ટ્રમ્પના કાર્યક્રમને કારણે ગુજરાતમાં કોરોનાવાઇરસના પ્રવેશવાની શરુઆત થઇ એવા કોંગ્રેસના દાવામાં કેટલું સત્ય છે?
May 07, 2020
જપન પાઠક
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને ગુજરાતમાં કોરોનાવાઇરસના ફેલાયેલા ઇન્ફેક્શન માટે જવાબદાર ગણ્યો છે. અમિત ચાવડાએ કહ્યું છે કે ટ્રમ્પના કાર્યક્રમને કારણે ગુજરાતમાં કોરોનાવાઇરસના પ્રવેશવાની પ્રાથમિક શરુઆત થઇ.
વિપક્ષનું લોકશાહીમાં આગવું મહત્વ છે અને તેથી ચાવડાના દાવાને પૂરતી ગંભીરતાથી લઇ તેની વેલીડીટી ચકાસતા નીચે સમાવેલા તથ્યો સામે આવે છે અને તે પરથી દાવાની સત્યતા અંગે કેટલાક સ્પષ્ટ નિષ્કર્ષ નીકળે છે.
પહેલી વાત તો એ કે, ટ્રમ્પનો કાર્યક્રમ યોજાયો ત્યારે કોંગ્રેસે તેની સામે સંખ્યાબંધ પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ તે બધામાં ક્યાંય કોરોનાવાઇરસને લગતો પ્રશ્ન એક ઠેકાણે પણ ઉઠાવ્યો ન હતો, અને આવી કોઇ ભીતિ વ્યક્ત કરી ન હતી. આનું સીધુ કારણ એ કે એ સમયે કોરોનાવાઇરસ એ અહીં ગુજરાતમાં કોઇ વિષય જ ન હતો. એ સમયે આખા ભારતમાં કોરોનાવાઇરસના માત્ર ત્રણ કેસ હતા અને તે તમામ કેરળમાં હતા, તથા વૂહાન – ચાઇના સાથે સંબંધિત હતા. આ ત્રણ વ્યક્તિઓ પણ ત્યારે હોસ્પિટલમાંથી સાજા થઇને ઘરે આવી ગયા હતા અને માત્ર હોમ આઇસોલેશનમાં હતા. એ ગાળામાં ભારતના એરપોર્ટ પર યુનિવર્સલ સ્ક્રીનીંગ સિંગાપુર, થાઇલેન્ડ, હોંગ કોંગ, ચીન, ઇન્ડોનેશીયા, વિયેટનામ, મલેશીયાથી આવતા યાત્રીઓ માટે અમલમાં હતું કારણકે કોરોનાવાઇરસના કેસ આ દેશોમાં વિપુલ હતા અને ત્યાંથી જ ભારત આવે તેવી સ્થિતિ હતી. અમેરિકા અને પશ્ચિમી દેશોમાં પરિસ્થિતિ સામાન્ય હતી. જન સમુદાયમાં, મિડિયામાં, વિપક્ષની પત્રકાર પરિષદો કે ચર્ચાઓમાં ક્યાંય પણ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇને કોરોનાવાઇરસનો ઉલ્લેખ માત્ર પણ ન હતો કારણકે કોઇ લેવા દેવા જ ન હતી. જનતા, પત્રકારો સૌ સાક્ષી છે. જો દૂર દૂર સુધી લાગતું વળગતું હોતો તો કોંગ્રેસ તે વખતે જ ગાઇ વગાડીને ટ્રમ્પના કાર્યક્રમનો કોરોનાવાઇરસના સંદર્ભમાં વિરોધ કરી શક્યું હોત. દર અસલ ટ્રમ્પનો કાર્યક્રમ ગુજરાતમાં થયો જ ન હોત, જો કોરોનાવાઇરસની જરા અમથી પણ સ્થિતિ હોત. ન ટ્રમ્પ આવ્યા હોત, ન તેમનું પરિવાર જો અહીં કોરોનાવાઇરસની સહેજ પણ શક્યતા માત્ર પણ હોત.
હવે બીજી વાત. જો ટ્રમ્પના કાર્યક્રમથી કોરોનાવાઇરસનું ઇન્ફેક્શન ગુજરાતમાં પ્રવેશવાની શરુઆત થઇ હોત તો કાર્યક્રમ પૂરો થયાના ચૌદ દિવસમાં એટલેકે માર્ચની સાતમી તારીખ સુધીમાં કોરોનાવાઇરસના સંખ્યાબંધ અને અઢળક કેસ નજરે ચડયા હોત. પરંતુ તેમ નહતું થયું. ગુજરાતમાં કોવીડના પ્રથમ બે કેસ છેક ઓગણીસમી માર્ચે નોંધાયા. આમાં સુરતની 21 વર્ષની છોકરીનો કેસ હતો, જે લંડનથી આવી હતી. અને બીજો રાજકોટના યુવાનનો કેસ હતો, જે સાઉદી અરેબીયામાં મક્કા – મદીનાની યાત્રા કરીને આવ્યો હતો. 20 માર્ચના દિવસે ગુજરાતમાં કોરોનાવાઇરસના ડિટેક્ટ થયેલા કેસનો આંકડો તેર પર પહોંચ્યો હતો જેમાં બાર વિદેશથી આવેલા હતા અને માત્ર એક જ ભાઇ કે જે સુરતના હતા તેઓ દિલ્હી – જયપુર જઇને સુરત આવ્યા હતા અને પછી કોરોનાવાઇરસથી સંક્રમિત માલૂમ પડયા હતા. આમ ટ્રમ્પના કાર્યક્રમ પૂર્ણ થયાના ચૌદ દિવસમાં કોઇ કેસ નોંધાયો ન હતો, અરે 27 દિવસમાં કોઇ કેસ નોંધાયો ન હતો અને તે પછી પણ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જઇ આવેલા નહીં પરંતુ વિદેશ જઇ આવેલાઓના કેસ કોવીડ પોઝીટીવ તરીકે પ્રકાશમાં આવ્યા હતા. આવામાં કોંગ્રેસનો દાવો કે ટ્રમ્પના કાર્યક્રમથી ગુજરાતમાં કોરોનાવાઇરસના પ્રવેશની શરુઆત થઇ તદ્દન ધંગધડા વગરનો અને તર્ક વગરનો પુરવાર થાય છે. આવા કુતર્કે તો કાલે કોઇ એમ કહેવાનું પણ શરુ કરી દઇ શકે કે માર્ચ 2019માં યોજાયેલા પ્રયાગના અર્ધ કુંભ મેળાથી ઉત્તર પ્રદેશમાં કોરોનાવાઇરસના ફેલાવાની શરુઆત થઇ, અથવા તો રાહુલ ગાંધીની જાન્યુઆરીના અંતમાં યોજાયેલી જયપુર રેલીથી રાજસ્થાનમાં કોરોનાવાઇરસના ફેલાવાની શરુઆત થઇ. ચૌદ દિવસના ગાળા પહેલાની લિમીટમાં રેખાઓ લાંબી ખેંચીને ગમે ત્યાં સુધી લઇ જઇ શકાય. પાછલી ઇસવીસનો સુધી પણ લઇ જઇ શકાય.
ત્રીજી વાત. 24 ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખવું જોઇતું હતું આજે તેવું કહેનાર અમિતભાઇ ચાવડાએ ખુદે છ માર્ચે પત્રકારો સમક્ષ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પક્ષ નવમી માર્ચથી ગુજરાતમાં દાંડી યાત્રા યોજશે. જુદા જુદા રાજ્યો દીઠ એંશી સેવા દળના કાર્યકરો તેમાં જોડાશે. છ માર્ચે ચાવડાએ પત્રકારોને કહ્યું હતું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેની શરુઆતના કાર્યક્રમમાં જોડાશે જ્યારે સોનિયા ગાંધી તેના સમાપન સમારોહમાં હાજર રહે તેવી શક્યતા છે. આ વાત એટલા માટે મહત્વની છે કે અમિત ચાવડા અત્યારે ચોવીસ ફેબ્રુઆરીએ યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સામે આક્રોશ વ્યક્ત કરે છે પરંતુ તેના પંદરેક દિવસ પછી છ માર્ચે તો તેઓ હોંશભેર ગુજરાતમાં દાંડી યાત્રા યોજવાની જાહેરાત કરી રહ્યા હતા. વાસ્તવમાં ટ્રમ્પના કાર્યક્રમના દિવસની તુલનમાં રાષ્ટ્રિય કક્ષાએ કોરોનાવાઇરસના ખતરાની સ્થિતિ બદલાઇ ગઇ હતી. અન્ય રાજ્યોમાંથી કેસ ડિટેક્ટ થવા લાગ્યા હતા. વડાપ્રધાને જાહેરાત કરી દીધી હતી કે તેઓ આ વર્ષે ફાગ ઉત્સવ નહીં ઉજવે, ગુજરાતના ડાકોરના ફાગણી ઉત્સવ રદ થયો હતો. આ બધું છઠ્ઠી માર્ચની અંદર અંદર થયું હતું તેમ છતા કોંગ્રેસે દાંડી યાત્રા કાઢવાની ઘોષણા કરી હતી. સાતમી માર્ચે વડાપ્રધાને જનસમૂહ ભેગો થાય તેવા કાર્યક્રમોના આયોજન ન કરવાની અપીલ કરી હતી. આમ છતા કોંગ્રેસે દાંડી યાત્રાનું આયોજન રદ કરવાની જાહેરાત નવમી માર્ચે કરી હતી અને તે પાછળ પણ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાવાની, મધ્યપ્રદેશની કમલનાથ સરકાર મૂશ્કેલીમાં મૂકાયાની અને રાજ્યસભાની ચૂંટણીઓમાં શક્ય ઉથલપાથલની બાબતો જવાબદાર માનવામાં આવી હતી, ભલે કોંગ્રેસે અધિકારીક રીતે યાત્રા બંધ રાખવા માટે કોરોનાવાઇરસની સ્થિતિનું કારણ આગળ ધર્યું હોય.
હવે કેટલીક તારીખો અને પ્રસંગો જુઓ. ચોથી માર્ચે રાહુલ ગાંધીએ ટોળાબંધ રીતે દિલ્હીના રમખાણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, છઠ્ઠી માર્ચે રાહુલ ગાંધીએ કોંગ્રેસના અન્ય સાંસદો સાથે સમૂહમાં ભેગા થઇ અમિત શાહના રાજીનામા માટે વિરોધ પ્રદર્શન કર્યું, સંસદમાં કોંગ્રેસના લોકસભાના સાંસદોએ ભેગા થઇને હંગામો કર્યો જેના પગલે લોકસભાની કાર્યવાહી એડજર્ન રખાઇ, ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ભેગા મળીને રાજયસભાની ચૂંટણીના ઉમેદવારના આવેદનપત્રો ભર્યા, વિધાનસભા સત્રમાં હાજરી આપી, ભરચક અમદાવાદ એરપોર્ટ પરથી કોંગ્રેસના ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં પહોંચ્યા…..આ બધું તો માર્ચના પ્રથમ પંદર દિવસોમાં જ થયું…. 24 ફેબ્રુઆરીથી ઘણું પછી થયું, અત્યારે ભલે અમિતભાઇ ચાવડા ડબલ્યૂએચઓના કથિત કથનને આગળ ધરીને સોશ્યલ ડિસ્ટન્સીંગ છેક ફેબ્રુઆરીમાં સચવાવું જોઇતું હતું તેવો દાવો કરતા હોય.
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લેતા કોંગ્રેસનો નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમને કોરોનાવાઇરસ સાથે જોડવાનો દાવો મલ્ટીપલ લેવલે હાસ્યાસ્પદ તો છે જ, પરંતુ માથુ કૂટવાનું મન થાય તેવો પણ છે કારણકે વિપક્ષ હકીકતમાં ખરેખર મહત્વના જે તર્કબદ્ધ મુદ્દા ઉઠાવીને સરકારને ઘેરી શકે તેમ હોય તેવા મુદ્દા ઉઠાવતું નથી અને આવા પાયા વગરના મુદ્દા ઉઠાવીને પોતાનું રહ્યુંસહ્યું મહત્વ પણ ગુમાવે છે.
કોંગ્રેસ સાવ આવી સત્વ વગરની વાતો રમતી મૂકે એમાં તેના નેતાઓની નાસમજી હોય તે માન્યામાં આવતું નથી. બની શકે કે રફાલ જેવો નકામો સાબિત થયેલો વ્યૂહ ફરી અજમાવ્યો હોય. છેવટે કંઇ તથ્ય ભલે ન નીકળે, પણ લોકમાનસ પર ઝીંકાઝીંક ચાલુ રાખવી એટલે કમસેકમ કેટલોક વર્ગ તો તે પ્રચારને હકીકત જ માનતો થઇ જાય કે એ દિશામાં વિચારતો, પ્રશ્નો કરતો થઇ જાય.
Related Stories
Recent Stories
- PM Surya Ghar Yojana: ₹2,362 Crore Subsidy Provided to 3.03 Lakh Consumers in Gujarat
- Six New Check Dams Built for Rs. 18 Crore on Meshvo, Khari Rivers Inaugurated
- Threat over India-Pakistan videos; Two arrested, Pak links emerge
- Himmatnagar: New overbridge on NH-48 likely to open next month
- 8 Factors to Consider When Choosing a Term Deposit
- Petronet LNG requests extra land for Dahej petrochemicals complex project
- GujRERA refers Shivalik Wave project case for legal action over pre-registration marketing