30 દિવસની CID ક્રાઈમ ઝુંબેશમાં 901 ગુમ થયેલા વ્યક્તિઓની સફળ શોધ
December 18, 2025
ગાંધીનગર: રાજ્યમાં ગુમ થયેલા વ્યક્તિઓની શોધખોળ માટે સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વે તથા સી.આઈ.ડી. ક્રાઈમ મહિલા સેલ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ ૯૦૧ ગુમ વ્યક્તિઓને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે.
સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેના ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવ તથા સી.આઈ.ડી. ક્રાઈમ મહિલા સેલના એડીજીપી શ્રી અજય કુમાર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ વિશેષ ઝુંબેશ કુલ ૩૦ દિવસ માટે બે તબક્કામાં રાજ્યભરમાં હાથ ધરાઈ હતી.
આ ઝુંબેશ રાજ્યમાં ગુમ થયેલા વ્યક્તિઓની શોધખોળ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા અને ગંભીરતા દાખવીને આ કામગીરી કરવામાં આવી હતી. રાજ્યના તમામ મહાનગરના કમિશ્નરશ્રીઓ તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓના તાબાના પોલીસ સ્ટેશનોમાં તેમજ સી.આઈ.ડી. ક્રાઈમ મીસીંગ સેલમાં વિશિષ્ટ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોને સી.આઈ.ડી. (ક્રાઈમ) દ્વારા સતત માર્ગદર્શન અને દૈનિક સૂચનાઓ પૂરી પાડવામાં આવી હતી.
બે તબક્કામાં યોજાયેલી આ ખાસ ઝુંબેશના ૩૦ દિવસના સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી ૬૧૪ મહિલાઓ અને ૨૮૭ પુરુષો મળીને કુલ ૯૦૧ વ્યક્તિઓની સફળતાપૂર્વક શોધખોળ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસની સી.આઈ.ડી. (ક્રાઈમ) શાખા દ્વારા ગુમ બાળકો અને વ્યક્તિઓની નિયમિત શોધખોળ હેતુસર સમયાંતરે વિશેષ અભિયાનોનું આયોજન કરવામાં આવે છે. શોધાયેલા બાળકો/વ્યક્તિઓને તેમના પરિવારો સાથે પુનઃસ્થાપિત કરવાની કાર્યપદ્ધતિ પણ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે.
તાજેતર ના લેખો
- ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલુ LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો: ગુજરાત સરકાર
- સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બે મહત્વના ઠરાવો: ‘મુગલીસરા’ હવે ‘શ્રી તાપી પુરા’, મુખ્ય કચેરીનું નામ ‘શ્રી તાપી ભવન’
- સિવિલ હોસ્પિટલમાં નવી સુવિધાનો પ્રારંભ: હવે કોલોનિક પોલીપની ઓપન સર્જરી વગર સારવાર શક્ય
- સેમિકન્ડક્ટર ચીપ બનાવવા માટે જરૂરી સાણંદનો માઇક્રોનનો ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ
- ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમો બદલાશે, જાણો શું ફેરફાર થશે?
