કૌન્ડિન્ય અને ગુજરાતના ખાખરા, ભાખરી, થેપલા

ગુજરાતની વાત, જપન પાઠકની ટૂંક નોંધો: ગુજરાતના દરિયા કિનારેથી સદીઓ પુરાણી હોય તેવી નૌકામાં ઓમાન જવા નીકળેલા ભારતીય નૌસેનાના જવાનો સાથે કેન્દ્ર સરકારના ના નાણાકીય બાબતોના સલાહકાર સંજીવ સન્યાલ પણ જોડાયા છે. તેઓ સેટેલાઇટ કમ્યુનિકેશન દ્વારા કૌન્ડિન્ય નામની નૌકામાંથી ટવીટ પણ કરી રહ્યા છે. તેમણે ટવીટમાં આજે માહિતી આપી છે કે નૌકામાં ભોજનની લીલી સામગ્રી પૂરી થઇ ગઇ છે અને હવે ડ્રાય એટલેકે સૂકી ચીજો આરોગીને સૌ ઓમાન સુધીની બાકી યાત્રા પુરી કરશે. દર અસલ ગુજરાતની જાણીતી ભોજન વાનગીઓ જેમ કે ખાખરા, ભાખરી, થેપલા વગેરેની શોધનું મૂળ આ જ છે. ગુજરાતીઓ ટ્રેડર્સ કમ્યુનિટી છે અને તેમના ધંધાકીય કાફલા જમીન માર્ગે, દરિયાઇ માર્ગે દૂર દૂર જતા. આમાં ઘણા ખરા તો પાછા શાકાહારી હોય અને તેવામાં શોધ થઇ ખાખરાની કે જે દિવસો સુધી ચાલે. એમાંય જો મેથિયાનો મસાલો કે છૂંદો વગેરે હોય તો તો ઘણે લાંબે સુધી કામ ચલાવી શકાય. આપણી ભાખરી પણ તો આવી જ. અને થેપલા તો આજે પણ લાંબી મુસાફરી દરમિયાન ગુજરાતીઓ હાથવગા રાખે છે. બહાર જોઇતું ખાવાનું મળે ન મળે, ગમે તેટલું મોંઘું ખાવાનું પણ કેમ ન હોય, જો આપણા થેલામાં થેપલા હોય તો આપણું કામ ચાલી જાય. હું પોતે પણ ભલે ફાઇવ-સ્ટાર હોટેલમાં ઉતરવાનું હોય, થેપલા હાથવગા રાખું છું. તેની સાથે છૂંદો અને મેથિયાનો મસાલો હોય એટલે ગળી ભૂખ અને તીખી ભૂખ બેઉમાં કામ લાગે. તાજેતરમાં દિલ્હીની મુલાકાતમાં મેં થેપલા જ હાથવગા રાખ્યા હતા. દિલ્હીની પંચતારક હોટેલમાં સેન્ડવીચ પર સાતસો રુપિયાની મળે તેવામાં નાહક ખોટો ખર્ચો શીદ કરવો. ભૂખ લાગે કે આપણા થેપલા હાથવગા. ત્રણ-ચાર દિવસના રોકાણ દરમિયાન હોટેલના રુમમાં તો ઘરના થેપલા જ ઝાપટયા. ફાફડા, ફૂલવડી એવી અનેક ખાદ્ય ચીજો એવી છે કે જે દિવસો સુધી કામ લાગે. સંસ્કૃતિ, સમાજજીવન, ઇતિહાસ, ધંધો અને ખોરાક બધું એકબીજા સાથે કેવું વણાયેલું હોય છે.