કોરોનાની સ્થિતિને કારણે ગુજરાત ભાજપનું ચૂંટણીના વર્ષનું સમયપત્રક ખોરવાયું

જપન પાઠક

કેન્દ્રીય ચૂંટણી પંચે પાંચ રાજ્યોની ચૂંટણીઓમાં સભા-સરઘસો પર 15 જાન્યુઆરી સુધી મૂકેલી બંધી હવે 22 જાન્યુઆરી સુધી લંબાવી છે. ગુજરાતમાં ચાલુ વર્ષ વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું વર્ષ છે અને કોરોનાવાઇરસના ફેલાવાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિની અસરથી ગુજરાતની ચૂંટણીની તૈયારી પણ બાકાત નથી. જાન્યુઆરીમાં ભાજપે બે મોટા પક્ષીય આયોજનો તો પાછા ઠેલવા પડ્યા છે અને ચૂંટણીની તૈયારીઓનું પક્ષનું ઇચ્છિત સમયપત્રક ખોરવાયું છે.

સોળમી જાન્યુઆરીએ દક્ષિણ ગુજરાતમાં કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહની હાજરીમાં સુમુલ ડેરીના પ્રયત્નોથી લાખથી દોઢ લાખ લોકોની સભા મળવાની હતી તે આયોજન રદ કરવું પડયું છે. ચૂંટણીના વર્ષમાં લાખ-દોઢ લાખની હાજરી હોય તેવી સંખ્યાબંધ સભાઓ કરવાનું આયોજન આચારસંહિતા લાગે તે અગાઉ ગુજરાત સરકાર અને સહ્યોગી સંગઠનો દ્વારા, તથા આચારસંહિતા પછી ગુજરાત ભાજપ દ્વારા થતું હોય છે. સુમુલથી આની શરુઆત થવાની હતી. પરંતુ આખો કાર્યક્રમ એડવાન્સ તૈયારીઓના સ્તરે હતો ત્યારે તેને અમિતભાઇના જ માર્ગદર્શન અનુસાર મોકૂફ રાખવો પડયો છે.

બીજો પક્ષીય કાર્યક્રમ દરેક જિલ્લામાં થવાનો હતો જે અંતર્ગત ભાજપના યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મદિવસ એટલેકે રાષ્ટ્રિય યુવા દિવસના પ્રસંગે બાર જાન્યુઆરીએ જિલ્લા સ્તરે રેલીઓ યોજાવાની હતી. પરંતુ આ કાર્યક્રમ પણ રદ કરવો પડ્યો છે. યુવા મોરચાના અત્યંત મહત્વના વિસ્તારક કાર્યક્રમનું આ રેલીઓ સાથે સમાપન થવાનું હતું પરંતુ કોરોનાની સ્થિતિને કારણે સમયપત્રક ખોરવાઇ ગયું.

પક્ષથી જરા હટીને સરકાર પક્ષે વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની લાંબી ઉપસ્થિતિ સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન જાન્યુઆરીમાં સરકારી સ્તરે થવાનું હતું. તે પ્રસંગે યોજાનાર ડ્રોન શોથી માંડીને, બિઝનેસ લીડર્સ અને ભારતીય-વિદેશી મહાનુભાવોની ઉપસ્થિતિ તથા બીજા આયોજનો પણ એક સારું વાતાવરણ ઉભું કરવાના હતા જે થકી ચૂંટણીનું વર્ષ એક હકારાત્મક નોંધ સાથે શરુ કરવાનું હતું પરંતુ બધું મોકૂફ રાખવું પડયું.

લોકો વચ્ચે જવાની અને લોકોને એકઠા કરવાની પોતાની ચિર પરિચિત સ્ટાઇલથી ચૂંટણીના પ્રચાર આયોજન માટે જાણીતા ગુજરાત ભાજપ માટે આ વખતે ચૂંટણીના વર્ષમાં કોરોના દ્વારા સર્જાયેલી સ્થિતિ વિમાસણરુપ એટલા માટે છે કે કશું મોટું આયોજન એકાદ બે મહિના અગાઉથી થતું હોય છે અને તે વખતે અંદાજ નથી આવતો કે કાર્યક્રમ ટાણે કોરોનાનો આંક કેવો હશે. લોકોનો જુવાળ ઉમટે એ દ્રશ્ય જે એક સમયે પક્ષને ફાયદો કરાવતું હતું તે અત્યારે ટીકાપાત્ર બને છે એવી નવી પરિસ્થિતિમાં ગુજરાત ભાજપે પરંપરાગત પ્રચારના -એ- પ્લાન સાથે કોરોનાની સ્થિતિમાં અખત્યાર કરવા માટેનો -બી- પ્લાન તૈયાર કરી રાખવો પડે તેમ છે.