સોમનાથ મંદિરના પુરોહિતો માટે સંસ્કૃત સંભાષણ વર્ગ શરૂ કરાયા
May 02, 2022
પ્રભાસ પાટણ: વિશ્વના કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવા દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશના કરોડો ભાવિકો પ્રતિવર્ષ આવતા હોય છે. સોમનાથને અર્વાચીન ભારત નું વિકાસનું પ્રમાણ બિંદુ માનવામાં આવે છે. ત્યારે સંસ્કૃત ભાષાના વ્યવહારિક ઉપયોગમાં પુનઃ ઉત્થાન અને સુદ્રઢીકરણ માટે પણ સોમનાથ ટ્રસ્ટ અગ્રેસર બન્યું છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડ માં સંસ્કૃત અને સંસ્કૃતિ ના સંવર્ધન માટે જે ઉલ્લેખ છે, તદ્ અનુસાર સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી,વેરાવળમાં થાય તે માટે વેરાવળ માં રાજેન્દ્ર પેલેસ તરીકે ઓળખાતી ખુબજ કીમતી 17 એકર જમીન તેમજ જમીન પર આવેલ રાજેન્દ્ર પેલેસના મકાનને રૂ.50 લાખના ખર્ચે રીનોવેટ કરી સંસ્કૃત યુનિવર્સિટી બનાવવા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ હતી, સોમનાથ ખાતે સંસ્કૃત યુનિવર્સીટી ની ઘોષણા અને લોકાર્પણ વર્ષ 2007 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના વરદ હસ્તે થયેલુ હતું. સાથે જ પ્રતિવર્ષ સંસ્કૃત માટે સંશોધન કરતા તજજ્ઞો વિદ્દવતજનો ને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વાર સોમનાથ ચંદ્રક થી સન્માનીત કરવામાં આવે છે, ત્યારે સંસ્કૃત ના સંવર્ધન માટે એક પ્રગતીશીલ દિશામાં પ્રયાણ થયુ છે, અને સોમનાથ માં આવતા સંસ્કૃત ભાષા થી યાત્રિઓ નુ સ્વાગત કરવામાં આવશે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સંભાષણ નું 15 દિવસીય પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયું છે. 70 અધ્યેતા માટે સવાર અને સાંજ ના સમયે 2 વર્ગો યોજવામાં આવશે. જેના થકી સોમનાથ મંદિરના વ્યવહારની ભાષા તરીકે સંસ્કૃત નો ઉપયોગ શરૂ થશે દેશ-વિદેશના આવતા યાત્રિકો સાથે સોમનાથ ટ્રસ્ટ ના પુજારી શુદ્ધ સંસ્કૃત ની અંદર સંભાષણ કરશે સંસ્કૃત ભાષાની સરળતા અને મધુરતાને સોમનાથ ગર્ભગૃહ થી વિશ્વ ફલક પર ફરીથી ઉજાગર કરવા સોમનાથ ટ્રસ્ટે ઉત્તમ વિચારને અનુકરણમાં મૂક્યો છે. સોમનાથ ટ્રસ્ટ ના યાત્રી સુવિધા ભવનના ઓડિટોરિયમ ખાતે પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત દિગ્દર્શક અને અભિનેતા ચંદ્રપ્રકાશ દ્વિવેદી ના હસ્તે સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનવર્સિટી ના કાર્યકારી કુલપતિશ્રી, અધિકારીશ્રીઓ ની ઉપસ્થિતિમાં આ પ્રશિક્ષણ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કાર્યક્રમનાં ઉદઘાટક અને ભારતીય ચલચિત્ર માં અપાર ખ્યાતિ મેળવનાર ચાણક્ય ધારાવાહિકના નિર્માતા અને ચાણક્ય નું પાત્ર ભજવનાર અભિનેતા પદ્મ શ્રી ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ સંસ્કૃત પ્રત્યાયનના આ વિચારનું અભિનંદન કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા એ આપણી સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિનું તમામ જ્ઞાન સંસ્કૃત માં વસેલું છે. સંસ્કૃત દૂર જવા નો અર્થ એ છે કે આપણે આપણું સમગ્ર જ્ઞાન ગુમાવશું. સંસ્કૃત ભાષા પોતે શક્તિશાળી છે જનસમાજને સંસ્કૃત ભાષા ની જરૂર છે નહીં કે સંસ્કૃત ભાષાને બોલનારાની. ત્યારે સોમનાથ મંદિરના પૂજારી ગણ અને ઋષિકુમારો માટે સંસ્કૃત સંભાષણ વર્ગના ઉદેશ્ય અંગે તેઓએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સંસ્કૃત અનુરાગી પ્રોફેસર જે ડી પરમાર દ્વારા ઉપસ્થિત સર્વે ને સંસ્કૃત ભાષામાં સંબોધતા જણાવવામાં આવ્યું હતું કે સોમનાથ ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશો માં સંસ્કૃતિના સંવર્ધન અને પ્રચાર-પ્રસાર નો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત યુનિવર્સિટી ના નિર્માણમાં પણ ઉત્કૃષ્ટ ફાળો આપવામાં આવ્યો હતો ત્યારે હવે સોમનાથ મંદિરના પૂજારી ગણ સંસ્કૃત ભાષામાં પ્રત્યાયન કરીને ગર્ભગૃહની શોભામાં અભિવૃદ્ધિ કરશે સાથે જ બહારથી આવતા યાત્રીઓ માટે સોમનાથ ટ્રસ્ટના પુજારી દ્વારા સંસ્કૃતમાં થતું પ્રત્યાયન અનુકરણીય અને આકર્ષક બનશે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના કાર્યકારી કુલપતિ શ્રી પ્રો. ડૉ.લલિતકુમાર પટેલે પોતાના સંસ્કૃત ભાષામાં કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા શીખવી અઘરી છે તેવી લોકો એ માનસિકતા કેળવી છે પરંતુ સંસ્કૃત ભાષાની અંદર બોલાયેલા શબ્દો અને વાક્યો એટલા સમજવામાં સરળ છે કે જે વ્યક્તિ સંસ્કૃત નથી જાણતો તે પણ વાક્ય નો ભાવ અને સંદેશ સમજી શકે છે. સંસ્કૃત સંભાષણ ખૂબ જ સરળ છે સોમનાથ મંદિરના પૂજારી ગણ શાસ્ત્રોમાં પારંગત છે વ્યવહારની ભાષામાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરશે ત્યારે તેમના કથન ની અસરકારકતા અનેક ગણી વધારે જોવા મળશે.
સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા સંસ્કૃતિની પોષક છે સોમનાથ મંદિરમાં સંસ્કૃત ભાષામાં જ્યારે પૂજારી ગણ દ્વારા આવનારા યાત્રીઓને સંબોધવામાં આવશે ત્યારે આવનારા યાત્રીઓ વધુ પવિત્ર અનુભવ મેળવીને સંસ્કૃત ભાષા તરફ પણ આકર્ષિત થશે અને સંસ્કૃત ભાષાના ઉપયોગ નો પ્રયત્ન કરશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયની અંદર સોમનાથ મંદિર પરિસરમાં પાઠ શાળાના ઋષિકુમારો દ્વારા રુદ્રાભિષેક ના શ્લોકોનું ગાન કરવામાં આવે તેવી પણ લાગણી વ્યક્ત કરેલ, જેના કારણે સોમનાથ મંદિર પરિસરના વાતાવરણની સકારાત્મક ઊર્જામાં વધારો થશે.
Recent Stories
- ISKCON Ahmedabad Mandir Protests Over Justice For Hindus In Bangladesh
- Gujarat Gas Hikes CNG Prices Again, Impacting 22 Lakh Vehicle Owners
- Dhari to become 160th Municipality in Gujarat
- Railway Minister visits Austrian company's largest manufacturing plant in the world in Gujarat
- Road-side food cart operators and local residents clash in Vastrapur
- 13-Day Long Saptak Music Festival 2025 to Honor Legacy of Co-Founder Manju Mehta
- Trump Names Kash Patel As New FBI Director; Know More About His Gujarati Origin