ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની કારમી હાર થશેઃ પ્રશાંત કિશોર

નવી દિલ્હીઃ આ વર્ષના અંતે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થશે તેમ “ચૂંટણી વ્યૂહરચનાકાર” પ્રશાંત કિશોરે આજે કહ્યું હતું.

“મને અનેક લોકો સતત પૂછ્યા કરે છે કે, ઉદેપુર ચિંતન શિબિરની ફળશ્રૃતિ શું છે? મારા મતે લાંબાગાળાથી ચાલી આવતી યથાવત્ સ્થિતિથી વિશેષ એ શિબિર કશું હાંસલ કરી શકી નથી અને એ દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશની આગામી કારમી હાર સુધી પક્ષની નેતાગીરીને થોડો સમય મળી ગયો છે,” તેમ પ્રશાંત કિશોરે શુક્રવારે બપોરે કરેલા ટ્વિટમાં જણાવ્યું હતું.

2014થી સતત ચૂંટણી હારી રહેલી કોંગ્રેસ નેતાગીરીએ કેટલાક આકરા નિર્ણય લેવાનું વચન આપ્યું હતું, તે અનુસાર રાજસ્થાનના ઉદેપુરમાં તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિર દરમિયાન કેટલાક સુધારા કરવા તૈયારી દર્શાવી હતી પરંતુ પક્ષના ટોચના નેતૃત્વના મુદ્દે કોઈ ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો નહોતો.

પ્રશાંત કિશોર પાછલા વર્ષે ગુજરાત કોંગ્રેસના કનુભાઇ કલસરીયા અને ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓને દિલ્હીમાં વન ટુ વન મળ્યા હતા અને ગુજરાતની પરિસ્થિતિ જાણી હતી. ઉપરાંત ગુજરાતી ભાષામાં ફેસબુક પર પ્રશાંત કિશોરની ટીમમાં ભરતી થવા માટે યુવાનોને નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું જેથી મનાતું હતું કે પ્રશાંત કિશોર ગુજરાતમાં કોંગ્રેસ જીતી શકે કે કેમ તે વિશે કોઇક અભ્યાસ કરી રહ્યા હતા. માનવામાં આવે છે કે પ્રશાંત કિશોરે ત્યાર પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ફીડબેક આપ્યો હતો.

એ સર્વવિદિત છે કે, હજુ થોડા અઠવાડિયા પહેલાં જ કોંગ્રેસે પ્રશાંત કિશોરનો સંપર્ક સાધીને તેમને પક્ષમાં જોડાવા નિમંત્રણ આપ્યું હતું એટલું જ નહીં પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વિજય મળે તે માટે વ્યૂહરચના તૈયાર કરવા પણ જણાવ્યું હતું. જોકે થોડા દિવસ સુધી કોંગ્રેસ નેતાગીરી અને પ્રશાંત કિશોર વચ્ચે વાટાઘાટ ચાલ્યા બાદ પ્રશાંત કિશોરે જ ટ્વિટ કરીને જાહેર કર્યું હતું કે, કોંગ્રેસની ઑફર તેમને મંજૂર નથી અને પોતે હવે કોંગ્રેસમાં જોડાવાના નથી.

ત્યારબાદ પ્રશાંત કિશોરે આગામી સમયમાં બિહારમાં પદયાત્રા કરવાનો પોતાનો કાર્યક્રમ પણ જાહેર કર્યો હતો.

તાજેતર ના લેખો