AMC દ્વારા શહેરમાં અત્યાર સુધી 104 જેટલા ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના ગ્રીન કવર વિસ્તારને 15% સુધી લઈ જવાના લક્ષ્યાંક માટે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 104 જેટલા ઓક્સિજન પાર્ક કોર્પોરેશન દ્વારા નિર્માણ કરાયા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ ઓક્સિજન પાર્ક આવેલ છે. જેમાં મધ્ય ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 27, પશ્ચિમ ઝોનમાં 17, ઉત્તર ઝોનમાં 13, દક્ષિણ ઝોનમાં 7, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 14, અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 22 જેટલા ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે. વર્ષ 2019-20 માં 50, વર્ષ 2020-21 માં 24, વર્ષ 2021-22 માં 29 અને વર્ષ 2022-23માં અત્યાર સુધીમાં 2 ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા છે.

આ તમામ ઓક્સિજન પાર્કમાંથી મોટાભાગના પાર્ક મિયાવાકી પદ્ધતિથી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ડેન્સ પદ્ધતિથી પણ બનાવવામાં આવ્યા છે. અમુક ઓક્સિજન પાર્ક પીપીપી ધોરણે પણ નિર્માણ કરવામાં આવ્યા છે.

ઓક્સિજન પાર્કમાં તાપમાન સામાન્ય વિસ્તાર કરતાં ચારથી પાંચ ડિગ્રી ઓછું રહે છે. જેથી અહીં ખૂબ ઓછી ગરમી લાગે છે. આ ઉપરાંત ઓક્સિજન પાર્કમાં મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણો પણ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં  તળાવ, લોન તથા ચાલવા માટેનો વોકિંગ ટ્રેકનો સમાવેશ થાય છે. આ સાથે બાળકો માટે અવનવા રમતગમતના સાધનો પણ મુકાયા છે. તથા ફિટનેસ માટે અહીં એક અનોખું જીમ્નેશિયમ પણ હોય છે અને યોગ માટે એક સ્પેશિયલ યોગ પોઇન્ટ બનાવવામાં આવે છે.

અમદાવાદ શહેરનું ગ્રીન કવર 15% સુધી લઈ જવાનું કોર્પોરેશનનું મુખ્ય લક્ષ્યાંક છે. શહેરનું ગ્રીન કવર 2012માં 4.66% હતું જે વધી હાલમાં 12% સુધી પહોંચ્યું છે.

તાજેતર ના લેખો