રાહુલ ગાંધી ફરી વિદેશ પ્રવાસે

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં એક તરફ કટોકટી ઘેરાઈ રહી છે, પક્ષના સિનિયર નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે તેવા સમયે રાહુલ ગાંધી વધુ એક વખત વિદેશ પ્રવાસે નીકળી ગયા છે.

સમાચાર સંસ્થા ANIના અહેવાલ અનુસાર યુકેમાં કેમ્બ્રિજ ખાતે “ઈન્ડિયા એટ 75” નામે કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી લંડન જવા રવાના થઈ ગયા છે. લંડનની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી આવતીકાલે શુક્રવારે “આઇડિયાઝ ફૉર ઈન્ડિયા” વિષય ઉપર વક્તવ્ય આપશે. કેમ્બ્રિજ ખાતેનો કાર્યક્રમ 23 મેએ યોજાશે.

હજુ ગઇકાલે જ પક્ષમાંથી રાજીનામું આપનાર ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે તેમના રાજીનામા પત્રમાં પણ આ વાતે નારાજગી વ્યક્ત કરી હતી કે કાર્યકરોને પક્ષના નેતૃત્વના માર્ગદર્શનની જરૂર હોય ત્યારે એ વિદેશમાં હોય છે. આજે ગુરુવારે પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનિલ જાખડ ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ આગામી દિવસોમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાવાના અહેવાલો આવી રહ્યા છે તેવા સમયે પક્ષને એક રાખવાની કોઈ ચિંતા કે ચિંતન કરવાને બદલે રાહુલ ગાંધી વિદેશપ્રવાસે ઉપડી ગયા છે.

નેપાળમાં નાઇટ ક્લબમાં રાહુલ ગાંધીની હાજરીના વીડિયો હજુ પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે તેવા સમયે કોંગ્રેસ નેતા ફરી વિદેશ જવાથી કોંગ્રેસ કાર્યકરો પણ સ્તબ્ધ છે. અગાઉ ડિસેમ્બપમાં રાહુલ અજ્ઞાત સ્થળે વિદેશ પ્રવાસ પર નીકળી ગયા હતા ત્યારે તે વિશે પંજાબ કોંગ્રેસના નેતા નવજોતસિંઘ સિદ્ધુને પત્રકારોએ પ્રશ્ન પૂછતા સિધ્ધુએ જવાબ આપ્યો હતો કે બની શકે કે રાહુલ વિદેશમાં ગુપ્ત મુલાકાતો કરવા જતા હોય. ઉલ્લેખનીય છે કે રાહુલ 31મી ડિસેમ્બર અને પોતાની વર્ષગાંઠ અથવા તેની આસપાસના દિવસોમાં અચૂક વિદેશ જતા હોય છે અને દિવસો સુધી ત્યાં રહેતા હોય છે. ગુજરાત કોંગ્રેસે પાછલી પહેલી મેના દિવસે રાહુલ દાહોદમાં સભા સંબોધે તે માટે તેમની નિમંત્રણ આપ્યું હતું પરંતુ રાહુલ ત્યારે વિદેશમાં હતા. ત્યાર પછી રાહુલનો કાઠમંડુની લોર્ડ ઓફ ધ ડ્રીન્ક્સ નાઇટક્લબમાં શરાબના ટેબલ પર કોઇ યુવતી સાથે બેઠેલો વિડિયો બહાર આવ્યો હતો. રાહુલે પછી દસમી મેએ દાહોદની સભા માટે સમય આપ્યો હતો.