ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર
December 23, 2024
ગાંધીનગરઃ ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર આકસ્મિક રીતે આવીપડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે કોઇપણ પરિવાર દેવાદાર ન બને તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “મા” યોજના અમલમાં મૂકી હતી. દેશના વડાપ્રધાન તરીકે દાયિત્વ સંભાળ્યા બાદ સમગ્ર દેશમાં તેમણે “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અમલમાં મૂકી હતી.
ગુજરાતમાં PMJAY અંતર્ગત એમ્પેનલ્ડ કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વ્રારા યોજનાની ગાઇડલાઇનનો ભંગ થતો હોવાનું ધ્યાને આવતા, ગુજરાત સરકાર દ્વારા “PMJAY” યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર કરવામાં આવી છે.
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી PMJAY-મા યોજના હેઠળ એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે મુખ્ય ત્રણ પ્રોસિઝર કાર્ડિયાલોજી, નિઓનેટલ અને ઓન્કોલોજી(કેન્સર) માટે નવીન માર્ગદર્શિકા (SOP)જાહેર કરી હતી.
આ નવી માર્ગદર્શિકા જાહેર કરતા તેમણે કહ્યું હતુ કે, ગેરરીતિ કે ગુનાહિત પ્રવૃતિને કોઇપણ અવકાશ ન રહી જાય તે તમામ બાબતોનું ધ્યાન રાખીને નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. માનવતાને નેવે મૂકીને દર્દીઓના જીવ સાથે ચેડા કરતા લોકોની આ પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે જે માટે સરકાર હંમેશા થી પ્રતિબધ્ધ છે.
PMJAYની નવીન માર્ગદર્શિકા જાહેર કરતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, PMJAY યોજના હેઠળ મળતી વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પૈકી મુખ્યત્વે કાર્ડિયોલોજી, રેડિયોલોજી, નિયોનેટલ સેવાઓ અને TKR/THR (Total Knee replacement/Total Hip replacement) જેવી સેવાઓ માટે નવીન SOP બનાવવામાં આવી છે. જેથી ભવિષ્યમાં કોઇપણ ખાનગી હોસ્પિટલ ગાઈડલાઈનનો ભંગ ન કરી શકે.
:- કાર્ડિયોલોજી સેવાઓ :-
કાર્ડિયોલોજી સેવાઓમાં કેટલીક ટેકનીકલ બાબતોને ધ્યાને લેતા તાત્કલિક અસરથી સ્પેશ્યાલીટીમાં સુધારા કરવામાં આવ્યા છે.જે અંતર્ગત દર્દીના હીતમાં શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજીસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઇમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કલ્સટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય.
આ ઉપરાંત હોસ્પિટલો ખાતે ફુલ ટાઇમ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ તથા ફિજીયોથેરાપિસ્ટ રાખવા પણ આવશ્યક રહેશે.
ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફ્ક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જીયોપ્લાસ્ટી કરી શકશે.
હોસ્પિટલોએ એન્જીયોગ્રાફી તેમજ એન્જીયોપ્લાસ્ટીની CD/વીડિયોગ્રાફી પ્રિ-ઓથના સમયે અપલોડ કરવાની રહેશે. ઇમરજન્સી કેસમાં આ CD/વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે.
:- કેન્સર સારવાર :-
નિષ્ણાંત તબીબોના મહત્વપૂર્ણ સૂચનો બાદ ઓન્કોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. જેમાં કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કી કરવા માટે મેડીકલ ઓન્કોલોજિસ્ટ, સર્જીકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરિકે નિર્ણય લઇને ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટમાં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરાશે. આ સાથે જ, ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું પણ ફરજીયાત રહેશે.
કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.
દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે IGRT એટલે કે, ઇમેજ ગાઇડેડ રેડિએશન થેરાપીમાં CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઇમેજ કિલો વોટમાં જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ થેરાપી ક્યા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી છે. સાથે જ, રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલ ક્વોલિટી કંટ્રોલના માપદડનું પાલન કરી હોસ્પિટલે ફરજીયાતપણે રેકોર્ડ નિભાવવાનો રહેશે.
આ ઉપરાંત મહિલાઓમાં જોવા મળતા ગર્ભાશયના મુખનું કેન્સર, યોની માર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકીથેરાપી જરૂરી હોય છે. આવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે, ત્યાં જ PMJAY અંતર્ગત સારવાર આપવાની રહેશે, બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં.
:- નિયોનેટલ કેર :-
નિયોનેટલ કેર અને ખાસ કરીને બાળકોને આઇ.સી.યુ.માં આપવામાં આવતી સારવાર અંગે મળેલી રજૂઆતોને ધ્યાને લેતા નવીન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. જેમાં નિયોનેટલ ઇન્ટેન્શિવ કેર યુનિટ અથવા સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટમાં બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજીયાત પણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઇને CCTV ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે.
આ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સમયાંતરે નિયોનેટલ ઇન્ટેન્શિવ કેર યુનિટની મુલાકાત લઇ રિપોર્ટ સ્ટેટ હેલ્થ એજન્સીને રીપોર્ટ સબમિટ કરવાનો રહેશે. જેના માટે ઓનલાઈન વિઝિટ મોડ્યૂલ પોર્ટલ પણ ટૂંક સમયમાં જ કાર્યરત થશે, જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનીટર કરી શકાય. બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિયોનેટલ સ્પેશ્યાલિટીમાં એમ્પેનલમેન્ટ માટે ફૂલ ટાઇમ પીડિયાટ્રિશયન ફરજિયાત કરવામાં આવ્યા છે. પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારા-ધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ પણ રાખવાનો રહેશે.
:- ઓર્થોપ્લાસ્ટી :-
નોંધનીય છે કે, અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા PMJAY યોજના હેઠળ TKR/THR (Total Knee Replacement/Total Hip Replacement) માટેની નવીન SOP બનાવવામાં આવી હતી. જેમાં TKR/THR માટેના ઓપરેશન કરતી હોસ્પિટલોએ “ઓર્થોપેડીક અને પોલીટ્રોમા”ના કેસોની સારવાર પણ આપવાની હોવાથી “ઓર્થોપ્લાસ્ટી”નાં ઓછામાં ઓછા ૩૦ ટકા કેસોને સારવાર આપવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. જેમાં આ રેશીયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલ્ટી પણ કરવામાં આવે છે. સાથે જ, હોસ્પિટલ દ્વારા સળંગ ૯ માસ સુધી આ રેશીયોનું પાલન ન થાય તો, તેવા કિસ્સામાં હોસ્પિટલને “ઓર્થોપ્લાસ્ટી” સ્પેશ્યાલીટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. PMJAY યોજના અંતર્ગત જોડાયેલી કુલ ૭૫ હોસ્પિટલને રૂ. ૩.૫૧ કરોડની TKR અંતર્ગત પેનલ્ટી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં PMJAY અંતર્ગત એમ્પેનલ્ડ કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વ્રારા યોજનાની ગાઇડલાઇનનો ભંગ તથા ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોને કારણે વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં કુલ ૧૪ થી વધુ હોસ્પિટલો સામે ગેરરીતિ બદલ સસ્પેન્ડ, ડિએમ્પેન્લ્ડ અને પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવી છે. તદઉપરાંત અંદાજીત રૂ.૧૮ કરોડનો દંડ પણ કરાયો છે.
અમુક કિસ્સાઓમાં ડોકટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કરવા ઉપરાંત મેડિકલ કાઉન્સિલ દ્વ્રારા પણ જરૂરી પગલા લેવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એમપેન્લ્ડ હોસ્પિટલ માટે નવીન SOP જાહેર કરતા જણાવ્યું હતુ કે, ત્રણ મુખ્ય સર્જરી પ્રોસિઝર માટેની નવીન માર્ગદર્શિકા ઉપરાંત યોજના હેઠળ અન્ય માર્ગદર્શિકા પણ બનાવવામાં આવી છે.જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2024ની જોગવાઇ અનુસાર પૂર્વવ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પુરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે video રેકોર્ડીગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
જેમાં
1. એન્જીઓગ્રાફી
2. એન્જીઓપ્લાસ્ટી
3. કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી
4. એમ્પ્યુટેશન (અંગ વીચ્છેદન સર્જરી)
5. તમામ “Ectomy”અંતર્ગત સર્જરી(શરીર નો કોઈ ભાગ દૂર કરવાની સર્જરી)
6. ઓર્ગન ડોનેશન/ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેસન /ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી
7. સ્પાઇનલ સર્જરી/બ્રેઈન સર્જરી/કેન્સર સર્જરી જેવી સર્જરીઓ માટે વીડિયો કન્સેન્ટ(સંમતિ) આપવી ફરજિયાર રહેશે.
વધુમાં દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તે હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇજેશન દરમ્યાન કરવામાં આવેલ લેબોરેટ્રી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટીક રિપોર્ટસ ફરજીયાત આપવાના રહેશે.
ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ Infection control and prevention માટેની ભારત સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના હેઠળ ગેરરીતિ પકડવા માટે રાજ્ય સરકારનું સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ(SAFU) કાર્યરત છે.
રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ને વધુ સુદ્વ્રઢ બનાવવામાં આવેલ છે.
આ યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલો દ્વ્રારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવા માટે સરકારી તેમજ GMERS Medical Collegesમાંથી અલગ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જે SAFU ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જીલ્લામાં એમપેન્લ્ડ હોસ્પિટલની મુલાકાત લઇ સારવાર સંબધિત પુરતી ચકાસણી કરશે અને લાભાર્થી ની કોઇ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મુકશે.
CDHO/MOH દ્વ્રારા માસિક ધોરણે ઓછામાં ઓછી બે હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે.
થર્ડપાર્ટી ઓડિટના ભાગ રૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વ્રારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે. જેમાં ફિલ્ડ ઓડિટ ટીમ દૈનિક ધોરણે બે થી ત્રણ ટકા કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે.
વીમા કપની દ્વ્રારા પણ વધુ સંખ્યામાં સ્પેશ્યાલિસ્ટ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ ઉપલબ્ધ કરીને ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવેલ છે.
હોસ્પિટલ દ્વ્રારા સારવારના પેકેજીસનો સંભવિત દુરઉપયોગ થતો અટકાવવા માટે NHAને જરૂરી પ્રકારના ટ્રીગર જનરેટ કરવા વિનંતી કરવામાં આવેલ છે.
કેન્દ્ર અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસથી ભવિષ્યમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ની ગુણવત્તા સભર શ્રેષ્ઠ સારવાર લાભાર્થીને મળી રહે તે ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. રાજ્યમાં PMJAY-MA યોજના અંતર્ગત તા.૪/૧૨/૨૦૨૪ સુધી કુલ ૭૨,૭૯,૭૯૭ દાવાઓ માટે રૂ.૧૫૫૬૨.૧૧ કરોડ ની ચૂકવણી કરવામાં આવેલ છે.
રાજ્યમાં તા.11-7-2023 થી તા.10-7-2024 સુધીમાં PMJAY-મા યોજના અંતર્ગત કુલ આવેલ પ્રિ-ઓથ અથવા ક્લેઇમમાંથી 24,701 એટલે કે રૂ. 41.18 કરોડના ક્લેઇમ રીજેક્ટ અને 1,16,266 કેસ એટલે કે રૂ. 121 કરોડની રકમના કેસ ડીડેક્ટ(ઓછી) કરવામાં આવી છે.
અત્રે મહત્વની બાબત એ પણ છે કે, PMJAY-મા યોજના હેઠળ દાખલ થતાં દર્દીઓને ૧૦૪ હેલ્પલાઇન દ્વારા કોલ કરીને સારવાર સંદર્ભે તેમના પ્રતિભાવ , ફિડબેક લેવામાં આવે છે.
નવેમ્બર -૨૦૨૩ થી નવેમ્બર -૨૦૨૪ દરમિયાન કુલ ૪,૯૬,૧૮૪ દર્દીઓને ૧૦૪ તરફથી કોલ કરાયા. જેમાંથી ૯૯% લોકોના પ્રતિભાવ સકારાત્મક અને સારા રહ્યા. ફક્ત ૦.૩% દર્દીઓ એટલે કે ૧૪૮૮ દર્દીઓના ખરાબ પ્રતિભાવ અને ૦.૬% જેટલા એટલે કે ૨૮૯૭ દર્દીઓના મોડરેટ એટલે કે ઠિક પ્રતિભાવ રહ્યાં.
તાજેતર ના લેખો
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
- ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરાઈ