જળ રમત-ગમત, નૌકાવિહાર પુનઃ શરુ થશે; ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન નિયમો 2024ને મુખ્યમંત્રીની મંજૂરી
October 25, 2024
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ (કેટેગરી ‘C’ ઇનલેન્ડ વેસેલ્સની નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન) નિયમો 2024ને મંજૂરી આપી છે.
રાજ્ય સરકારે ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ 2021ની જોગવાઈઓ અનુસાર કેટેગરી ‘C’ ઇનલેન્ડ વેસેલ્સની નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન માટેના આ નિયમોનો ડ્રાફ્ટ જૂન-2024માં તૈયાર કરીને તેમાં લોકોના વાંધા સુચનો આમંત્રિત કરવા પ્રસિદ્ધ કર્યો હતો.
આ ડ્રાફ્ટ સંદર્ભમાં આવેલા વાંધા-સુચનોનો અભ્યાસ કરીને હવે આ નિયમોને આખરી સ્વરૂપ આપવાના દિશાનિર્દેશો મુખ્યમંત્રીશ્રીએ બંદર અને વાહન વ્યવહાર વિભાગને આપ્યા છે.
રાજ્ય સરકારે જાહેર કરેલા આ નવા નિયમો 10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ- હોડી- બોટ માટે લાગુ કરવામાં આવ્યા છે.
આ નિયમો અંતર્ગત 10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ- હોડી- બોટનું રજિસ્ટ્રેશન કરાવવા માગતા વ્યક્તિઓએ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે.
જિલ્લા કે શહેરની વોટરસાઈડ સેફ્ટી કમિટી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટના સંચાલનનું સમયાંતરે ઈન્સ્પેક્શન કરશે તેમજ સલામતિ નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલા લઈ શકશે.
શહેરી અને ગ્રામિણ વિસ્તાર તથા અન્ય સત્તાધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓના સંદર્ભમાં પણ નિયમોમાં વિસ્તૃત જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ઓપરેટરનો રોલ, લાઈફ જેકેટ, માસિક મેઈન્ટેનન્સ, ક્વોલિફાઈડ ક્રુ મેમ્બર્સ, લાઈફ બોટ, ઈમરજન્સી રિસ્પોન્સ બોટ, સલામતિના સાધનો, જનજાગૃતિ અને પર્યાવરણીય સલામતીના ધોરણો પણ વિસ્તૃત બનાવવામાં આવ્યા છે.
ઇનલેન્ડ વેસેલ્સ એક્ટ, 2021 અને અન્ય સંબંધિત નિયમોની સત્તાઓનો ઉપયોગ કરીને, રાજ્ય સરકારે કાયદા હેઠળ સત્તા અથવા ફરજો નિભાવવા માટે ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની નિમણૂક કરી છે.
મુખ્ય સર્વેયર તરીકે ગુજરાત મેરીટાઇમ બોર્ડના નોટિકલ ઓફિસર, વોટર સ્પોર્ટસ એક્ટિવિટી અને બોટિંગના રજિસ્ટ્રેશન માટે રજિસ્ટ્રાર તરીકે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિવિધ સર્વેના ઇન્ચાર્જ તરીકે મરીન ઓફિસર અને ઇજનેરોની નિમણૂક પણ કરવામાં આવી છે.
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે