં, રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તથા ડ્રગ્સ એડિક્ટ બનેલા યુવાનો આ નશામાંથી ત્વરિત મુક્તિ મેળવે તે માટે રીહેબિલેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ડ્રગ્સ નાબૂદી માટે “ડ્રગ્સ રિવોર્ડ પોલીસી” જાહેર કરનાર દેશભરનું સર્વપ્રથમ રાજ્ય પણ ગુજરાત છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સાહસિક ગુજરાત પોલીસ દ્વારા અદાણી પોર્ટ જ નહીં પરંતુ કલકત્તાના પોર્ટ ઉપરાંત પંજાબ અને પશ્ચિમ બંગાળમાં ઘુસીને પણ ડ્રગ્સ પકડવાનું હિંમતભર્યું કામ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, પંજાબનું આ નેટવર્ક તોડવામાં પણ સેન્ટ્રલ એજન્સી ઉપરાંત ગુજરાત પોલીસનો સહયોગ રહ્યો છે. વર્ષ ૨૦૨૧ મુજબ ગુજરાતનું ભારતમાં નાર્કોટિક્સ ગુનાઓમાં સ્થાન સૌથી નીચે છે. નાર્કોટિક્સ ગુનાઓમાં રાજસ્થાનનો ક્રાઈમ રેટ ૩.૮ તથા પંજાબનો ક્રાઇમ રેટ ૩૨.૮ છે .આજે કેન્દ્રમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારમાં ગુજરાતનો એનડીપીએસ ગુનાઓમાં ક્રાઇમ રેટ માત્ર ૦.૭ ટકા છે, જે સમગ્ર દેશના તમામ રાજ્યોમાં સૌથી ઓછો છે.

ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર દરિયાઈ માર્ગે ઠલવાતો અટકાવવા માટે સરકારે લીધેલા કે લેવા ધારેલા પગલા સંદર્ભે વિધાનસભાના નિયમોના નિયમ-૧૧૬ હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર ચર્ચા દરમિયાન જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં માદક પદાર્થોની દાણચોરી કરવાનો પાકિસ્તાન તથા ઇરાનના ડ્રગ કાર્ટેલ્સ(સંગઠનો)નો સતત પ્રયાસ રહ્યો છે. પાકિસ્તાનની નજીક હોવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી આ કાર્ટેલ્સ દ્વારા હેરોઈનના લેન્ડિંગ પોઈન્ટ તરીકે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવા સતત પ્રયાસો થઈ રહ્યા છે. પાકિસ્તાની અને ઈરાની હેરોઈન દાણચોરોની સૌથી સામાન્ય મોડસ-ઓપરેન્ડી અનુમાનિત ઈન્ડો-પાક ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન (IMBL) પર હેરોઈનને ભારતીય મળતીયાઓ સુધી પહોંચાડવાની છે અને તે માટે આ મળતીયાઓ દ્વારા હેરોઇન કિનારે લાવવાનું હોય છે અને આગળ અંતિમ નક્કી કરેલ સ્થાન પર લઈ જવાનું હોય છે. જો કે, ગુજરાત પોલીસ આવા તમામ પ્રયાસોને વ્યર્થ કરવામાં સફળ રહી છે, અને આ કાર્ટેલ્સ દ્વારા મોકલવામાં આવેલા કન્સાઈનમેન્ટ સફળતાપૂર્વક જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભવિષ્યમાં પણ આવા પ્રયાસોનો સામનો કરવા કટિબદ્ધ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાત એ.ટી.એસ.ને બાતમી મળી હતી કે, ઇરાનથી દરીયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો ઇરાનના ચાબહાર બંદરેથી ભારત પાકિસ્તાન IMBL નજીક ઓખાથી આશરે ૧૮૫ નોટીકલ માઇલ દૂર ભારતીય જળસીમામાં ઇરાની બોટમાં આવવાનો છે અને ઉત્તર ભારતના ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ નેટવર્ક સાથે સંકળાયેલા શખ્સોને મોકલવામાં આવનાર છે. જે બાતમી હકિકત આધારે એ.ટી.એસ.ની ટીમ ઓખા ખાતે રવાના થઈ હતી. તેઓએ ઓખા ખાતે આવી કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડના ફાસ્ટ પેટ્રોલ વર્ગના જહાજો, ICGS મીરા બેહન અને ICGS અભિકમાં બેસી રવાના થઇ ઉપર્યુક્ત બાતમીવાળી જગ્યાએ આવી પેટ્રોલીંગમાં રહી ગત તા.૦૬/૦૩/૨૦૨૩ના રાત્રીના સમયે બાતમીવાળી જગ્યાએ એટલે કે ઓખાથી આશરે ૧૮૫ નોટીકલ માઇલ ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ જોવામાં આવતા તુરંત જ આ બોટને આંતરી આ બોટમાં રહેલ પાંચ ઇરાની ઈસમોના કબ્જામાં રહેલ ૬૧ કિલોગ્રામ જેટલો માદક પદાર્થનો અંદાજીત કિંમત રૂ.૪૨૭ કરોડનો જથ્થો તથા આ ઇરાની બોટ પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ માદક પદાર્થનો જથ્થો ઇરાન સ્થિત આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા ગુલામ બલોચી નામના વ્યક્તિએ મોકલાવેલ હતો અને તે આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકિનારે ઉતારી ઉત્તર ભારતમાં ક્યાંક પહોંચાડવાનો હતો. વધુમાં, આ બોટ તથા સ્મગ્લરો તા.૦૨/૦૩/૨૦૨૩ ના રોજ ઇરાનના ચાબહાર બંદર ખાતેથી નિકળેલ હતા તથા બે દિવસ બાદ પાકિસ્તાનના પશની બંદરથી ૬૧ કિ.ગ્રા. માદક પદાર્થનો જથ્થો બોટમાં ચડાવેલ અને ભારત-પાકિસ્તાન IMBL નજીક, ભારતની જળસીમામાં ઓખાથી આશરે ૧૮૫ નોટીકલ માઇલ દૂર દરિયામાં ડીલીવરી આપવાના હતા જે દરમ્યાન ગુજરાત એ.ટી.એસ. તથા ભારતીય કોસ્ટગાર્ડના ઓપરેશન દરમ્યાન પકડાઇ ગયા હતા. 

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વર્ષ ૨૦૨૨ દરમ્યાન ગુજરાત એ.ટી.એસ. અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનથી આવા અનેક કેસોમાં ગુના દાખલ થયા છે, જેમાં તા.૨૫/૦૪/૨૦૨૨ના રોજ રૂ.૧૦૫૨ કરોડની કિંમતનો ૨૧૦,૪૯૫ કિલોગ્રામ હેરોઇનનો જથ્થો પાકિસ્તાનના કરાચી બંદરેથી અલ-હઝ” નામની બોટમાંથી ભરી લાવી જખોના દરીયામાં ડીલવરી કરતા ભારતીય જળ સીમામાંથી પકડવામાં આવેલ જેમા કુલ- ૯ પાકિસ્તાની આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત તા.૦૨/૦૬/૨૦૨૨ના રોજ રૂ.૨૩૯ કરોડ કિંમતનો ૪૭.૯૮૨ કિલોગ્રામ હેરોઇનનો જથ્થો પાકિસ્તાની બોટ અલનોમાન ભારતીય જળ સીમામાંથી પકડવામાં આવેલ જેમાં કુલ-૭ પાકિસ્તાની આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તા.૦૮/૧૦/૨૦૨૨ના રોજ રૂ.૨૫૦ કરોડ કિંમતનો પ૦ કિલોગ્રામ હેરોઇનનો જથ્થો પાકિસ્તાની ફીર્સીંગ બોટ “અલસાકર” માંથી જથ્થો પકડવામાં આવેલ જેમાં કુલ-૬ પાકિસ્તાની આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તા.૨૬/૧૨/૨૦૨૨ના રોજ રૂ.૨૦૦ કરોડની કિંમતનો ૪૦ કિલોગ્રામ હેરોઇનનો જથ્થો પાકિસ્તાની બોટ “અલસોહેલી” પાકિસ્તાનના બલુચિસ્તાનના પસનીના દરીયા કિનારેથી ભારતીય જળસીમામાં ઘુસણખોરી કરેલ જેમાં કુલ-૧૭ પાકિસ્તાની આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આમ, ગુજરાત રાજય વિશાળ દરીયાઇ સીમા તેમજ પાકિસ્તાન સાથે આંતરાસ્ટ્રીય સીમાથી જોડાયેલ હોઈ પડકારરૂપ ભૌગોલીક પરિસ્થિતી ધરાવતું હોવા છતાં, ગુજરાત સરકારની નાર્કોટીક્સ ડ્રગ્સ બાબતે ZERO TOLERANCE’ નીતિના ભાગરૂપે રાજય સરકાર તેની તમામ એજન્સી સહિત સંકલિત અને પરિણામલક્ષી અમલવારી કરી નાર્કોટીક્સની બદી નેસ્તનાબૂદ કરવા કટિબધ્ધ છે.