ધરમપુરના એક એવા તબીબ જેમનું લક્ષ્ય સર્પદંશમાં ‘ઝીરો ડેથ’નું છે

રાજેન્દ્ર રાઠોડ

સુરતઃ ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારના નાનકડા એવા વારોલી જંગલ ગામનો અગિયાર વર્ષનો અવિનાશ તેના ઘરના વાડામાં રમી રહ્યો હતો. રમવામાં તલ્લીન અવિનાશને જ્યારે તેના ડાબા હાથે સાપે ડંખ માર્યો ત્યારે તેને કારમી ચીસ નાખી. ચીસ સાંભળીને તેનો પરિવાર દોડી આવ્યો. અવિનાશને સાપે ડંખ માર્યો છે તેવી જાણ થતાં જ તેને ધરમપુરની શ્રી સાઈનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તબીબે, ઝેરી સાપ રસેલ વાઇપર કરડવાનું નિદાન કરી પૂરતી સારવાર કરી. આજે અવિનાશ તેના પરિવાર સાથે ‘નિત્ય’ થઇ ગયો છે.

સર્પદંશના કેસોમાં જેમણે પોતાનું લક્ષ્ય ‘ઝીરો ડેથ’ રાખ્યુ છે એવા ડો. ધીરૂભાઇ સી. પટેલ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પોતાની શ્રી સાઇનાથ હોસ્પિટલ ધરાવે છે. અવિનાશ સહિત કંઈ કેટલા લોકોના જીવ સર્પદંશથી તેમણે બચાવ્યા છે. આજદિન સુધીમાં તેમણે ૧૬ હજારથી વધુ સર્પદંશના કેસોમાં સફળ સારવાર કરી છે. તેમના કહેવા મુજબ તેમની કિશોરાવસ્થામાં તેમણે સર્પદંશથી મૃત્યુ થતા જોયા અને ત્યારથી જ મનમાં ગાંઠ વાળી કે તેઓ ડોક્ટર થશે અને સર્પદંશથી કોઇનું અકાળે મૃત્યુ નહિ થવા દે. બસ આજ ‘પેશન’ સાથે તેમણે માસ્ટર ઓફ સર્જ્યનની ડિગ્રી પ્રાપ્ત કરી. શરૂઆત તેમણે વાંસદા તાલુકાના લીમઝરની સરકારી હોસ્પિટલમાં અધિક્ષક તરીકે કરી. સરકારી નોકરી છોડી વર્ષ ૧૯૯૦માં ધરમપુર આવ્યા અને પોતાની ખાનગી હોસ્પિટલ શરૂ કરી. કારણમાં, તેમણે પહેલેથી જ નિશ્ચય કરી રાખ્યો હતો કે તેઓ ગ્રામ્યકક્ષાએ જ સેવા-સારવાર કરશે અને તેમાં પણ સર્પદંશના કેસને પ્રાધાન્ય આપશે.

બસ ત્યારથી, તેમણે ધરમપુરમાં સેવાની ધૂણી ધખાવી. સાપ કરડે એટલે મોત જ થાય એ માન્યતાને તેમણે બદલી નાખી. હોસ્પિટલમાં દર્દીઓ આવતા થયા. જેમા મોટાભાગના દર્દીઓ એન્ટિ સ્નેક વીનમ ઇંજેક્શનની કિંમત સાંભળીને જ સારવાર કરવાનું માંડી વાળી ભગત-ભૂવા પાસે જતા રહેતા અથવા અન્ય ઈલાજ કરાવતા, પરિણામે દર્દીનું મોત થતું. આવુ ન બને તે માટે આવા કેસમાં ડોક્ટર જાતે ઇંજેક્શનનો ખર્ચ ભોગવી લેતા. તેઓ કહે છે કે, “સાપ કરડવાના મોટા ભાગના કિસ્સા જંગલ વિસ્તારના હોય છે. અને આ વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ઈંજેક્શન સાથે દવા અને સારવારનો ખર્ચ પણ હું જ ભોગવી લઉ છું. ઘણીવાર આવા દર્દીઓને ભોજન પણ મેં મારા
ઘરનું આપ્યું છે.” અને આમ સર્પદંશમાં દર્દીઓ સાજા થવાની જાણ થતી ગઇ તેમ તેમ તેમના દવાખાનામાં પેશન્ટોની સંખ્યા વધવા લાગી. ઇંજેક્શનોની ખપત વધી આથી ડોક્ટરે મિત્રો પાસેથી દાન મેળવ્યું. તો સીરમ ઈન્સ્ટીટ્યુટમાં ફક્ત ફોન ઉપર થયેલી વાતચીતમાં જ તેમને ‘નેટ રેટ’માં જ ઈંજેક્શન મળ્યા અને સારવારને અવિરત રાખી. લગભગ છેલ્લા ૨૫ વર્ષથી તેઓ એન્ટિ સ્નેક વીનમ દર્દીઓને વિનામૂલ્યે આપે છે. તેમની આ માનવતા અને જીવન બચાવવાના ઝનૂનને કારણે જ તેઓ આ વિસ્તારમાં લોકપ્રિય થવા સાથે સન્માનિત થયા છે.

તેમના આ કાર્યની કદરરૂપે ઘણી સંસ્થાઓએ તેમને એવોર્ડ આપી સન્માન્યા છે. ગુજરાત સરકારે પણ વર્ષ ૨૦૦૫માં તેમને એવોર્ડ આપી સન્માન્યા હતાં. તેમના માટે રાજ્યની સંવેદનશીલ સરકારે એન્ટિ સ્નેક વીનમ વિનામૂલ્યે પુરા પાડવાનો સ્પેશ્યલ ઠરાવ (G.R.) કર્યો છે. જેમાં તેમને જેટલા જોઇએ તેટલા ઈંજેક્શન આપવાનું જણાવવામાં આવ્યું છે. ડો. ધીરૂભાઇ આને પોતાની ખૂબ મોટી સફળતા ગણાવે છે. કદાચ, ગુજરાતના આ પહેલા ખાનગી તબીબી હશે જેને રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે એન્ટિ સ્નેક વીનમ મળતા હશે.
સન્માન અને રાજ્ય સરકારની મદદ સાથે ડો. ધીરૂભાઇ પટેલે લોકોમાં સર્પદંશ અને સાપ વિશે જાગૃતિ આવે તે માટે રીતસરનું અભિયાન ઉપાડ્યું. તેઓ જણાવે છે કે, “સર્પદંશના મોટાભાગના કિસ્સા જંગલ વિસ્તારમાં બને છે. જંગલની આસપાસ રહેતા લોકો મોટે ભાગે ભોગ બનતા હોય છે. વધુમાં, આ વિસ્તારના રહિશો ગરીબ અને પછાત હોય છે, અંધશ્રધ્ધાળુ હોય છે. જેથી તેઓ દવાખાને જવાનું કે તબીબી સારવાર, જાગૃતિના અભાવે તેમજ તેમના માટે મોંઘી હોવાથી કરાવતા નથી. જંગલી ઓસડિયા કે પછી ભગત-ભૂવા પાસે જાય છે અને સર્પદંશનો કેસ મૃત્યુમાં પરિણમે છે.” આ બાબતથી વ્યથિત થઇ ડો. પટેલે ધરમપુર અને કપરાડા તાલુકા સહિતના આસપાસના વિસ્તારોમાં સાપ વિશે, તેના ડંખ મારવા વિશે, સાપના મહત્વ વિશે અને સર્પદંશની સારવાર વિશે સ્નેક બાઇટ અવરનેસ પ્રોગ્રામ નામનું લોક જાગૃતિનું અભિયાન ઉપાડ્યું. કયો સાપ ઝેરી છે, કયો બિનઝેરી છે તેની પરખ કરી ઝેરી સાપ કરડે ત્યારે શું કરવું અને શું ન કરવું તેની પૂરતી સમજ આપતા ચિત્રો અને તેમના લેપટોપમાં પાવર પ્રેઝન્ટેશન તૈયાર કરી ગામડાઓમાં, શાળાઓમાં કોલેજોમાં જઇ સ્વ ખર્ચે દર્શાવે છે. સર્પદંશ પીડિત વ્યક્તિને પુરતું આશ્વાસ આપી તેના ભયને દુર કરવો જોઇએ અને સમય વેડફ્યા વગર દવાખાને પહોંચાડવો જોઇએ. જેથી સમયસરની સારવાર મળી રહે. સર્પદંશનો ઈલાજ દુનિયામાં ફક્ત ને ફક્ત તબીબી સારવારનો છે, બીજો કોઇ નથી તેમ ભારપૂર્વક તેઓ જણાવે છે.

ડાંગ-ધરમપુર જેવા આદિવાસી, ગરીબ અને પછાત વિસ્તારમાં અંધશ્રધ્ધા વધુ જોવા મળે એ સામાન્ય બાબત છે એ વિશે ડો. ધીરૂભાઇ જણાવે છે કે, “શરૂઆતમાં સર્પદંશની સારવારમાં લોકોની અંધશ્રધ્ધા દુર કરવાનો એક મોટો પડકાર હતો.” ઘણા ભગત-ભૂવાઓએ તેમને વિવિધ ધમકીઓ આપતા. તેમના દવાખાનાને ૨૪ કલાકમાં બંધ કરાવી દેવા સુધીનો ભય બતાવતા. પણ તેમણે આ ધમકીઓનો મક્કમતાથી સામનો કરી સર્પદંશના કેસને તબીબી સારવાર કરાવવાની લોકોમાં સમજ ઉભી કરી. આજે સર્પદંશના ૯૯ ટકા કેસ હોસ્પિટલ સુધી પહોંચે છે જે તેમના માટે ખૂબ મોટી સફળતા છે તેવું તેમનું માનવું છે. વધુમાં, તેઓ જીવ સૃષ્ટિમાં અને માનવ માટે સાપનું કેટલું મહત્વ છે, સાપ ખેડૂતનો મિત્ર છે જેવી જાણકારી આપી રહયાં છે. સાથે સાપ વિશેની લોક માનસમાં રહેલી ગેર માન્યતાને પણ આ અભિયાન થકી દુર કરી રહ્યા છે. આ સાથે આ તબીબે, ઘરમાં કે માનવ અવર-જવર કરતી જગ્યાએ સાપ જોવા મળે તો, એવા સાપને ઈજા ન થાય તે રીતે પકડી જંગલમાં છોડી આવે તેવા વોલન્ટિયર પણ તૈયાર કર્યા છે. અને એક અભિયાન રૂપે આ કામગીરી અવિરત કરી રહ્યાં છે. તેમણે એપ્રિલ-૧૯૯૪થી તા. ૧૯/૦૬/૨૦૨૧ સુધી સર્પદંશના કેસોની રાખેલી નોંધ મુજબ ૧૬,૯૮૫ની સારવાર કરી છે. જેમાં ૬,૯૩૨ ઝેરી અને ૧૦,૦૫૩ બીન ઝેરી સાપ કરડવાના કિસ્સા છે. આમા નાગ કરડવાના ૫૨૧, કાળોતરાના ૭૬૦, રસેલ વાઈપરના ૪,૧૭૨, સો સ્કેલ્ડ વાઈપર (ફુડસુ)ના ૧,૪૪૯ બામ્બુ પીટ વાઈપરના ૨૮ અને ૦૧ હમ્પ નોઝ પિટ વાઈપર તથા ૦૧સ્લેન્ડર કોરલનો સમાવેશ થાય છે. આ કેસોમાં માત્ર ૧૩૧ વ્યક્તિઓના મૃત્યુની નોંધ પણ ડો. પટેલે રાખી છે. આ વિશે તેમનું કહેવું છે કે, “મારી દ્રષ્ટિએ, દુનિયા લેવલે સૌથી ઓછો ડેથ રેટ છે. આમાના અડધા મોત તો હોસ્પિટલમાં દાખલ થાય તે પહેલા જ થયા હતા અને બાકીના છેલ્લા સ્ટેજે આવેલા દર્દીઓના મોત સારવાર શરૂ થાય તે સાથે જ થયા હતાં.”

ડો. ધીરૂભાઇ જણાવે છે કે, ધરમપુર અને ડાંગ વિસ્તારમાં પાચ પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે. (૧) નાગ, (૨) કાળોતરો, (૩) ખડચીતળો, (૪) ફુડસૂ અને (૫) બામ્બૂ પીટ વાઇપર. આ ઝેરી સાપોમાં પાછા બે પ્રકાર છે : (૧) ન્યૂરોટોક્સિક અને (૨) હિમોટોક્સિક. ન્યૂરોટોક્સિકમાં પણ બે પ્રકારના ઝેરી સાપ છે. એક નાગ (Indian cobra) અને બીજો કાળતરો (Common Krait). જેને આ વિસ્તાના લોકો મનિયાર તરીકે ઓળખે છે. જયારે હિમોટોક્સિકમાં ત્રણ પ્રકારના સાપ છે. (૧) ખડચીતલો (Russell Viper) જેને જંગલ વિસ્તારમાં પરડ કહે છે. (૨) ફૂડસુ (Saw Scaled Viper) અને (૩) જે ડાંગ વિસ્તારમાં વધુ અને ધરમપુરના ડાંગને અડીને આવેલા પૂર્વ વિસ્તારમાં જોવા મળતો બામ્બૂ પીટ વાઇપર છે. આ સાપ બાયોવર્સિટીને કારણે માઇગ્રેટ થઇને ધરમપુર વિસ્તારમાં આવ્યો હોવાનું મનાય છે. મોટે ભાગે આ વિસ્તારના લોકો આ સાપોના ડંખના ભોગ બનતા હોય છે.

સાપનું ઝેર પ્રોટીનયુક્ત હોય છે. તે તેની લાળગ્રંથિમાંથી બને છે. આ લાળ ગ્રંથિ સાપની આંખની પાછળના બંને ભાગે આવેલી હોય છે. જે સાપના ઉપરના જડબાના બે વાંકા દાત સાથે નલિકા મારફત જોડાયેલી હોય છે. ન્યૂરોટોક્સિક સાપ, નાગ અને કાળોતરામાં દાંતની મોઢાની અંદરની તરફ વળેલા ખાચવાળા હોય છે. જયારે હિમોટોક્સિક વાઇપર સાપના દાત ઈન્જેકશનની સોય જેવા પોલા હોય છે. સાપ ડંખ મારે ત્યારે કુદરતી રીતે સ્નાયુસંકોચન સાથે લાળગ્રંથિમાંથી ઝેર નલિકા મારફત દાંતમાં આવે છે. અને દાંતના ઘા મારફત ઝેર વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે.

સાપના ડંખ પણ બે પ્રકારના હોય છે. એક છે. બિઝનેસ બાઇટ એટલે કે ખોરાક માટે – ઉંદર, દેડકા, ગરોળી, જેવા પ્રાણીના શિકાર માટે કરે છે. જયારે બીજો છે – ડિફેન્સ બાઇટ. જે સાપ પોતાની આત્મરક્ષા માટે કરે છે. ડિફેન્સ બાઈટમાં સાપ ખોરાક માટે કરેલા બિઝનેસ બાઇટ કરતા ૨૨ ગણું ઓછું ઝેર કાઢે છે. ઘણીવાર તો આ ડંખમાં સાપ ઝેર છોડતો નથી. આવા સર્પદંશને ડ્રાઇ બાઇટ કહે છે. સર્પદંશના મોટાભાગના કિસ્સા ચોમાસામાં જ વધુ બને છે. જેના કારણોમાં વરસાદનું પાણી દરમાં ભરાઇ જવાથી તેમજ ખોરાકની શોધમાં તે દરમાંથી બહાર આવે છે. મોટે ભાગે માનવ રહેણાંક વિસ્તાર એટલે કે, ઘરોની નજીક આવી જાય છે. ત્યારે વ્યકિતના અડફેટમાં આવવાથી કે તેને જોખમ જણાયે સાપ કરડે છે. નાગ કરડે તો માનવીનું ૧૫ મિનિટ થી ૩ કલાક સુધીમાં જો તબીબી સારવાર ન મળે તો મૃત્યુ થાય છે. જેમાં ચેતાતંત્ર નબળું પડે છે. પેરાલીસીસ- લકવાની અસર થાય છે. શરૂઆતમાં આંખની પાંપણ પડી જાય છે. ગળવાનું બંધ થાય છે. જેથી લાળ મોઢામાંથી બહાર આવે છે. બોલવામાં તોતડાપાણું આવી જાય છે. શ્વાસના સ્નાયુઓને પેરાલીસીસ થાય છે. અને સારવાર ન મળે તો મૃત્યુ થાય છે. નાગના દંશમાં ડો. ધીરૂભાઇ તેમના વર્ષોનો અનુભવ જણાવે છે કે, જો સ્ટેથોસ્કોપમાં દર્દીનો હ્રદયનો ધબકારો સાંભળવા મળે તો દર્દીને સારવારથી ૧૦૦ ટકા બચાવી શકાય પરંતુ જો દર્દીને હ્રદયરોગ, કીડનીની ગંભિર બિમારી ના હોય તો તબીબી સારવારથી બચાવી શકાય છે. નાગ કરડવાના કિસ્સા મોટે ભાગે સવારે કે સાંજે વધુ બનતા હોય છે.

કાળતરો વિશિષ્ટ અને દુનિયાનો બીજા નંબરનો ઝેરી સાપ છે. તેના દંશની અસર અડધા કલાક થી ૩૬ કલાક સુધીમાં થાય છે. તેના કરડવાના કિસ્સા મોટે ભાગે મધ્ય રાત્રિમાં વધુ જોવા મળે છે. કારણ કે, આ સાપ રાત્રે સ્પષ્ટ જોઇ શકે છે. દિવસે તેને ઓછું દેખાય છે. રાત્રિના સમયે તે ખોરાકની શોધમાં નિકળે છે. બીજું કે સાપ ઠંડા પ્રકારનું લોહી ધરાવતું પ્રાણી છે. ચોમાસામાં રાત્રે તાપમાન ઓછું થવાથી તે હૂંફની શોધમાં પણ હોય છે. અને રાત્રે નીચે સૂતેલા વ્યકતિની તેને હૂંફ ખૂબ સારી રીતે મળી રહેતી હોય તે બગલની આસપાસ ભરાઇ જાય છે. ઉંઘમાં પડખું ફેરવતી વખતે તેને જોખમ જણાતા ડંખ મારે છે. તેનો ડંખ મોટે ભાગે નાકના ટેરવા પર, કાન પર કે ગળાની આસપાસ હોય છે. તેનો ડંખ એટલો તિક્ષણ હોય છે કે મોટે ભાગે સાપ કરડયાની ખબર પડતી નથી. અથવા પડે છે તો મચ્છર કરડયો હોય તેવું લાગે છે. તેની અસરમાં પેટ દુઃખવું, ઉલ્ટી થવી શરીરમાં દુઃખાવો થવો અને ન્યૂરો ટોકિસક ઝેર જેવી અસરમાં આંખની પાપણ પડી જવી, ગળી ન શકવું, લાળ બહાર પડવી, બોલવામાં તકલીફ થવી, શ્વાસો શ્વાસમાં તકલીફ થવી વગેરે તેના ઝેરના લક્ષણો છે. બંનેનું ઝેર ન્યૂરોટોકિસક હોવા છતાં નાગ અને કાળોતરના દંશમાં તફાવત એ છે કે નાગના દંશની જગ્યાએ ખૂબ જ સોજો આવે, મોટા ભાગે પાક (રસી) થાય, ગ્રેંગરીન થાય. જયારે કાળોતરમાં આ લક્ષણો ભાગ્યેજ જોવા મળે છે.

ડો. ધીરૂભાઇ જણાવે છે કે, હિમોટોકિસક ઝેર ધરાવતો રસેલ વાઇપર સૌથી ખતરનાક સાપ છે. તેના ઝેરથી વ્યકિતને બચાવવો મુશ્કેલ છે. એના ઝેરની અસર સીધી લોહી પર થાય છે. લોહીની નલિકાઓ ઉપર થાય છે. ગોહીની ગઠ થવાની પ્રકિયા બંધ થાય છે. જેથી મ્હો, નાક, કાન, મળ-મૂત્રના માર્ગેથી રકતસ્ત્રાવ થાય છે. બીજી અસરમાં લાલકણ ઘટી જાય છે. અને ત્રીજી સૌથી ખરાબ અસર કીડની પર થાય છે. કીડની ફેઇલ થઇ જાય છે. ચોથી હ્રદય પર અસર થતા હ્રદય કામ કરતું બંધ થાય છે. પ્રેસર ઓછું થઇ જાય છે. માનવી પર તેના ઝેરની અસર અડધા કલાકથી ત્રણ-ચાર કલાકમાં થાય છે. દંશના સ્થાને ખૂબજ સોજો આવે છે. લોહી નિકળે છે. અને ફોલ્લા પડે છે. રસેલ વાઇપર કરડવાના કિસ્સા દિવાળી પછી વધારે બને છે. મોટે ભાગે ઘરની બહાર, રસ્તા પર કે ખેતરમાં કામ કરતી વખતે બને છે. ફુડસુ અથવા સ્કેલ્ડ વાઈપરની અસર પણ અડધા કલાક થી ૦૩ દિવસમાં થાય છે. તેમાં પણ રકત સ્ત્રાવ, સોજો આવવો જેવા લક્ષણો જોવા મળે છે. એ જ પ્રમાણે બામ્બૂ પીટ સાપના ઝેરની અસર પણ અડધા કલાકથી ૩-૪ કલાકમાં થાય છે. જેમાં રકતસ્ત્રાવ, સોજો આવવો, પ્રેશર ઓછું થઇ જવુ જેવા હોમોટોક્સિક ઝેરના લક્ષણો જોવા મળે છે.

સાપના ઝેરનું મારણ એન્ટિ સ્નેક વીનમ (Anti snack venom) આપણે ત્યાં ચેન્નઈમાં બને છે. ઝેરનું મારણ ઝેર એ ઉક્તિ મુજબ એન્ટિ સ્નેક વીનમ સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. સાપનું ઝેર ઈંજેક્શન મારફત પસંદ કરેલા તંદુરસ્ત ઘોડામાં નિયત માત્રામાં આરોપવામાં આવે છે. ત્યારબાદ છ-આઠ મહિના કે વર્ષ પછી આ ઘોડામાંથી લોહી લેવામાં આવે છે. આ લોહીને પ્રોસેસ કરી તેમાના રક્ત કણો છુટા કરી વધતા પ્રોટીનમાંથી બનતું વેક્સિન અથવા સીરમ એન્ટિ સ્નેક વીનમ છે. જે પાવડર ફોમમાં અને લીકવિડ ફોમ એમ બંને પ્રકારમાં મળે છે. તેમ જણાવતા ડો. પટેલ કહે છે કે, આપણા દેશમાં જુદા જુદા વિસ્તાર અને વાતાવરણમાં સર્વાઇવ કરતા સાપમાં ઝેરની માત્રા અને અસરકારકતા જુદી જુદી હોય છે. ઉદાહરણ તરીકે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ કે દક્ષિણ ભારતમાં નાગની જાતિ એક જ છે છતા તેમના ઝેરની તીવ્રતામાં ફરક હોય છે. તેમના ૩૦-૩૫ વર્ષના અનુભવ વર્ણવતા વધુમાં કહે છે કે, સરકારે પ્રદેશ અનુસાર એન્ટિ સ્નેક વીનમ બનાવતા કેન્દ્રો શરૂ કરવા જોઇએ.

લગભગ ૩૦થી વધુ વર્ષની સર્પદંશ સારવારના અનુભવો સાથે તેમણે કેટલાક સંશોધનો પણ સફળતાપૂર્વક કર્યા છે. જેમાં તેમણે કોબ્રા(નાગ) અને કોમન ક્રેટ(કાળોતરો)માં ૧૦ વાયલથી પણ દર્દીઓને સાજા કર્યા છે. તો સો સ્કેલ્ડ વાઈપરમાં ફક્ત ૦૬ વાયલથી અને બામ્બૂ પીટ વાઈપરમાં, જો દર્દીને બ્લીડીંગ થતું હોય તોજ વાયલ આપે છે અન્યથા વગર વાયલે જ દર્દીઓને સાજા કર્યા છે. રસેલ વાઈપરમાં જ વધારે વાયલ આપવા પડે છે, તેમાં પણ તેમણે ઘટાડો કરી સ્નેક બાઇટના કેસ સાજા કર્યા છે. બીજું સંશોધન તેમણે સાયકોટોક્સિક ઇફેક્ટ પર કર્યુ છે. ખાસ કરીને રસેલ વાઈપર કરડ્યાનું નિદાન થાય, પણ દર્દીમાં લક્ષણો જોવા નહિ મળે. દર્દીનું બી.પી., પલ્સ નોર્મલ હોય, આવા કિસ્સામાં દર્દીનું દોઢ સી.સી. જેટલું લોહી એક ટેસ્ટ ટ્યુબમાં લઇ તેને ૨૦ મિનીટ સુધી ટીલ્ડ કરવામાં આવે છે. જો તે ક્લોટ થઇ ગયું હોય તો એને ક્લોટેસ્ટ સ્ટેટસ કહેવામાં આવે છે અને ક્લોટ ના થયું હોય તો એને નોટ ક્લોટેસ્ટ સ્ટેટસ કહેવામાં આવે છે. નોટ ક્લોટેસ્ટ સ્ટેટસમાં જ દર્દીને એન્ટિ વીનમ આપવાનું રહે. જો ક્લોટેસ્ટ સ્ટેટસ આવેતો પણી દર કલાકે ત્રણ થી ચાર વખત ટેસ્ટ કરવામાં આવે છે. અને બધા ટેસ્ટ ક્લોટેસ્ટ આવે તો એવા દર્દીને વીનમના ઈંજેક્શન આપવાની જરૂરિયાત રહેતી નથી, પછી દર્દીને ભલે ને સોજા આવ્યા હોય તેમ ડો. પટેલનું કહેવું છે. ત્રીજુ તેમણે યુરિન(પેશાબ) પર કર્યુ છે. સ્નેક બાઇટના કિસ્સામાં જો યુરિનનો કલર નોર્મલ આવતો હોય તો તેવા પેશન્ટને પણ તેમણે વિના ઈંજેશ્શનથી સાજા કર્યા છે. આ બધી બાબતોને તેમણે સાયકોટોક્સિક ગ્રુપમાં લીધી છે. દર વર્ષે ૮૦ થી ૯૦ જેટલા પેશન્ટોને તેમણે વગર ઈંજેકશનથી સારા કર્યા છે. આમા આડકતરો ફાયદો પેશન્ટને થાય છે. પેશન્ટના શરીરમાં ઝેર તો ગયું છે પણ તેના શરીરે એન્ટિ બોડી બનાવતા ઈંજેક્શનની જરૂર ન પડી. આથી બીજો ફાયદો પેશન્ટને ઈંજેક્શનના ખર્ચમાં બચતનો થાય છે.

અનુભવો, સંશોધનો અને કિંમતી મનાવ જીંદગી બચાવવાના ડો. ધીરૂભાઇ પટેલના કાર્યની સરકારે સરાહના કરી છે. તેમના સન્માન, વિનામૂલ્યે જરૂરિયાતના ઈંજેક્શનો પુરા પાડવા સાથે અને તેમની રજુઆત સ્વિકારી ધરમપુર ખાતે સ્નેક રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, છેલ્લા બે વર્ષથી મંજુર કરી છે. આ ઈન્સ્ટીટ્યુટના તેમને ઉપાધ્યક્ષ બનાવાયા છે અને વન વિભાગ સાથે તેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં માલનપાડાની પંચવટીમાં શેડ ઉભા કરવામાં આવ્યા છે. જરૂરી સાધનો માટેના ઓર્ડર અપાઇ ચૂક્યા છે. ટૂંક સમયમાં આ ઈન્સ્ટીટ્યુટ શરૂ થશે. આ ઈન્સ્ટીટ્યુટ ચાર થી પાચ જેટલા થીમ ઉપર કામ કરશે. જેમાં વીનમ-સાપના ઝેરનું કલેકશન કરવામાં આવશે. ઝેરી સાપ પકડવા માટેની ટીમ તૈયાર કરાશે જેને પુરતી તાલીમ અપાશે. એકત્રિત થયેલા ઝેરને પ્યુરીફાય કરવામાં આવશે. પછી તેને જે તે કંપનીને ઈંજેક્શન બનાવવા મોકલી આપવામાં આવશે. સાપના રેસ્ક્યુ માટેની તાલીમ પામેલી ટીમ બનાવવામાં આવશે. જે રહેણાંક વિસ્તારમાં આવી ચડેલા સાપનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે છોડવાનું કામ કરશે. સર્પદંશની સારવાર ઝડપી અને પ્રોટોકોલ મુજબ થાય, યોગ્ય માત્રામાં વાયલનો ઉપયોગ થાય, બગાડ ન થાય તેવી ડોક્ટરોને તાલીમ આપવાની કામગીરી પણ આ ઈન્સ્ટીટ્યુટમાં થવાની છે. સાથે અવરનેસના પ્રોગ્રામો પણ આઈન્સ્ટીટ્યુટ થકી થવાના છે.
૦૦૦૦૦૦૦૦૦