વડોદરામાં વિશ્વામિત્રીના પૂરનો લાંબો ઇતિહાસ છે ; 19મી સદીમાં કેમ્પબેલે લખ્યું હતું ચોમાસામાં આ નદી અવારનવાર છલકાય છે

જપન પાઠક

વડોદરા શહેરના લોકો કે જેઓ ત્યાં વસે છે, અને શહેરના વહીવટદારો કે જે શહેરની ધૂરા સંભાળે છે તેમણે એ વાત સતત ધ્યાને રાખવાની જરુર છે કે ભૌગોલિક રીતે અને ઐતિહાસિક રીતે વડોદરા એ પૂરની આપત્તિના જોખમવાળું શહેર છે અને જુલાઇની મધ્યથી સપ્ટેમ્બરની મધ્ય સુધીનો ગાળો, ટૂંકા સમયમાં અતિ વધુ વરસાદ પડે તેવા કિસ્સામાં આવી આફત નોતરી શકે તેવો છે. વિશ્વામિત્રી છલકાવાને કારણે આવતા પૂરનું વર્ણન બ્રિટીશ કાળમાં, ગાયકવાડી શાસનમાં, સ્વતંત્રતા પછીના દ્વિભાષી મુંબઇ રાજ્યના સમયગાળામાં અને ગુજરાત 1960માં અલગ રાજ્ય બન્યું ત્યાર પછીના કોંગ્રેસ અને ભાજપના શાસન સમયના અહેવાલોમાં રેકોર્ડ થયું છે.

Read this article in English: Vishwamitri has long history of flooding Vadodara; Campbell in 1883 wrote that it ‘frequently overflows in monsoons’

રેકોર્ડસ કહે છે કે અતિ વધુ વરસાદ ટૂંકા ગાળામાં પડે ત્યારે વિશ્વામિત્રી નદીની વડોદરા શહેરમાં છલકાઇ જવાની લઢણ છે. હું આ લેખમાળામાં આવા કેટલાક પૂર વિશે અને સાંલગ્નિક બાબતો વિશે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશ.

એક સમયે વિશ્વામિત્રીના પશ્ચિમ કિનારે અન્કોટક (હાલનો વડોદરાનો અકોટા વિસ્તાર) નગર વસતું હતું. ઇ.સ. 600ની આસપાસ પૂરાના કારણે તેણે પૂર્વમાં ખસવું પડયું અને તે વડપદ્રક બન્યું. અકોટાની તે સમયની મળી આવેલી મૂર્તિઓ વડોદરા મ્યુઝિયમમાં પ્રદર્શિત છે.

જો આપણે પ્રમાણમાં તાજા ઉદાહરણો જોઇએ તો વિશ્વામિત્રીના પૂરનું જૂનું વર્ણન 19મી સદીના અંત સમયનું મળે છે. રાજા સર ટી માધવરાવે તેમના 1877-78ના વહીવટી અહેવાલમાં જુલાઇ 1877ના વડોદરાના પૂરનું વર્ણન કર્યું છે. જેમ્સ કેમ્પબેલે બોમ્બે પ્રેસિડેન્સીના વડોદરા વિષયક ગેઝેટીયર(વર્ષ 1883)માં આને અસાધારણ પૂર કહ્યું છે.

કેમ્પબેલ લખે છે – આ પૂર 22 જુલાઇ 1877ના દિવસે શરુ થયું, કે જ્યારે નદીનું સ્તર અસાધારણ રીતે ઉચું ઉઠ્યું. 27 જુલાઇની રાત્રે નવ વાગ્યે પાણીનું સ્તર 28.4 ફૂટ હતું જે પુલના માર્ગથી 3 ફૂટ નીચું હતું. 28મીએ સવારે પાંચ વાગ્યે આ સ્તર 32 ફૂટે પહોંચ્યું જે પુલના રસ્તાથી લગભગ 3 ઇંચ ઉંચું હતું. અને 29મીએ 2.20 વાગ્યે પૂરનું પાણી સૌથી ઉંચા 39.4 ફૂટની સ્તરે પહોંચ્યું જે પુલની પેરાપેટ દિવાલથી એક ફૂટ ઉંચું હતું. પાણીનું સ્તર પછી ઝડપથી ઓછું થવા લાગ્યું અને પુલના રસ્તાથી 31મીએ નીચે જતુું રહ્યું. આ રીતે ચાર દિવસ સુધી શહેર અને કેમ્પ તથા રેલવે સ્ટેશન વચ્ચેનો વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઇ ગયો. કેટલાક લોકોના મોત થયા અને ઘણા ઘરો તબાહ થઇ ગયા.

વિશ્વામિત્રીમાં પૂર આવવું એ કોઇ નવી વાત ન હતી. 1877-78ના વહીવટી અહેવાલમાં 97-98માં પાને રાજા સર ટી માધવરવાલે વિશે ઉલ્લેખ છે કે તેમનો વિશ્વામિત્રી નદી પર વધુ એક મોટો પુલ બાંધવાનો પ્રસાદ હતો જે એટલો ઉંચો હોય કે અત્યાર સુધીનું જાણકારીમાં હોય તેવું કોઇ પૂર તે પુલની ઉંચાઇ સુધી ન પહોંચ્યું હોય. આ ઉલ્લેખ સૂચવે છે કે તે વર્ષોમાં પણ વડોદરા માટે નદીનું પૂર એ એક નિસ્બતનો વિષય હતો.

કેમ્પબેલ વિશ્વામિત્રી વિશે લખતા અવારનવાર એ સંદર્ભ પ્રસ્તુત કરે છે કે આ નદીની પ્રકૃતિ ચોમાસામાં છલકાવવાની અને છલકાઇને પ્રસરવાની છે.

તેઓ લખે છે કે વિશ્વામિત્રી નદી જટિલ વળાંકોવાળી નદી છે. તેનું ઉંડાણ જમીનથી ખાસ્સું નીચે છે અને રાજધાની વડોદરાના કિનારે તેની ઉંચાઇ 35 ફૂટની છે. ઉનાળાના મહિનાઓમાં તે માત્ર એક ટપકતો પ્રવાહ ચે પરંતુ ચોમાસામાં તે વારંવાર તેના કિનારેથી છલકાય છે અને જમીન સ્તર પર બેઉ દિશામાં ફેલાય છે. આ નદીની દરિયાના સ્તરેથી ઉંચાઇ વિશ્વેશ્વર પર 130 પૂટ છે જ્યારે વડોદરાના પુલના સ્થલે 111.33 ફૂટની છે.

કેમ્પબેલ વર્ણન કરે છે કે વિશ્વામિત્રીના છલકાવાની સમસ્યા પર કાબૂ મેળવવા હજારો રુપિયાના ખર્ચે કેવા કેવા ઉપાયો કરવામાં આવ્યા છે. તે લખે છે કે વિશ્વામિત્રીનું વર્ણન એવી નદી તરીકે થાય છે કે જે ઉનાળાના મહિનાઓમાં સૂકાઇ જાય છે અને જ્યારે વરસાદ પડે ત્યારે તેના કિનારેથી છલકાઇ જાય છે. તેના પાણીના સંગ્રહ માટે અને તેના પાણીથી થતી સમસ્યાના ઉકેલ માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. પુલથી થોડા યાર્ડ નીચે મજબૂત લાકડાનો બંધ હતો કે જેના દરવાજા પણ હતા. તેના કારણે વર્ષના મહદ ભાગમાં પાણીનો સારી પેઠે સંગ્રહ થઇ શકતો હતો. આ બંધ પાણીના દબાણને કારણે 1881ના અંત બાગમાં ધસી ગયો. નદી છલકાય નહીં અને તેના પાણી શહેરના ભાગોમાં ફેલાઇ ન જાય તે માટે કેટલાક બંધો અને નિયંત્રણ વ્યવસ્થાવાળા બંડ રુપિયા 14,200ના ખર્ચે ઉભા કરાયા હતા. સાથે, ભારે વરસાદના કિસ્સામાં પાણીના નિકાલ માટે એક લાંબો ખુલ્લો કટીંગ(કાંસ) તૈયાર કરાયો હતો અને અન્ય કામો રુપિયા 16,400ના ખર્ચે અમલ કરાયા હતા.

કેમ્પબેલ બરોડાના તળાવો વિશે લખતા કહે છે કે વડોદરા નીચાણમાં વસેલું છે અને ઘણા લાંબા સમયથી જ્યાં મકાનો બંધાતા હોય તેટલો જ ભાગ આસપાસના ભાગ કરતા ઉંચો છે. કેમ્પબેલ ભૌગોલિક રીતે વડોદરાને લો લેવલ કન્ટ્રી (નીચાણમાં વસેલ વિસ્તાર) ગણાવે છે. વડોદરાના તળાવો વિશેના પ્રકરણમાં કેમ્પબેલ સર ટી માધવરાવ દ્વારા કરવામાં આવેલા વરસાદી પાણીના નિકાલ માટેના કામોને પણ વર્ણવે છે.

શહેરની બંદરીય હદ પહાડી નદી છે અને પશ્ચિમી હદ વિશ્વામિત્રી છે જે જ્યારે છલકાય છે ત્યારે બાબાજી પુરામાં પૂર લાવી દે છે. તાજેતરના ડ્રેનેજના કામોથી આ પાણીનો નિકાલ થયો છે. ઉત્તરે પહાડી નદીથી વરસાદી પાણીનું નાળુ જોડાય છે જે પરેડ મેદાનને ચીરતું પહેલા વડાવાડી તળાવ અને શીર્સા તળાવ અને પછી મર્દા તળાવ અને છેલ્લે અજબ અને રાજા તળાવમાં કે જે પાણીગેટ પાસે છે ત્યાં પહોંચે છે. વડોદરા પૂર્વનો આખો વિસ્તાર ચોમાસામાં વરસાદી પાણી નીચે હોય છે અને ડાંગરના ખેતરો તેનો ઉપયોગ કરે છે. શહેર ખૂબ નીચે વસેલું છે. જ્યાં લાંબા સમયથી મકાનો બન્યા છે તેટલો જ વિસ્તાર ઉંચો છે. મહમૂદ તળાવને બાદ કરતા સૂર સાગર તળાવ નોંધપાત્ર છે . તે મકાનોથી ઘેરાયેલો છે. સૂરસાગળ શિરસા તળાવથી પાઇપ મારફતે જોડાયેલું છે જેનું આયોજન રાજા મલ્હારરાવે કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે કેમ્પબેલે ગેઝેટીયર્સ તૈયાર કર્યું ત્યારે આજવા બંધ અને સયાજી સાગરનું નિર્માણ થયું ન હતું. આજવા વડોદરા માટેના પાણીના સ્ત્રોત તરીકે બંધાયું હતું. વિશ્વામિત્રીના પૂર બાબતેની તે યોજના ન હતી. આપણે હવે પછીના પ્રકરણમાં તે વિશે વધુ જાણીશું.

લખનારનો સંપર્ક થઇ શકશેઃ japanpathak @ gmail . com

Next article in the series: આજવા બંધ વડોદરામાં સરેરાશ 39 ઇંચ વરસાદ પડે તે માપે બંધાયો હતો, હવે સરેરાશ થઇ છે 42.24 ઇંચ

તાજેતર ના લેખો