રાજ્યમાં ૫૪,૧૬૧ પશુઓને લમ્પી સ્કીન ડીસીઝ; પશુપાલકો માટે ટોલફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી

પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજ્યમાં પશુઓમાં લંમ્પી સ્કીન ડિસિઝ રોઞનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મુખ્ય સચિવ દ્વારા સતત મોનીટરિંગ કરીને રોજબરોજ સમીક્ષા પણ કરવામાં આવે છે. રાજ્યમાં રસીનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. અસરગ્રસ્ત પશુઓને સત્વરે સારવાર પૂરી પાડવા માટે પશુપાલન વિભાગ દ્વારા તબીબો સહિતની ટીમો તમામ જિલ્લાઓમાં કાર્યરત છે. અસર ગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે.પશુપાલનમંત્રીએ માહિતી આપી કે, રાજયમાં લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં પાંચ સભ્યોની નિમણૂક કરાઇ છે આ ટાસ્ક ફોર્સ દ્વારા સારવાર સંદર્ભે જે પણ ગાઇડલાઇન મળશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

પશુપાલન મંત્રીએ ઉમેર્યું કે પશુપાલકોને આ રોગ સંદર્ભે સત્વરે માહિતી મળી રહે તે આશયથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર (SEOC) ખાતે રાજય કક્ષાનો કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયો છે. આ કન્ટ્રોલ રૂમનું સુપરવિઝન ફીશરીઝ કમિશ્નર શ્રી નીતીન સાંગવાન દ્વારા કરવામાં આવશે.

પશુપાલકોને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે શરૂ કરેલી ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૯૬૨ પર છેલ્લા આઠ દિવસમાં ૨૧,૦૨૬ એટલે કે દરરોજ સરેરાશ ૨૧૦૦થી વધુ કોલ્સ લમ્પી સ્કીન ડીસીઝ માટે આવ્યા છે અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું છે. આ રોગના નિયંત્રણ અને મોનીટરિંગ માટે કલેકટરના અધ્યક્ષસ્થાને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમન સહિતની રચાયેલી સમિતિ દ્વારા કરવામાં આવેલી કામગીરીના અનુસંધાને સચિવ –પશુપાલન દ્વારા જિલ્લા કલેકટરશ્રી – કચ્છ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, રાજકોટ અને બનાસકાંઠા સાથે સમીક્ષા કરીને જીલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો હોવાનું પશુપાલન મંત્રીએ જણાવ્યું હતું.

રાજ્યમાં હાલની સ્થિતિએ અત્યાર સુધીમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળી કુલ રાજ્યના કુલ ૨૦ જિલ્લાઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે. આ ૨૦ જિલ્લાઓના અસરગ્રસ્ત ૧૯૩૫ ગામોમાં ૫૪,૧૬૧ પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે તે તમામ ૫૪,૧૬૧ પશુઓને સારવાર આપવામાં આવી છે. અત્યાર સુધીનાં રોગચાળા અહેવાલ મુજબ રાજ્યમાં કુલ ૧૪૩૧ પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મૃત્યું નોધાયા છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૮.૧૭ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જીલ્લા કક્ષાએ ૭.૯૦ લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે.

તેમણે ઉમેર્યું કે, આ ૨૦ જિલ્લાઓમાં પશુપાલન ખાતાના ૨૨૨ પશુચિકિત્સા અધિકારીઓ અને ૭૧૩ પશુધન નિરીક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. વધારાના ૩૩૨ આઉટસોર્સડ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે. પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝની સારવાર અને રસીકરણની કામગીરીને યુધ્ધનાં ધોરણે પરિપૂર્ણ કરવા રાજ્યની વેટરનરી કોલેજના સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત ૧૦૭ સભ્યો કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં કામગીરી કરી રહ્યા છે ઉપરાંત વધુ સભ્યો કામધેનું યુનિવર્સિટી દ્વારા કચ્છ જીલ્લા ખાતે -૧૭૫, જામનગર ખાતે ૭૫ અને દેવભૂમિ-દ્વારકા ખાતે ૫૦ મોકલી આપીને હજુ વધુ પુરજોશમાં રસીકરણની કામગીરી કરવા તૈનાત કરવા આજરોજ નક્કી કરવામાં આવ્યું છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો