એનસીપી સંજય રાઉતના ખભે બંદૂક મૂકીને શિવસેનાને ખતમ કરવા માગે છેઃ દીપક કેસરકર

ગુવાહાટીઃ પ્રજાના મતથી ચૂંટાયા નથી એવા સંજય રાઉત શિવસેનાને ખતમ કરી દેવા માગતા હોય એવું લાગે છે અને અમને તો શંકા છે કે શરદ પવારનો એનસીપી પક્ષ રાઉતના ખભે બંદૂક મૂકીને શિવસેનાને નિશાન બનાવી રહ્યો છે. આ આક્ષેપ એકનાથ શિંદે જૂથના અગ્રણી નેતાઓ પૈકી એક દીપક કેસરકરે કર્યો છે.

દીપક કેસરકરે એક જાહેર પત્ર લખીને મહારાષ્ટ્રના રાજકારણના અનિષ્ટ લોકોને ખુલ્લા પાડ્યા છે એટલું જ નહીં પરંતુ એવો પણ ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો છે કે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ ધારાસભ્યોએ કોઈ બળવો નથી કર્યો પરંતુ બાળાસાહેબ ઠાકરેના સાચા હિન્દુત્વને બચાવવા માટે અમે આવું વલણ લીધું છે.

દીપક કેસરકરે પત્રની શરૂઆત અત્યંત સચોટ અને લાગણીસભર વાક્યો સાથે કરી છે. તેમણે કહ્યું છેઃ “છેલ્લા થોડા દિવસમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલ ચાલી રહી છે. એકાએક અમે, અર્થાત બાળાસાહેબ ઠાકરેના શિવસૈનિકો થોડા સમય માટે અલગ થયા તેમાં તો અમને વિલન ચીતરી દેવામાં આવ્યા. જે લોકો અમારા કારણે રાજ્યસભામાં ચૂંટાયા એ જ રોજેરોજ અમારા વિશે બેફામ બોલે છે. અમને ગંદા ભૂંડ કહેવામાં આવે છે. એથી પણ વધારે ખરાબ ભાષાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને તે એટલે સુધી કે હવે તો અમારા મૃતદેહોની રાહ જોવામાં આવે છે!”

આવી શરૂઆત કર્યા પછી કેસરકરે એવો દાવો કર્યો છે કે, અમે તો હકીકતે શિવસેનાના સાચા અવાજને મજબૂત બનાવવા ગુવાહાટી જઇને બેઠા છીએ. અમે વારંવાર કહીએ છીએ કે આ કોઈ બળવો નથી પરંતુ શિવસેનાના આત્મસન્માનની લડત છે. જોકે, એ વાત અત્યંત ખેદજનક છે કે વર્તમાન નેતાગીરી આ બધું જોવા છતાં સમજી શકતી નથી. આ જ કારણે અમે આ પત્ર દ્વારા એવા લોકોને ખુલ્લા પાડવા માગીએ છીએ જેઓ કહે છે કે અમે વેચાઈ ગયા છીએ.

કેસરકરે પત્રમાં જણાવ્યું છે કે, આજે જે સમસ્યા દેખાય છે તે કંઈ તત્કાળ ઊભી થયેલી નથી. આ સમસ્યા લાંબા સમયથી ઘેરાઈ રહી હતી. શિવસેના-ભાજપનું જોડાણ દાયકાઓ જૂનું છે, એમ કહીને કેસરકરે છેક 2014ની લોકસભા ચૂંટણીથી શરૂ કરીને 2019ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી, તેનાં પરિણામો લગતી વિગતવાર ચર્ચા કરી છે. તેમણે બેઠકોની સમજૂતી અંગે ભાજપ અને શિવસેનાની નેતાગીરી વચ્ચે જે થોડી ઘણી ખેંચતાણ થઈ તેનો પણ ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, આમછતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે મહારાષ્ટ્ર ભાજપનું એકમ હોય- દરેકે હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેનું હંમેશાં માન રાખ્યું છે.

દીપક કેસરકરે ભાજપ-શિવસેના ફરી નજીક આવી રહ્યા હતા તેમ જણાવી સમસ્યાની શરૂઆત ક્યાંથી થઈ તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું કે, બરાબર એ જ સમયે સંજય રાઉત ચિત્રમાં આવ્યા અને ભાજપની કેન્દ્ર સરકારની ટીકા કરવાની શરૂઆત કરી. રાઉત એમ માનતા હતા કે આપણે (શિવસેના) કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન મેળવીશું અને સાથે સાથે શિવસેનાની સ્થિતિ મજબૂત કરીને મોદી સરકારની ટીકા પણ કરવાનું ચાલુ રાખીશું. તેમના આવા વલણને પરિણામે બંને પક્ષ વચ્ચે તિરાડ પડવા લાગી. આ સમગ્ર ગાળા દરમિયાન શિવસેનાના અમે સૌ ધારાસભ્યોએ પક્ષની નેતાગીરીનું ધ્યાન એ બાબત તરફ દોરતા રહ્યા હતા, પરંતુ તેની કોઈ અસર થઈ નહીં. રોજેરોજ અભદ્ર ભાષામાં કરવામાં આવતી ટીકાની પણ નેતાગીરીએ નોંધ લીધી નહીં. અમારા પક્ષના નેતા સંજય રાઉત જે આકરી અને અભદ્ર ભાષા બોલે છે એવી ભાષાનો પ્રયોગ તો કોંગ્રેસ, એનસીપી કે પછી દેશના બીજા વિરોધપક્ષો પણ કરતા નથી.

વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ તેનો આધાર વધારતો જાય છે એટલું જ નહીં પરંતુ શિવસેના પણ શિવસેના પણ આગળ વધવા પ્રયત્નશીલ છે. તેનું પરિણામ એ આવી રહ્યું હતું કે એક સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોનો વિસ્તાર થાય અને એ રીતે હિન્દુત્વની વિચારધારા મજબૂત બને – આ બાબતોથી અમને અત્યંત આનંદ થતો હતો. બાળાસાહેબનો મૂળ મંત્ર અને શીખ હિન્દુત્વ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની હતી. દીપક કેસરકરે આ પત્રમાં એટલે સુધી નિવેદન કર્યું છે કે, જો અમારું મૃત્યુ આવશે તો પણ અમે હિન્દુત્વના રક્ષણ માટે લડતાં લડતાં મૃત્યુ પામવાનું પસંદ કરીશું.

શિવસેનાનો પ્રવાસ આગળ વધ્યો. પક્ષ એક નવા મુકામ પર પહોંચ્યો. અલબત્ત, આ પ્રગતિ અને મુકામ જો હિન્દુત્વની વિચારધારાને મજબૂત કરવાની દિશામાં હોત તો અમને ચોક્કસ ગમત. પક્ષે જે નવી દિશા અખત્યાર કરી હતી તે સત્તા માટે હોત તો પણ અમે સમજી શકત. પરંતુ એવા માર્ગને શું કરવાનો જે આત્મઘાતક સાબિત થતો હોય. અમે એ સ્થિતિનો કદી સ્વીકાર નહીં કરીએ. એવી સત્તા કે સ્થિતિને શું કરવાની જેમાં શિવસેનાનું પોતાનું અસ્તિત્વ જોખમમાં મૂકાતું હોય?

આ પત્ર દ્વારા શિંદે જૂથે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે, શિવસેનાનું અસ્તિત્વ જોખમમાં મૂકવાની આ મોડસ ઓપરેન્ડી જિલ્લા પરિષક, નગરપાલિકા અને ગ્રામપંચાયત સુધી પહોંચી ગઈ. અમે અમારું જીવન એનસીપી અને કોંગ્રેસની વિરુદ્ધમાં લડવામાં પસાર કર્યું છે અને એ રીતે શિવસેનાને એક મજબૂત સંગઠન બનાવ્યું છે. અમારા આ મજબૂત કિલ્લાને ધ્વસ્ત કરી દેવા પદ્ધતિસરનું કાવતરું થઈ રહ્યું હતું. પરિણામે શિવસેનાનો પાયો હચમચી ગયો. સ્થિતિ એવી હતી કે અમે સરકારમાં પણ હતા અને અમે જ વિરોધપક્ષમાં પણ હતા.
અમને બધાને રાજકારણની આ આંટીઘૂંટી સમજાવા લાગી હતી 2019માં સ્થિતિ વધારે કથળવા લાગી. સૌથી પહેલાં લોકસભા ચૂંટણી યોજાઈ. એ જ અરસામાં વિધાનસભા ચૂંટણી માટે જોડાણની પણ જાહેરાત થઈ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી યોજાઈ અને અમારા જોડાણની જીત થઈ. સરકાર રચાવાની તૈયારી જ હતી ત્યારે એનસીપીના દોરીસંચારથી સંજય રાઉત સક્રિય થયા. એ સમગ્ર ઘટનાક્રમનો ઉલ્લેખ કરીને કેસરકરે જણાવ્યું છે કે, હવે પાણી માથાથી ઉપર ચાલ્યું હતું હતું. આજે અમારા ભોગે એનસીપી અને કોંગ્રેસ સત્તા ભોગવે છે અને તેની સાથે સાથે જ શિવસેનાને ખતમ કરવા સક્રિય છે, જે અમે કોઈપણ ભોગે ચલાવી લેવા માગતા નથી. જો એક સંજય રાઉતને કારણે સમગ્ર પક્ષ એનસીપીના પગમાં પડી જશે તો પછી શિવસેના પાસે રહેશે શું?

કાશ્મીર મુદ્દે હિન્દુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેએ મજબૂત વલણ લીધું હતું એટલું જ નહીં પરંતુ કાશ્મીરી પંડિતોને મહારાષ્ટ્રમાં આવવા નિમંત્રણ આપ્યું હતું. પરંતુ જ્યારે કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યારે આપણા નેતાઓ ખુલીને બોલી શકવાની સ્થિતિમાં નહોતા. આ કેવા પ્રકારનું સમાધાન હતું? આ હદની દુઃખદ સ્થિતિ? શરદ પવાર અને સોનિયા ગાંધીને ખુશ કરવા માટે અમારે અમારું આત્મસન્માન પણ ગુમાવી દેવાનું?

અત્યંત સચોટ, ભાવવાહી અને તર્કબદ્ધ પત્રમાં દીપક કેસરકેર જણાવ્યું છે કે, કમનસીબે સંજય રાઉત તો લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ પણ નથી અને છતાં અમારા પક્ષને ખતમ કરવા મથી રહ્યા છે. સંજય રાઉત એનસીપીના પ્રીતિપાત્ર છે. તમે શિવસેનાને ભાજપથી દૂર કરવામાં ભલે સફળ થયા, પરંતુ શિવસેનાને તમે હિન્દુત્વથી દૂર કરવા માગતા હોવ તો અમે કેવી રીતે ચલાવી લઈ શકીએ? તેવો સીધો પ્રશ્ન શિંદે જૂથે આ પત્રમાં ઉઠાવ્યો છે.

તેમણે કહ્યું કે, વધારે કમનસીબી એ છે કે, પક્ષ સંજય રાઉતની સલાહ પ્રમાણે ચાલે છે, અને એ દ્વારા વર્ષોથી પ્રજા વચ્ચે રહીને ચૂંટાતા રહેલા શિવસૈનિકોના ભોગે.

પત્રમાં અંતે સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, અમારી આ લડત શિવસેના માટે છે, હિન્દુત્વ માટે છે, હિન્દુહૃદય સમ્રાટ બાળાસાહેબની વિચારધારા માટે છે, શિવસેનાના અસ્તિત્વ માટે છે અને મરાઠી તેમજ હિન્દુત્વના ગૌરવ માટે છે.

દીપક કેસરકરે છેલ્લે સીધા જ ઉદ્ધવ ઠાકરેને સંબોધીને લખ્યું છેઃ હું મુખ્યપ્રધાન ઉદ્ધવજી ઠાકરેને ભાજપ સાથે જોડાણ કરવા અંગે ફરી વિચારણા કરવા વિનંતી કરું છું. ભાજપ અને શિવસેનાની આ યુતિ પ્રજાએ ચૂંટણીમાં આપેલા ચુકાદા અનુસાર ગણાશે. આ યુતિ મહારાષ્ટ્રને વિકાસના ઊંચા શિખરે લઈ જશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, અમારા વલણને મહારાષ્ટ્રની પ્રજાનું પણ સમર્થન મળી રહ્યું છે.