નેશનલ હેરલ્ડ હવાલા કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધીને ઈડીનું સમન્સ

નવી દિલ્હીઃ નેશનલ હેરલ્ડ અખબારને સંડોવતા એક હવાલા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા છે. નેશનલ હેરલ્ડ અખબારની માલિકી અને સંચાલન કોંગ્રેસ પક્ષ દ્વારા થાય છે.

ઈડીએ આ અગાઉ એપ્રિલ 2022માં આ જ કેસના સંદર્ભમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી હતી.

સમન્સ જારી થવા સાથે જ કોંગ્રેસ પક્ષે નારાજગી વ્યક્ત કરી હતી. પક્ષના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, તપાસ એજન્સીઓએ જે કેસ 2015માં બંધ કરી દીધો હતો તેને સરકાર ફરી ઉખેળી રહી છે. બદલો લેવાની ભાવનામાં સરકાર આંધળી બની ગઈ છે તેમ સિંઘવીએ કહ્યું હતું. અમને ડરાવવા માટે આવું કરવામાં આવે છે પરંતુ અમે ડરીશું નહીં. સિંઘવીના મતે તમામ કંપનીઓ દેવાને ઈક્વીટીમાં બદલીને બેલેન્સ શીટમાં સુધારો કરે છે.

જોકે, સિંઘવીની આ દલીલના જવાબમાં સુવિખ્યાત અર્થશાસ્ત્રી એસ. ગુરુમૂર્તિએ કહ્યું કે, મિ. સંઘવી, પ્રશ્ન લોનને ઈક્વીટીમાં ફેરવવાનો નથી. પ્રશ્ન ફેક કંપનીઓ પાસેથી લેવામાં આવેલી લોનનો છે જેના માટે કોંગ્રેસ દ્વારા રોકડ રકમ આપવામૈં આવી હતી. અને તેથી આ હવાલાનો કેસ બને છે.

2013માં દાખલ થયેલા આ અંગેના કેસમાં ઈડીએ 2020માં મોટાપાયે કાર્યવાહી કરીને મુંબઈમાં બાંદ્રાસ્થિત મહત્ત્વની મિલકત જપ્ત કરી હતી. કરોડો રૂપિયાની એ મિલકત ગેરકાયદે રીતે એસોસિયેટેડ જર્નલ્સ લિમિટિડને ફાળવી દેવામાં આવી હતી.