ગુજરાતમાં ૭ જુલાઈ, અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૧૩૬ રથયાત્રાઓ, અન્ય દેવી-દેવતાની ૭૩ શોભાયાત્રાઓ નીકળશે

ગાંધીનગરઃગુજરાતભરમાં આગામી તા. ૭ જુલાઈ અને અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની ૧૩૬ રથયાત્રાઓ તેમજ અન્ય ૭૩ શોભાયાત્રાઓ મળી કુલ ૨૦૯ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રા નીકળશે, જે ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. અમદાવાદ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેમની સુરક્ષા-સલામતી તેમજ રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થાને ધ્યાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતીના વાતાવરણમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ કરી છે. રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને ૧૮,૭૦૦થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે.

સમગ્ર રથયાત્રા દરમિયાન મુવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રારથ-ટ્રકો-અખાડા-ભજન મંડળીઓની સુરક્ષા માટે ૪૫૦૦થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં ૧૯૩૧ જવાનો તૈનાત રહેશે. તે ઉપરાંત ૧૬ જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

સંવેદનશીલ વિસ્તાર ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટ પર VISWAS પ્રોજેક્ટ અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ સ્થાપિત કરેલા CCTV કેમેરાના માધ્યમથી સતત નિરીક્ષણ કરવામાં આવશે. રથયાત્રામાં ૪૭ જેટલા લોકેશન્‍સ પરથી ૯૬ કેમેરા, ૨૦ ડ્રોન, ૧૭૩૩ બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત ૧૬ કિલોમીટરના રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોની સહભાગીતાથી ૧૪૦૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા નજર રખાશે.

એસ.આર.પી.એફ, હોમગાર્ડ, GRD અને TRBની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત શાંતિ સમિતિ અને મોહલ્લા સમિતિઓ સાથે બેઠક કરીને રથયાત્રા દરમિયાન જુદા-જુદા ધર્મના પ્રતિનિધિઓ અને સ્વયંસેવકો પોલીસની મદદમાં ઉપસ્થિત રહે તે આયોજન પણ કરવામાં આવ્યું છે. આ માટે યાત્રા રૂટ પર ૧૭ જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરવામાં આવશે.

યાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ૧૧ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

તાજેતર ના લેખો