પ્રાકૃતિક કૃષિ વિષય ઉપર ગુજરાતમાં સ્નાતક, અનુસ્નાતક અને સર્ટિફિકેટ કોર્સની શરૂઆત થશે

ગાંધીનગરઃ રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં આ વર્ષથી જ પ્રાકૃતિક કૃષિ વિષય ઉપર સ્નાતક, અનુસ્નાતક અને સર્ટિફિકેટ કોર્સની શરૂઆત થશે. આ અંગેની જાહેરાત રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ કરી હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 76મા સ્વાતંત્ર પર્વે રાજભવન, ગાંધીનગરમાં યોજાયેલા એટ હોમ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે દેશભરમાં સૌપ્રથમ ગુજરાત રાજ્ય દ્વારા તૈયાર કરાયેલા પ્રાકૃતિક કૃષિના અભ્યાસક્રમોનું વિમોચન કરાયું હતું.

પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કૃષિ સ્નાતકો તૈયાર થાય અને વધુને વધુ સંશોધનો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન મળે તે વાતને ધ્યાને લઈ, પ્રાકૃતિક કૃષિને વિષય તરીકે કૃષિ યુનિવર્સિટીમાં ભણાવી શકાય તે માટે અભ્યાસક્રમ તૈયાર કરવા એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિના અધ્યક્ષ સ્થાને નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર ડો. નિલમ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. અન્ય સભ્યોમાં ડો. વાય. એસ. પરમાર કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. રાજેશ્વર સિંહ ચંદેલ, કૃષિ યુનિવર્સિટી હિસારનાં કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર બલજીત સહારન, પંતનગર કૃષિ યુનિવર્સિટી, ઉત્તરાખંડના ડો. સુનીતા પાંડેય, ડો. વાય. એસ. પરમાર કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. સુભાષ વર્મા, ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. કે. ટીમ્બડીયા, આંધ્રપ્રદેશના કૃષિ નિષ્ણાત ડો. ડી.વી. રાયડુ તેમજ આશિષ ગુપ્તાની નિયુક્તિ કરવામાં આવી હતી.

સમિતિના સભ્યોએ ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ તેમજ આંધ્રપ્રદેશમાં પ્રાકૃતિક કૃષિ કરનારા ખેડૂતોના ફાર્મની મુલાકાત લઈ વિગતો એકઠી કરી હતી. આ ઉપરાંત અન્ય દેશોમાં ચાલતા પરંપરાગત કૃષિના વિવિધ અભ્યાસક્રમોની પણ સમીક્ષા કરીને કૃષિ ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક તેમજ સર્ટિફિકેટ કોર્સ માટે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અભ્યાસક્રમ અંગે ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓના પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા. તેને આધારે 22 જુલાઈ, 2022 ના રોજ રાજ્યપાલશ્રીના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે મળેલી બેઠકમાં આ અભ્યાસક્રમને આખરી રૂપ આપવામાં આવ્યું હતું અને 15 ઓગસ્ટના સ્વાતંત્ર પર્વે રાજભવન ખાતે યોજાયેલા એટ હોમ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું.

રાજ્યપાલે આ અભ્યાસક્રમને રાજ્ય સરકારનું કૃષિ શિક્ષણ ક્ષેત્રે નવી દિશા દર્શાવનારું પગલું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષથી જ રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં આ અભ્યાસક્રમો શરૂ થઈ જશે. જ્યારે પીએચ.ડી. ના સંશોધનની સુવિધા આવતા વર્ષથી શરૂ થશે. પ્રાકૃતિક કૃષિનો આ અભ્યાસક્રમ કૃષિ નિષ્ણાતો તૈયાર કરી પ્રાકૃતિક કૃષિને વધુને વધુ વૈજ્ઞાનિક ઢબે આગળ ધપાવવા સહાયભૂત થશે.
દેશ ગુજરાત

તાજેતર ના લેખો